નવી દિલ્હીઃ સ્વીડનમાં કુરાનને આગ લગાવવાના મામલે સાઉદી અરબ, પાકિસ્તાન સહિત અનેક મુસ્લિમ દેશોએ આકરી પ્રતિક્રિયા આપી છે. શનિવારે સ્વીડનના દક્ષિણપંથી વિચારધારાવાળી સ્ટ્રામ કુર્સ પાર્ટીના નેતા રાસમુસ પૈલુદાને નાટો સભ્યપદને લઈને તુર્કીમાં ચાલી રહેલી તંગદિલી વચ્ચે તુર્કી દૂતાવાસ બહાર કુરાનને આગ લગાવી દીધી હતી.
આશ્ચર્યની વાત એ છે કે પ્રદર્શન દરમિયાન કુરાનની કોપીને આગ લગાવવા માટે તેમને સરકાર તરફથી જ છૂટ અપાઈ હતી. હેડક્વાર્ટર બહાર કુરાન સળગાવવાની ઘટનાના પ્રત્યાઘાતો મુસ્લિમ દેશોમાં જોવા મળ્યા હતા. તુર્કીના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે અભિવ્યક્તિની આઝાદીની આડમાં પવિત્ર કુરાનને સળગાવવાનું કામ શેતાની છે.
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું કે, સ્વીડનમાં એક દક્ષિણપંથી કટ્ટરવાદી દ્વારા પવિત્ર કુરાનના અપમાનની ટીકા કરું છું, આ યોગ્ય ન કહી શકાય.

