લોકશાહીના ચાર સ્થંભ પૈકીનો એક સ્થંભ મીડિયા ધરાશાયી થઇ રહ્યો છે. એ જમાનો વીતી ગયો છે જ્યારે અખબારોના તંત્રીઓ સમાજ અને જનતા માટે સત્તા અને ધનકુબેરોની સામે અડીખમ ઊભા રહેતા હતા. 25 જૂન 1975ના રોજ ભારતના તત્કાલિન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટીની ઘોષણા કરી ત્યારે મોટાભાગના અખબારોના વીજજોડાણો કાપી નાખવામાં આવ્યાં હતાં. અખબારોની કચેરીઓ પર દરોડા પાડી અખબારોને બજારમાં જતાં અટકાવી દેવાયાં હતાં. બે જ દિવસના ગાળામાં 200 કરતાં વધુ પત્રકારોની ધરપકડ કરી લેવાઇ હતી. આવા સંજોગોમાં 28મી જૂને ઇન્ડિયન એક્સપ્રેસ પ્રસિદ્ધ કરાયું ત્યારે અખબારે તંત્રીલેખની જગ્યા ખાલી રાખીને કટોકટી સામે પ્રચંડ વિરોધ નોંધાવ્યો હતો. આજે આ પ્રકારે સત્તાધીશો સામે બેબાક અવાજ ઉઠાવનારા અખબારો, ટેલિવિઝન ન્યૂઝ ચેનલો શોધ્યે જડતાં નથી. દરેક પ્રકારના મીડિયા ગૃહ પર ધનકુબેરોનું પ્રભુત્વ સ્થપાઇ ચૂક્યું છે જેમને વાણી સ્વાતંત્ર્ય કરતાં પોતાની તિજોરી અને અન્ય વ્યવસાયો વધુ વહાલાં છે. સત્તા સાથે સાંઠગાંઠ કરી સત્તા અનુકૂળ અહેવાલો પ્રસારિત કરવામાં આ મીડિયા ગૃહો કોઇ કસર બાકી રાખી રહ્યાં નથી. સત્તા દ્વારા પણ મીડિયા ગૃહોને અંકુશમાં રાખવા થોકબંધ જાહેરાતો આપવામાં આવે છે જેથી તેઓ સત્તા માટે પ્રતિકૂળ વાતાવરણ ન સર્જે. તાજેતરમાં જ પ્રાપ્ત થયેલા અહેવાલો અનુસાર ભારત સરકારે 2018-19થી અત્યાર સુધીમાં મીડિયા ગૃહોને અધધધ કહી શકાય તેવી રૂપિયા 3064 કરોડની જાહેરાતો આપવામાં આવી છે. જેમાંથી 1338 કરોડ પ્રિન્ટ મીડિયાને અને 1273 કરોડ રૂપિયાની જાહેરાત ઇલેક્ટ્રોનિક મીડિયાને અપાઇ હતી. મીડિયા ગૃહોની આવકમાં સરકારી જાહેરાતોનો હિસ્સો ઘણો મોટો બની જવાના કારણે હવે તેમનામાં સત્તાની સામે અવાજ ઉઠાવવાનું સાહસ રહ્યું નથી. અગાઉના જમાનામાં મીડિયા ગૃહોના માલિકો પત્રકારત્વ પ્રત્યે સમર્પિત રહેતાં જ્યારે હવે કોર્પોરેટ માંધાતાઓ જ મીડિયાના માલિક બની બેઠાં છે. આ કોર્પોરેટ માંધાતાઓ પોતાના અન્ય વ્યવસાયોની સુખાકારી માટે સત્તાનો સાથ નિભાવીને જનતાનો અને લોકશાહીનો છેહ કરી રહ્યાં છે. આવું ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોમાં જોવા મળી રહ્યું છે. કોર્પોરેટ જગતના મીડિયા પર કબજા અને સત્તા સાથેના મેળમિલાપે લોકશાહીના ચોથા સ્થંભને હચમચાવી દીધો છે.
