ડોલરિયા દેશનો ડંકો રે લોલ...

સી.બી. પટેલ Wednesday 26th April 2023 05:58 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપણે અવારનવાર સાંભળીએ છીએ, અખબારોમાં વાંચીએ છીએ, ટીવી પર જોઇએ છીએ કે અમેરિકામાં ગેરકાયદે પ્રવેશતાં આટલાં મરી ગયાં અને તેટલા મરી ગયા. ઉત્તરમાં કેનેડા સરહદેથી કે દક્ષિણ અમેરિકામાંથી ગેરકાયદે પ્રવેશ કરનાર કાતિલ ઠંડીમાં થીજી જાય છે, દરિયામાં ડૂબી જાય છે, અને છતાં અમેરિકાનો મોહ છૂટતો નથી. આ લોકો અમેરિકામાં ગેરકાયદે પ્રવેશવા માટે એજન્ટોને લાખો રૂપિયા ચૂકવતાં પણ ખચકાતાં નથી કે સહપરિવાર જાનનું જોખમ લેતાં પણ બે વાર વિચારતા નથી.
દુઃખજનક બાબત તો એ છે કે આવા કમભાગીમાં ગુજરાતીઓની સંખ્યા વધુ હોય છે, અને તેમાં પણ ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાતના વતનીઓ કે પાટીદારોની સંખ્યા સવિશેષ જોવા મળે છે. આવા જ દુઃસાહસમાં મોતને ભેટેલા મહેસાણાના ડીંગુચા ગામના પટેલ પરિવારનો કિસ્સો બહુ ગાજ્યો હતો. કેલિફોર્નિયા કે પશ્ચિમી કાંઠે ચીનાઓ મોટી સંખ્યામાં જોઇ શકાય છે. આવું કેમ? આ માટે કોઇ ઊંડા અભ્યાસની જરૂર નથી. બધાને આકર્ષણ છે ડોલરનું. અમેરિકી ડોલર ‘ગ્રીન બેન્ક’ તરીકે અમસ્તો થોડો ઓળખાય છે?!
આ ડોલરનો પ્રભાવ સવાસો વર્ષમાં વધુને વધુ વૈશ્વિક બન્યો હોવાથી, અસરકારક બન્યો હોવાથી અમુક દેશને ભારે અમૂંઝણ થાય છે. કેટલાક વળી એ વાતે ચિંતા કરે છે કે અમેરિકી અર્થતંત્ર આજકાલ નરમ પડ્યું હોવાથી ડોલર નબળો પડશે, અને ચીનની કરન્સી રેન્મ્બી (બાય ધ વે, મેન્ડેરિયન ભાષાના આ શબ્દનો અર્થ થાય છે ‘લોકોનું ચલણ’, યુઆન તેનું એક એકમ છે) તેનું સ્થાન લેશે. કહેતા ભી દિવાના, સુનતા ભી દિવાના જેવી આ વાત છે.
ડોલરના પ્રભાવ કે પ્રભુત્વ સામે ઉઠી રહેલી આશંકા નિરર્થક છે, નજીકના ભવિષ્યમાં તો નહિ જ. આનું કારણ શું છે? સવાલનો જવાબ મેળવવા બહુ દૂર જવાની જરૂર નથી.
1890ની સાલમાં - આજથી 130 વર્ષ પૂર્વે - અમેરિકા સૌથી મોટું અર્થતંત્ર બન્યું. ઉદ્યોગ - વેપાર - મૂડીરોકાણ કે અન્ય કોઇ પ્રકારે અમેરિકાનો ત્યારે પણ કોઇ પ્રતિસ્પર્ધી નહોતો, અને આજે પણ નથી. બે - બે વિશ્વયુદ્ધમાં લાખોની સંખ્યામાં સૈનિકો, મબલખ શસ્ત્ર સરંજામ અને અબજો ડોલરનું અનુદાન આપવા છતાં આ ડોલરિયા દેશના ચલણનો પ્રભાવ વધતો જ ચાલ્યો. બીજા વિશ્વયુદ્ધના અંતિમ ભાગ, 1944માં બ્રેટન વુડ્સ સમજૂતી (Bretton Woods Agreement) પ્રમાણે ડોલર વૈશ્વિક ચલણ તરીકે સ્વીકૃતિ પામ્યો.
