કિંગ ચાર્લ્સ સમક્ષ યુવાપેઢીમાં લોકપ્રિયતા વધારવાનો મોટો પડકાર

Wednesday 26th April 2023 06:05 EDT
 

70 વર્ષ બાદ યુકેને નવા રાજા મળી રહ્યાં છે. 6 મેના રોજ વેસ્ટમિન્સ્ટર આબે ખાતે કિંગ ચાર્લ્સ તૃતિયની વિધિવત તાજપોશી કરાશે. યુકેની રાજાશાહી અત્યારે પરિવર્તનના સમયમાંથી પસાર થઇ રહી છે. ક્વીન એલિઝાબેથ દ્વિતિયનો 70 વર્ષનો સમયગાળો પારિવારિક અંધાધૂંધીનો ભલે રહ્યો હોય પરંતુ રાજાશાહીમાં એક સ્થિરતા જોવા મળી હતી. ક્વીનના નિધન બાદ હવે કિંગ ચાર્લ્સ યુકેના નવા રાજવી બન્યાં છે. યુકેમાં રાજાશાહીનો વિરોધ કરનારા પણ ઘણા છે. તેઓ યુકેને પ્રજાસત્તાક બનાવવા અવારનવાર પ્રદર્શનો પણ કરતા આવ્યા છે. રાજાશાહીની તરફેણ નહીં કરનારામાં યુવાનોનો મોટો હિસ્સો છે. જૂની પેઢીના લોકો હજુ રાજાશાહીનું સમર્થન કરે છે. તાજેતરના એક સરવેમાં 65થી વધુ વયના 78 ટકા રાજાશાહીને યોગ્ય ગણાવે છે જ્યારે 18-24 વયજૂથના ફક્ત 32 ટકા જ રાજાશાહીનું સમર્થન કરે છે. આ વયજૂથના યુવાઓ રાજાશાહી કરતાં ચૂંટાયેલા વડાને વધુ યોગ્ય ગણાવે છે. 78 ટકા યુવાઓ કહે છે કે તેમને રાજવી પરિવારમાં કોઇ રસ નથી. તેથી કિંગ ચાર્લ્સ માટે રાજા તરીકેનો કાર્યકાળ પડકારજનક તો બની જ રહેશે. યુકેમાં રાજાશાહીનું ભાવિ નવી પેઢી પર ટકેલું છે. રાજાશાહી પ્રત્યેના યુવાપેઢીના વર્તમાન નીરસ વલણ પર તેનો આધાર રહેલો છે. નવા રાજા સામે ઘણા મુશ્કેલ પડકાર છે. યુવાઓમાં સૌથી મોટો સવાલ રાજવી પરિવારની સંપત્તિ છે. એક તરફ દેશ કારમી કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસનો સામનો કરી રહ્યો છે ત્યારે યુકેની મોટાભાગની જનતા માને છે કે તાજપોશી માટેનો ખર્ચ સરકારી તિજોરીમાંથી ચૂકવવો જોઇએ નહીં. રાજવી પરિવારને થતા ફંડિંગ સામે પણ અવારનવાર સવાલો ઉઠતાં રહે છે. રાજવી પરિવાર પર વારસાઇ ટેક્સ લાગુ થતો નથી તેના પર પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યાં છે. વંશીય લઘુમતી સમુદાયના 40 ટકા લોકો પણ રાજાશાહી કરતાં ચૂંટાયેલા વડાને વધુ મહત્વ આપે છે. યુકેના રાજવી પરિવારની લોકપ્રિયતા 2011-12માં ટોચ પર પહોંચી હતી પરંતુ ત્યારપછી રાજવી પરિવારમાં વિખવાદો, પ્રિન્સ હેરી અને મેઘનના આરોપોના પગલે રાજવી પરિવારની લોકપ્રિયતા તળિયે બેઠી હતી. કિંગ ચાર્લ્સને સૌથી પહેલાં તો પરિવારમાં સુલેહના સૌથી મોટા પડકારનો સામનો કરવાનો છે. ઘર આંગણે લોકપ્રિયતા વધારવાની સાથે કોમનવેલ્થની સમસ્યાઓ, ગુલામીના રાજાશાહી સાથેના જોડાણના આરોપો જેવા મામલા પણ નવા રાજાની આકરી કસોટી કરશે.


comments powered by Disqus