હેલ્થ બુલેટિન

Friday 28th April 2023 08:56 EDT
 
 

• 40થી વધુ વયના વયસ્કોમાં લગભગ અડધાને હૃદયરોગ
વિશ્વમાં 2019માં આશરે 17.9 મિલિયન લોકો કાર્ડિયો-વાસ્કુલર રોગથી મૃત્યુ પામ્યા હતા. જેમાંથી, 85 ટકા મૃત્યુનું કારણ સ્ટ્રોક અને હાર્ટ એટેક હતું. હૃદયરોગ થવા માટે ધૂમ્રપાન, હાઈપર ટેન્શન, હાઈ કોલેસ્ટરોલ તેમજ સ્થૂળતા જાણીતા પરિબળો છે. ઉપરાંત, રોગનો પારિવારિક ઈતિહાસ પણ જોખમી પરિબળ છે. ડેન્માર્કમાં યુનિવર્સિટી ઓફ કોપનહેગનના સંશોધકોના અભ્યાસ મુજબ કાર્ડિયોવાસ્કુલર રોગની જાણકારી ન હોય તેવા લોકોમાં પણ જાણમાં નહિ આવેલા કે નિદાન નહિ કરાયેલા ઓબ્સ્ટ્રક્ટિવ કોરોનરી એથિરોસ્ક્લોરોસિસ (કઠણ ધમનીઓમાં અવરોધ)ના પરિણામે તેમને હાર્ટ એટેકનું જોખમ આઠ ગણું વધી જાય છે. તેમના તારણો પ્રમાણે 40થી વધુ વયના વયસ્કોમાં લગભગ અડધાને હૃદયરોગની છુપી હાલત હોય છે જેનું નિદાન થયું હોતું નથી. અમેરિકન કોલેજ ઓફ ફિઝિશિયન્સના ‘જર્નલ એનાલ્સ ઓફ ઈન્ટર્નલ મેડિસિન’માં પ્રકાશિત અભ્યાસ મુજબ યુએસમાં દર 40 સેકન્ડે એકને હાર્ટ એટેક આવે છે. યુકેમાં દર વર્ષે હાર્ટ એટેકથી એક લાખ લોકો અર્થાત્ દર પાંચ સેકન્ડે એક વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ થાય છે.

•હોર્મોનલ બર્થ કન્ટ્રોલ સ્તન કેન્સરનું જોખમ વધારે
તમામ પ્રકારના હોર્મોનલ બર્થ કન્ટ્રોલ સ્તન કેન્સરના જોખમને નોંતરતા હોવાનું PLOS Medicineમાં પ્રસિદ્ધ અભ્યાસના તારણો જણાવે છે. મહિલાઓ ગર્ભનિરોધ માટે પ્રોજેસ્ટિન હોર્મોન્સ ધરાવતી પિલ્સનો ઉપયોગ કરે છે. બ્રેસ્ટ કેન્સર સાથે તેના સંબંધ વિશેનું જ્ઞાન અત્યાર સુધી મર્યાદિત હતું. જોકે, નવા અભ્યાસમાં સંશોધકો જણાવે છે કે માત્ર પ્રોજેસ્ટિન હોર્મોન્સ હોય તેવા ગર્ભનિરોધકોથી પણ સ્તન કેન્સરનું જોખમ વધે છે. ગર્ભનિરોધક પિલ્સ બે પ્રકારની આવે છે, એકમાં માત્ર પ્રોજેસ્ટિન હોર્મોન્સ હોય છે અને બીજી પિલ્સમાં પ્રોજેસ્ટિન સાથે એસ્ટ્રોજન હોર્મોન્સનું મિશ્રણ હોય છે. સ્ત્રીના શરીરમાં પ્રોજેસ્ટેરોન હોર્મોનનો કુદરતી સ્રાવ થતો હોય છે જ્યારે, પ્રોજેસ્ટિન અને પ્રોજેસ્ટરોજેન સિન્થેટિક હોર્મોન્સ છે. છેક 1996થી હાથ ધરાયેલા મેટા-એનાલિસિસમાં જણાયું હતું કે સંમિશ્રિત કોન્ટ્રાસેપ્ટિવ્ઝ લેનારા લોકોમાં 10 વર્ષમાં ઉપયોગથી બ્રેસ્ટ કેન્સરનું જોખમ થોડું વધી જાય છે. તાજેતરના વર્ષોમાં માત્ર પ્રોજેસ્ટિન ઘટક હોય તેવી ગર્ભનિરોધ પદ્ધતિઓ – પિલ્સ, ઈન્જેક્ટિબલ્સ, ઈમ્પ્લાન્ટ્સ અને ઈન્ટ્રાયુટ્રાઈન ડિવાઈસીસ (IUDs) વધુ લોકપ્રિય બની રહ્યા છે. ઈંગ્લેન્ડમાં 2010માં ડ્રગ પ્રિસ્ક્રીપ્શન્સની સંખ્યા 1.9 મિલિયન હતી જે 2020માં વધીને 3.3 મિલિયન થવા પામી છે.


comments powered by Disqus