નવી દિલ્હીઃ વર્ષ 2022માં ભારતે જીએસટીથી લઈને પ્રત્યક્ષ કરની બાબતમાં વિક્રમી આવક કરી છે. ભારત માટે વધુ આનંદના સમાચાર એ છે કે આ જ વર્ષમાં દુનિયાભરમાં વસેલા ભારતીયોએ વિદેશમાં કમાણી કરીને દેશમાં ડોલર મોકલવાની બાબતમાં વિક્રમ સર્જ્યો છે. માઇગ્રેશન અને ડેવલપમેન્ટ અંગે વર્લ્ડ બેન્કના એક રિપોર્ટ મુજબ વર્ષ 2022માં વિદેશમાં કમાણી કરીને ભારતીયોએ 100 અબજ ડોલરથી વધુ રકમ ભારત મોકલી છે. આ રકમ અંદાજે રૂ. 8 લાખ કરોડ જેટલી થાય છે.
વર્લ્ડ બેન્કે જણાવ્યું હતું કે, દુનિયામાં વર્ષ 2022માં ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં અંદાજે 630 અબજ ડોલરની રકમ મોકલવામાં આવી હતી, જે આ દેશોમાં એફડીઆઇના રોકાણ સમકક્ષ છે. આ રકમમાંથી પણ 100 અબજ ડોલરની રકમ માત્ર ભારતમાં મોકલવામાં આવી છે. તાજેતરનાં વર્ષોમાં ડિજિટલ પેમેન્ટ ચેનલોએ વૈશ્વિક નાણાં પ્રવાહ પર નજર રાખવામાં મદદ કરી છે.
દુનિયામાં પહેલી વખત કોઈ દેશને 100 અબજ ડોલરની રકમ રેમિટન્સ તરીકે મોકલાઈ છે. આ ઐતિહાસિક રેકોર્ડ ભારતના નામે નોંધાઈ ગયો છે. ગયાવર્ષની સરખામણીમાં આ વર્ષે વિદેશથી વતનમાં 11 અબજ ડોલરની રકમ વધુ આવી છે.

