રાણી દુર્ગાવતી... દિલ્હીના સૂરી, માળવાના બાજ બહાદુર અને બંગાળના અફઘાનોના દાંત ખાટા કરી દેનાર રણચંડી દુર્ગાવતી ! મોગલ સમ્રાટ અકબરના વિશાળ સૈન્ય સામે અંતિમ ક્ષણ સુધી વીરતાથી ઝઝૂમીને પ્રાણોનું બલિદાન દેનાર રાણી દુર્ગાવતી !
દુર્ગાવતી કાલિંજરના ચંદેલ રાજા કીરત રાયની કુંવરી હતી. ૫ ઓક્ટોબર ૧૫૨૪ના જન્મ થયો. દુર્ગાષ્ટમીના રોજ જન્મ થયો હોવાથી કુંવરીનું નામ દુર્ગાવતી રાખવામાં આવ્યું. રણભૂમિની કુશળ યોદ્ધા તથા નિષ્ણાત વ્યૂહરચનાકાર બની. ૧૫૪૨માં તેનાં લગ્ન ગોંડ રાજા દલપત શાહ સાથે થયાં. ૧૫૪૫માં દુર્ગાવતીએ પુત્ર વીરનારાયણને જન્મ આપ્યો. ૧૫૫૦માં દલપતશાહનું મૃત્યુ થયું. વીરનારાયણને રાજગાદી પર બેસાડીને દુર્ગાવતીએ રાજકાજના સૂત્રો સંભાળી લીધાં.
દુર્ગાવતીની રાજધાની સિંગોરગઢ હતી. અકબરના નવરત્નમાંના એક અબુલ ફઝલે અકબરનામામાં નોંધ્યું છે કે, ‘રાણી દુર્ગાવતીના શાસનકાળમાં પ્રજા એટલી સમૃદ્ધ હતી કે લોકો કરવેરા પેટે સોનામહોરો અને હાથીની ચૂકવણી કરતાં. અનાજ પણ એટલું પાકતું કે ગુજરાત અને દખ્ખણમાં નિકાસ કરવામાં આવતી.’ દરમિયાન મોગલસમ્રાટ અકબરે માળવા જીતી લીધું. હવે મોગલ સામ્રાજ્યની સીમા રાણીના રાજ્યની સરહદને સ્પર્શવા લાગેલી. અકબર પોતાના સામ્રાજ્યનું વધુ વિસ્તરણ કરવા માંગતો હતો. એણે આક્રમણ કરવાનો આદેશ આસફખાનને આપ્યો. આસફખાન વિશાળ સેના સાથે ચડાઈ કરવા આગળ વધ્યો. મોગલોની સેના આધુનિક અસ્ત્ર-શસ્ત્રથી સજ્જ હતી, રાણીનું સૈન્ય પુરાણા પરંપરાગત હથિયાર સાથે રણભૂમિમાં ઊતર્યું. રાણીને નરઈ યુદ્ધ માટે અત્યંત સુવિધાજનક સ્થળ હતું. કારણ કે આ સ્થળ એક બાજુ નર્મદા નદીની વિશાળ જળધારાથી અને બીજી બાજુ ગૌર નદીથી ઘેરાયેલું હતું અને નરઈની ચારે બાજુ ગાઢ જંગલોથી ઘેરાયેલી પહાડીઓ હતી. લડાઈમાં રાણીની સેનાના ફોજદાર અર્જુન સિંહ ઠાર મરાયા. રાણીએ સ્વયં પુરુષ વેશ ધારણ કર્યો. યુદ્ધનું નેતૃત્વ કરીને મોગલ સૈન્યને ઘાટીમાંથી તગેડી મૂક્યું. એ દિવસની લડાઈમાં રાણીનો વિજય થયો.
સેનાપતિ આસફ ખાને બીજે દિવસે મોટી તોપો સાથે ફરીથી આક્રમણ કર્યું. રાણી પોતાના પ્રિય સફેદ હાથી સરમન પર સવાર થઈને યુદ્ધભૂમિમાં ઊતરી. લડતી રહી. એવામાં એક તીર રાણીને કાન પાસે વાગ્યું. બીજું તીર ગરદનમાં ઘૂસી ગયું. રાણીના સેનાપતિઓએ તેમને સમરાંગણ છોડીને જવા કહ્યું. પણ આ તો દુર્ગાવતી હતી. સ્વયં દુર્ગાનો અવતાર. રાણીએ કેડેથી કટાર કાઢી. મહાવત આધારસિંહને કહ્યું, “મારા નામ અને પ્રતિષ્ઠાને આંચ ન આવે અને હું દુશ્મનના હાથમાં ન જઈ પડું એ માટે તું આ ખંજરથી મારો જીવ લઇ લે.” આધારસિંહ આંખમાં આંસુ સાથે બોલ્યો, “એના કરતાં તો હું તમને રણભૂમિથી દૂર લઇ જઉં.” આ સાંભળીને પોતાના માનસન્માન અને ગૌરવની રક્ષા માટે કટાર પોતાના હાથે પોતાના શરીરમાં ખોંપી દઈને શહીદ થઇ ગઈ.
એ દિવસ ૨૪ જૂન ૧૫૬૪ હતો. જ્યાં સુધી સૂરજ ચાંદ રહેશે ત્યાં સુધી રાણીનું નામ અને યશ રહેશે એમાં શંકાને કોઈ સ્થાન નથી!