યુએસએ એટલે કે અમેરિકા વિશ્વમાં સૌથી મોટું જિઓ-પોલિટિકલ પાવર સેન્ટર - સાદા શબ્દોમાં કહીએ તો મહાસત્તા - હોવાથી ડોલરનો પ્રભાવ અને પ્રભુત્વ દસકાઓ પછી પણ હેમખેમ છે. વિશ્વનાં કુલ સત્તાવાર ચલણનું કે થાપણનું 60 ટકા રોકાણ ડોલરમાં જ થાય છે એ જ તેનું મહત્ત્વ દર્શાવે છે. ફોરેન એક્સચેન્જની લેતીદેતી હોય કે ડેટ માર્કેટના ટ્રાન્ઝેક્શનમાં પણ ડોલર જ વધુ વપરાય છે. આમ, દુનિયાભરના દેશોનું તે ‘પસંદગી’નું ચલણ છે. અને આના પરિણામે ડોલરની જરૂરત - ડિમાન્ડ દરેક દેશને, દરેક સરકારને અને મસમોટી કંપનીઓને પડે જ છે.
અમેરિકા અને ચીન દાના દુશ્મન છે તે વાત આખી દુનિયા જાણે છે. બન્ને એકબીજાને ભરી પીવા તત્પર છે. આ થઇ સિક્કાની એક બાજુ. હવે આપણે સિક્કાની બીજી બાજુ જાણીએ. અમેરિકામાં થયેલા મૂડીરોકાણમાં અને ખાસ કરીને સરકારના ટ્રેઝરી બોન્ડમાં સૌથી મોટું એટલે કે 2700 બિલિયન ડોલરનું અધધધ મૂડીરોકાણ ચીનનું છે. ચીન વિશ્વના બીજા નંબરનું અર્થતંત્ર છે. ચીન અમેરિકા સામે ગમેતેવા હાકલાપડકારા કરે પણ અમેરિકી ડોલર વગર તેને પણ ચાલે એમ નથી એ હકીકત છે.
છેલ્લા 150 વર્ષમાં અમેરિકા વિશ્વનો સૌથી તગડો દેશ બન્યો છે તેના ઘણા કારણો છે. અમેરિકાનું વિશાળ ક્ષેત્રફળ, સાધન-સંપન્ન જનસંખ્યા (આશરે 32 કરોડ), સ્કીલ્ડ મેનપાવર, ઉત્કૃષ્ટ કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સોનામાં સુગંધ ઉમેરતું તેનું ડાયનેમિઝમ. અમેરિકામાં જે ધગશ છે, ધૈર્ય છે તે વિશ્વમાં અપ્રતીમ છે. પ્રતિ વર્ષ, દાયકાઓથી દરિયાપારના દેશોમાંથી લાખો લોકોનું અમેરિકામાં સ્થળાંતર થઇ રહ્યું છે. નવો આગંતુક આર્થિક તથા અન્ય પ્રકારે સિદ્ધિ - સમૃદ્ધિ હાંસલ કરવા પ્રતિબદ્ધ હોય છે, અને આ માટે સજ્જ પણ હોય છે.
વાત માત્ર દરિયાપારના દેશોમાંથી જ અમેરિકા પહોંચતા લોકોની નથી. દેશમાંને દેશમાં પણ મોટી સંખ્યામાં સ્થળાંતર થાય છે. બ્રુકિંગ્સ ઇન્સ્ટિટ્યુટના ડેમોગ્રાફર વિલિયમ ફ્રેના અભ્યાસ અનુસાર, અમેરિકામાં દર વર્ષે 50 લાખ લોકો એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં સ્થળાંતર કરે છે. જ્યાં સારો કામધંધો - સારું વળતર - સારી તકો ઉપલબ્ધ છે ત્યાં પહોંચવા માટે અમેરિકન નાગરિક સેંકડો માઇલનો પ્રવાસ કરતાં ખચકાતો નથી. સામાન ભર્યો ગાડીમાં અને હંકારો બાપલા!
