યુકેમાં વસવાટ કરતા હિન્દુ આવક અને શિક્ષણના મામલાઓમાં અન્ય વંશીય લઘુમતી સમુદાયો ઉપરાંત સ્થાનિક શ્વેત બ્રિટિશરો કરતાં પણ ઘણા આગળ છે. પરંતુ રાજકીય મામલામાં ભારતીયો અને હિન્દુ સમુદાય હજુ ઘણો પાછળ છે. આજે યુકેના વડાપ્રધાન અને હોમ સેક્રેટરી ભલે ભારતીય મૂળના હોય પરંતુ સ્થાનિક સત્તામંડળોમાં ભારતીયો અને વિશેષ હિન્દુ સમુદાયની ભાગીદારી ઘણી ઓછી જોવા મળે છે. 4 મેના રોજ સ્થાનિક કાઉન્સિલોની ચૂંટણી યોજાઇ રહી છે ત્યારે ભારતીયો અને તેમાં પણ વિશેષ હિન્દુઓની ઉમેદવારીનું પ્રમાણ નહીંવત જોવા મળી રહ્યું છે. કોઇપણ સમાજની વગ તેના રાજકીય કદ પર રહેલી છે. તેનું સૌથી ઉમદા ઉદાહરણ યહૂદીઓ છે. ઇ.સ. 70માં રોમન બાદશાહ તિતસે યરૂશાલેમનો નાશ કર્યા પછી સમગ્ર વિશ્વમાં વિખેરાઇ ગયેલા યહૂદીઓએ જે તે દેશમાં સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને રાજકિય વગ વધારીને પોતાને એટલા શક્તિશાળી બનાવી દીધાં છે કે આજે વિશ્વના દરેક રાજકિય અને કૂટનીતિક મામલાઓમાં યહૂદીઓની તૂતી બોલે છે. સાવ ખોબ જેવડો હોવા છતાં ઇઝરાયેલ વિશ્વના શક્તિશાળી દેશોમાં યહૂદીઓની વગના કારણે કોઇની પણ સામે ઝૂક્યા વિના મક્કમતાથી પોતાનું અસ્તિત્વ ટકાવી શક્યો છે. યુકેમાં સૌપ્રથમ ભારતીય મૂળના અને હિન્દુ વડાપ્રધાન ચૂંટાયા એ ભારતીયો અને વિશેષ હિન્દુઓ માટે ગૌરવની બાબત છે પરંતુ યુકેના રાજકારણમાં ભારતીયોની સંખ્યા હજુ ઘણી ઓછી છે. આ માટે ભારતીય મૂળના બ્રિટિશરોએ સ્થાનિક રાજકારણમાં રસ લેવાની તાતી જરૂર છે. બ્રિટનમાં ઘણા ટોચના નેતાઓએ સ્થાનિક રાજકારણથી જ રાજનીતિમાં પા પા પગલી માંડી અને વડાપ્રધાન સુધીના હોદ્દાઓ પર પહોંચ્યા હતા. આજે લેસ્ટર સહિતની ઘણી કાઉન્સિલોમાં ભારતીયો મોટી સંખ્યામાં વસવાટ કરે છે. તેમ છતાં તે કાઉન્સિલોમાં ભારતીય કાઉન્સિલરો બહુમતીમાં જોવા મળતાં નથી. આ માટે સમાજની યુવાપેઢીએ આગળ આવવાની જરૂર છે. રાજકારણમાં ઝંપલાવી સમાજને શક્તિશાળી બનાવી શકાય છે. જે સમાજ રાજકારણમાં અસ્તિત્વ ધરાવતો નથી તેનો અવાજ કોઇ સાંભળતું નથી એ નરી વાસ્તવિકતા છે. સમાજના પ્રભુત્વ માટે આર્થિક અને રાજકીય મજબૂતાઇ અત્યંત આવશ્યક છે.
