લોથલ, આપણાં વિનાશથી નિર્માણના ડી.એન.એ નું સ્થાન!

ઘટના દર્પણ

વિષ્ણુ પંડ્યા Tuesday 25th April 2023 15:29 EDT
 
 

અમદાવાદથી બોટાદ સાંકડી રેલ પટ્ટી પર એક નાનકડું સ્ટેશન આવે છે, ભૂરખી. ત્યાંથી બે કિલોમીટર પીઆર 5000 વર્ષ પહેલાની સંસ્કૃતિ-સભ્યતાનું નગર લોથલ આવ્યું છે. આંતર રાષ્ટ્રીય બંદરગાહ અને સૌથી મોટું વ્યાપાર વિનિમય નું તે સ્થાન હતું. પણલોથલવાસીના દુર્ભાગ્યે સમુદ્ર-નદીના વિનાશકારી પ્રવાહો વારંવાર આવ્યા, આવા સુંદર નગરને ડૂબાડી દીધું. એકવાર નહિ, બે વાર નહીં, અનેકવાર. પણ અહીના (એટ્લે કે આપણાં ગુજરાતનાં) સ્વભાવમાં જ વિનાશમાથી નિર્માણનો સંકલ્પ રહ્યો.ઇ.સ. પૂર્વે 2000માં વિનાશકારી પૂર આવ્યું, સંસ્કૃતિ કેન્દ્ર જળશાયી થયું. 1600 માં વર્ષ સુધી આવું ચાલ્યું. દરેક વખતે લોથલવાસીએ નગરનું ફરી નિર્માણ કર્યું. (આ વિશેષતા બીજે પણ દેખાય છે. સોમનાથ પર અનેક આક્રમણો છતાં પુનરોદ્ધાર થયો. અરે, થોડાંક વર્ષ પૂર્વે ભૂકંપમાં નષ્ટ-વિનષ્ટ થયેલું કચ્છ પણ કેવું નુતન નિર્માણ પામ્યું છે?
આજે તો તેના વિકાસનું કામ આગળ વધ્યું છે, થોડાક દિવસ પર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાથે આ મુદ્દે થોડી વાત થઈ હતી. તેમની દેખરેખમાં આ કાર્ય પુરાતત્વ અને પ્રવાસન કરી રહ્યું છે. ત્રીસ વર્ષ પૂર્વે અહી કોઈ ખાસ સગવડ નહોતી, રસ્તા પણ નહિ, પ્રાચીન સ્મારકની સુરક્ષા જણાવતું એક જર્જરિત પાટિયું અને એક ચોકીદાર. અતિથિગૃહ એકાકી. તે રાતે વીજળી ગૂમ થઈ એટ્લે પૂનમના અજવાળે ચોકીદારે બનાવેલા રોટલા અને શાકની લિજ્જત માણી, તે ફાનસના અજવાળે!
સમાજ જીવનના સુખ, દુખ, અંધારા-અજવાળા, ઉદય અને પતન હોય છે તેનો એહસાસ આવા સંસ્કૃતિ સ્થાનોથી દૂર સુધી પહોંચતો હશે. જય અને પરાજય વિનાની જિંદગી વળી કેવી? કવિ તેને વાચા આપે છે. આપણા એક કવિ હતા શિવમંગલ સિંહ સુમન. લોથલ કે બીજા એવા સ્થાનોએ જવાનું થાય ત્યારે આ કવિની મનુષ્યના ગૌરવને વ્યક્ત કરતી એક કવિતા યાદ આવે જ છે. યાચના કે ભીખથી મેળવેલી કોઈપણ વસ્તુ, પદ કે પ્રતિષ્ઠામાં કોઈ સત્વ હોતા નથી. સ્વાભિમાન અને ગૌરવ જ મહત્વના છે એવું વ્યક્ત કરતી એક કવિતા-પંક્તિ છે:

ક્યા હાર મેં, ક્યા જીત મેં,
કિંચિત નહીં ભયભીત મૈ.
સંઘર્ષ પથ પર જો મિલે.
યહ ભી સહી, વહ ભી સહી,
વરદાન માંગુંગા નહીં!

કેવી ખુમારી છે આ નાનકડી રચનામાં? તીલ-તીલ મિટૂંગા પર દયા કી ભીખ મૈ લૂંગા નહીં....વરદાન માંગુંગા નહિ! તેની શરૂઆત જ આવી થાય છે. અટલબિહારી વાજપેયીની સરકાર જ્યારે વિશ્વાસ પ્રસ્તાવમાં પરાજિત થવાની હતી ત્યારનું તેમનું સંસદમાં વ્યાખ્યાન ભારતીય સંસદ ઈતિહાસનું શ્રેષ્ઠ પદ પામ્યું છે, તે પછી નિવાસસ્થાને થોડાકની સાક્ષીમાં તેમણે શિવમંગલ સિંહ સુમનની આ પંક્તિ કહી હતી... કર્તવ્યપથ પર જો મિલા, યહ ભી સહી, વહ ભી સહી....
લોથલમાં સાંજના સમયે આ બધુ એટલા માટે યાદ આવ્યું કે પાંચ હજાર વર્ષ પહેલા અને 2023ના આ દિવસોમાં મનુષ્ય-પ્રકૃતિ તો એવી જ છે. કોઈ અંધારને અજવાળે છે, કોઈ અજવાળું સહન કરી શકતું નથી. ગૃહયુદ્ધો, વિગ્રહો, સરહદ પરની લડાઈ, ભૂખમરો, અતિવૃષ્ટિ, રોગચાળો, હત્યાઓ અને પ્રતિ-હત્યાઓ, નાયકો અને ખલનાયકો, અસ્તિત્વ માટે ઝૂઝતા સમાજો, જીવલેણ સ્પર્ધાઓ, જય-પરાજય .....આ બધાની વચ્ચે લોથલનો સાદ સાંભળવા જેવો છે, “વિનાશમાથી નિર્માણ”!


    comments powered by Disqus