અમેરિકામાં 2021ની સાલમાં 54 લાખ નવા વેપાર-ધંધાની શરૂઆત થઈ હતી, જે 2019 કરતાં 53 ટકા વધુ છે. કોરોના મહામારીના કપરા કાળ પછીના આ આંકડા છે. નવાનક્કોર વેપાર-ધંધા મોટી સંખ્યામાં શરૂ થાય તેમાંથી કેટલાય નિષ્ફળ જાય તો પણ સર્વાંગી દૃષ્ટિએ દેશ આર્થિક મામલે તગડો બનતો જ હોય છે. અમેરિકાની આસમાનને આંબતી આર્થિક પ્રગતિના પાયામાં છે તેનું શ્રેષ્ઠ કક્ષાનું કોર્પોરેટ મેનેજમેન્ટ. સ્કીલ્ડ મેનપાવર અને બેસ્ટ ક્વોલિટીનું કોમ્બિનેશન દેશના અર્થતંત્રને હંમેશા એક ડગલું આગળ રાખે છે. આ દેશના કોર્પોરેટ મેનેજમેન્ટ પર તો સ્ટેનફર્ડ યુનિવર્સિટી જેવા શિક્ષણ સંસ્થાનો દ્વારા મોટા મોટા અભ્યાસો થઇ ચૂક્યા છે. વર્લ્ડ બેન્કના સર્વેમાં પણ સ્પષ્ટ થયું છે કે અમેરિકાના વેપાર-ઉદ્યોગનું મેનેજમેન્ટ શ્રેષ્ઠ હોય છે.
અમેરિકાની આગેકૂચમાં આગવું યોગદાન છે તેના ડાયનેમિઝમનું. દરેક પડકાર કે સમસ્યા સામે અમેરિકન કંપનીનો એક જ અભિગમ હોય છે - ના કેમ થાય? બધું જ શક્ય છે. આ જ તેમનું બિઝનેસ કલ્ચર છે. તેમનો આ અભિગમ તેમને હંમેશા આગેકૂચ કરાવતો રહે છે.
અમેરિકી અર્થતંત્રની, ડોલરિયા આકર્ષણની વાત ચાલી જ રહે છે તો તેની સાથે સંકળાયેલી ભારતીય રૂપિયાની પણ એક નાની આડ વાત કરી લઇએ. ભારતીય અખબારોમાં થોડા થોડા સમયે એવા પ્રકાશિત થઇ રહ્યા છે કે ભારત સાથેના વિદેશ વેપારમાં આજકાલ ભારતીય રૂપિયાનો વપરાશ વધી રહ્યો છે... રૂપિયો મજબૂત થઇ રહ્યો છે, કેટલાય દેશો ભારતીય ચલણમાં વેપાર કરવા આતુર છે... ભારતીય ચલણમાં વેપાર કરવા ઇચ્છતા દેશોની સંખ્યા વધી રહી છે... જો આમ જ ચાલ્યું તો આપણો રૂપિયો ડોલર કરતાં આગળ નીકળી જશે... વગેરે વગેરે.
આવા બધા અહેવાલો વાંચીને ભારતીય તરીકે ગૌરવ તો જરૂર થાય, પરંતુ બાપલ્યા... જરાય ભ્રમમાં નહીં રહેતા. ચીનની કરન્સી રેન્મ્બી ઘણા ધમપછાડા કરવાં છતાં ડોલરને પછાડી શકી નથી. આજે વૈશ્વિક અર્થતંત્રની વાત કરીએ તો, રેન્મ્બીમાં થતાં આર્થિક વ્યવહારોનું પ્રમાણ માત્ર 5.3 ટકા છે. જ્યારે ભારતીય ચલણમાં માત્ર અડધો ટકો આર્થિક વ્યવહાર થાય છે. રશિયા કે ભારત વચ્ચે આયાત-નિકાસ ભારતીય રૂપિયામાં થતી હોય તો તેમાં કંઇ ખરાબ નથી. આ બાબત આવકાર્ય જ છે, પરંતુ સમય જતાં રૂપિયો ડોલરથી આગળ નીકળી જશે એમ કહેવું અત્યારે તો અતિશ્યોક્તિથી ભર્યું જ છે.
