ખાલિસ્તાની અલગતાવાદીઓને ઊગતા જ ડામી દેવાની જરૂર

Wednesday 26th April 2023 06:04 EDT
 

ભારતના પંજાબમાં ફરી એકવાર ખાલિસ્તાની આતંકવાદનો ભોરિંગ ફૂંફાડો મારે તે પહેલાં જ તેને ડામી દેવામાં કેન્દ્ર અને રાજ્ય સરકારોને સફળતા મળી છે. છેલ્લા 36 દિવસથી નાસતા ફરતા પંજાબ દે વારિસ નામના સંગઠનના મુખિયા અને ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં પોલીસ સફળ રહી છે. તેનાથી પણ મોટી સફળતા પંજાબમાં જનમાનસને ખાલિસ્તાન તરફી અલગતાવાદીઓની ઉશ્કેરણીથી અન્યત્ર દોરવાઇ જતાં અટકાવવામાં મળી છે. અમૃતપાલે જનમાનસને ભડકાવવામાં જરાપણ કસર બાકી રાખી નહોતી અને પોતાને જરનૈલસિંહ ભિન્દરાનવાલા સાથે સરખાવવાનો પ્રયાસ કર્યો હતો. ગયા રવિવારે તેણે ભિન્દરાનવાલેના મોગા જિલ્લામાં આવેલા રોડ ગામ ખાતે શરણાગતિ સ્વીકારી તે પહેલાં ગુરુદ્વારામાં લોકોને ઉશ્કેરી પોતાને શહીદ ગણાવવાનો પ્રયાસ કર્યો. એવો ભય હતો કે અમૃતપાલની ધરપકડ બાદ મોટી સંખ્યામાં તેના સમર્થકો દ્વારા હિંસા આચરવામાં આવશે પરંતુ તેનો એકપણ સમર્થક ફરક્યો નહોતો અને પંજાબમાં સંપુર્ણ શાંતિ જળવાઇ રહી છે જે કેન્દ્ર અને રાજ્ય સરકારો તથા પંજાબ પોલીસની મોટી સફળતા છે. ભારત ઘરઆંગણે માથુ ઊંચકી રહેલા ખાલિસ્તાની અલગતવાદીઓ સામે કડક હાથે કામ લેવામાં સફળ રહ્યો છે પરંતુ વિદેશોમાં હજુ પણ પાકિસ્તાનની આઇએસઆઇ અને કટ્ટરવાદી શિખ સંગઠનોના સપોર્ટના કારણે ખાલિસ્તાની અલગતાવાદીઓના મનસૂબા પાર પડી રહ્યા છે. ખાસ કરીને યુકે, કેનેડા, અમેરિકા અને ઓસ્ટ્રેલિયમાં ખાલિસ્તાની અલગતાવાદીઓ ઘણા સક્રિય બન્યાં છે ત્યારે ભારત સરકારે આ તત્વોને જેર કરવા માટે યુકે, અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા પર રાજદ્વારી દબાણ લાવવું પડશે. ભારતે તેનો પ્રારંભ પણ કરી દીધો છે અને એપ્રિલના મધ્યભાગમાં વડાપ્રધાન મોદીએ યુકેના પીએમ રિશી સુનાક સાથે સીધી વાત કરીને અલગતાવાદીઓ સામે આકરા પગલાં લેવાની માગ કરી હતી. ભારતે કેટલાક કટ્ટરવાદી શિખોના પીઆઇઓ અને ઓસીઆઇ કાર્ડ રદ કરી દીધા છે. તે ઉપરાંત લંડનમાં હાઇ કમિશન પર હુમલાની તપાસ માટે પોતાની જ ઇન્વેસ્ટિગેશન એજન્સીને આદેશ આપી દીધો છે. આમ ભારત ખાલિસ્તાની અલગતાવાદીઓને ઊગતા જ ડામી દેવાની દિશામાં આગળ વધી રહ્યો છે.


comments powered by Disqus