અમેરિકા આ વર્ષે એક મિલિયન ભારતીયોને વિઝા આપશે

Wednesday 26th April 2023 12:00 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકા દ્વારા આ વર્ષે ભારતીયોને 10 લાખથી વધુ વિઝા આપવામાં આવશે તેમ યુએસના ટોચના અધિકારીએ જણાવ્યું હતું. ઓગસ્ટથી શરૂ થનારા શૈક્ષણિક વર્ષમાં બાઇડેન સરકાર દ્વારા તમામ ભારતીયો માટે સ્ટુડન્ટ વિઝા ઝડપથી પ્રોસેસ કરાશે. આ ઉપરાંત H-1Bતેમજ L વિઝા જેવા વર્ક વિઝાને પણ અગ્રતા અપાશે.
અમેરિકાના આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયા ડોનાલ્ડ લૂએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, ભારતીય આઇટી પ્રોફેશનલ્સ દ્વારા જેની વધારે માગી છે તેવા H-1B તેમજ L વિઝાને પ્રાધાન્ય અપાશે. H-1B વિઝા એ નોન ઇમિગ્રન્ટ વિઝા છે જે અંતર્ગત ટેકનિકલ નિષ્ણાત જ્ઞાન ધરાવતા વિદેશી પ્રોફેશનલને અમેરિકાની કંપનીઓ દ્વારા નોકરી અપાય છે. યુએસની ટેકનોલોજી કંપનીઓ આ વર્ષે ભારત અને ચીનમાંથી હજારો નિષ્ણાતોને નોકરી આપવા તત્પર છે.
લૂએ કહ્યું હતું કે, આ વર્ષે ભારતીયોને વધુમાં વધુ સ્ટુડન્ટ અને ઈમિગ્રન્ટસ વિઝા આપીને નવો રેકોર્ડ સર્જવામાં આવશે. પહેલી વખત વિઝા માટે અરજી કરનારા માટે લાંબો વેઇટિંગ ગાળો ચિંતાજનક છે. ખાસ કરીને B1 (બિઝનેસ) તેમજ B2 (ટૂરિસ્ટ વિઝા આપવામાં લાંબો વેઇટિંગ પિરિયડ લોકોને સતાવી રહ્યો છે. ભારત અને અમેરિકાનાં સંબંધો વર્ષોથી ગાઢ બની રહ્યા છે. તેને આગળ વધારવામાં આવશે.

ભારતીય વિદ્યાર્થી બીજા ક્રમે
• અમેરિકામાં અભ્યાસ માટે વિદેશથી આવતા વિદ્યાર્થીમાં ભારત હવે બીજા ક્રમે છે. • H-1B તેમજ L વિઝા માટે ભારતમાં હવે કોન્સ્યુલર સેક્શન માટે વેઇટિંગ પિરિયડ ઘટાડીને 60 દિવસ કરતા ઓછો કરાયો છે. આ વિઝા અગ્રતાક્રમના ધોરણે આપવાનું અમેરિકા તેમજ ભારત બંનેની ઇકોનોમી માટે મહત્ત્વનું છે. • અમેરિકાએ કહ્યું હતું કે અમે વર્ક્સ માટે વિઝાને પ્રાથમિકતા આપી રહ્યા છીએ. કારણ કે તે અમેરિકા અને ભારતીય અર્થવ્યવસ્થા બન્ને માટે ખુબ મહત્ત્વપૂર્ણ છે. લૂએ કહ્યું હતું કે અમેરિકાના ભારત સાથેના સંબંધ ખૂબ જ મજબુત છે. અમેરિકામાં હાલ એક લાખ કરતા પણ વધારે ભારતીય લોકો રહે છે.


    comments powered by Disqus