ડોલરની આ વૈશ્વિક તાકાતના કારણે જ સાઉદી અરેબિયા, ચીન, આફ્રિકા કે ભારત કે અન્ય દેશના લોકો તગડી કમાણીની આશાએ અમેરિકા ભણી દોટ લગાવે છે. મિશિગન સ્ટેટની વાત કરીએ તો, અહીં વસતાં વિદેશી નાગરિકોમાં સૌથી વધુ સંખ્યા આરબ લોકોની છે. અમેરિકામાં 50થી 60 લાખ ભારતીય વંશજો વસવાટ કરે છે. કેનેડા આર્થિક મોરચે અત્યંત મજબૂત હોવા છતાં આ દેશમાં વસતાં મોટા ભાગના ઇમિગ્રન્ટ્સ - કોઇ પણ ભોગે - અમેરિકા પહોંચવાની ફિરાકમાં હોય છે. આ માટે તેઓ જાનનું જોખમ ખેડતાં પણ ખચકાતા નથી. આનું કારણ છે અમેરિકાનું તગડું અને મસમોટું અર્થતંત્ર. આ દેશમાં મહેનતુને રોટલો પણ મળી રહે છે, અને ઓટલો પણ મળી રહે છે. પછી તે વસાહતી અમેરિકામાં કાયદેસર પ્રવેશ્યો હોય કે ગેરકાયદે.
અમેરિકાની સરખામણીએ બ્રિટનની આરોગ્ય સેવા, સોશ્યલ સર્વીસીસ, બેકારી ભથ્થું વગેરે સારા છે. આમ છતાં કેટલાક લોકો અમેરિકા જવા આતુર હોય છે. શા માટે? અંતે તો કોઇ પણ દેશની તાકાતનો આધાર તેની તિજોરી પર હોય છે. તિજોરી તરબતર હોય તો દુનિયામાં તમારી વાતનું વજન પડવાનું જ. આમાં પણ જો ન્યાયતંત્ર સાંગોપાંગ હોય તો સમજો કે સોનામાં ગુલાબજળ ભળ્યું. અમેરિકામાં આ બધું જ છે. ચીનમાં આ નથી. કે પછી સાઉદી અરબમાં પણ આવું નથી. ચીનમાં વસતાં દુનિયાના દિગ્ગજ કોર્પોરેટ ગ્રૂપ અલીબાબાના સર્વેસર્વા જેક માને ચીની શાસકો સાથે મતભેદ થતાં થોડોક સમય અજ્ઞાતવાસમાં જતાં રહેવાની ફરજ પડી હતી તેનાથી કોણ અજાણ છે? તમે ભાગ્યે જ કોઇ વ્યક્તિને એવું કહેતાં સાંભળી હશે કે ચીનમાં સેટલ થવાનો વિચાર છે...
દરિયાપાર જઇ વસવા ઇચ્છતી વ્યક્તિનું પહેલું લક્ષ્ય હંમેશા અમેરિકા હોય છે. કારણ કે મહેનતનું પૂરું વળતર ઇચ્છતા, સમૃદ્ધિ ઇચ્છતા દરેકના દિલોદિમાગમાં એક જ ‘ગરબો’ ઘૂમતો હોય છે -
ડોલરિયો રંગ મને લાગ્યો અલ્યા ગરબા,
ડોલરિયો રંગ મને લાગ્યો રે લોલ...
(ક્રમશઃ)


comments powered by Disqus