એમ કહેવાય છે કે આગામી વિશ્વયુદ્ધ પાણી માટે લડાશે પરંતુ એમ લાગી રહ્યું છે કે આગામી વિશ્વયુદ્ધ અનાજ માટે લડાશે. આમ પણ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી યુરોપ, આફ્રિકાના ઘણા દેશ ખાદ્યકટોકટીનો સામનો કરી રહ્યાં છે. ખાદ્યપદાર્થોની કિંમતો રેકોર્ડ સ્તર પર પહોંચી છે. આવા સમયમાં રશિયાએ બ્લેક સી ગ્રેઇન એગ્રીમેન્ટમાંથી પીછેહઠ કરી લેતાં વિશ્વ ગંભીર માનવીય કટોકટીના આરે આવીને ઊભું છું. યુક્રેનમાંથી અનાજની નિકાસ અટકી જતાં સમગ્ર વિશ્વમાં ખાદ્યપદાર્થોની કિંમતોમાં આગઝરતી તેજી આવશે, ભૂખમરામાં વધારો થશે અને કરોડો લોકો કુપોષણનો શિકાર બનશે. બ્લેકસી એગ્રીમેન્ટ વિકાસશીલ દેશોના કરોડો લોકો માટે જીવાદોરી સમાન હતો. તેના દ્વારા ગ્લોબલ ફૂડ પ્રાઇસ નિયંત્રણમાં રહેતી હતી. ખાદ્યપદાર્થોની કિંમતમાં 23 ટકા જેટલો ઘટાડો થતાં કરોડો લોકોના પેટની ભૂખ સંતોષાતી હતી. હવે રશિયાએ આ કરારમાંથી પીછેહઠ કરતાં કરોડો લોકો ગરીબી અને ભૂખમરામાં ધકેલાઇ જશે. રશિયાનો આ એક નિર્ણય વિશ્વમાં ખાદ્યકટોકટી સર્જશે તો તેમાં ભારત સરકારનો એક નિર્ણય ચિતામાં ઘી હોમવાનું કામ કરશે. તાજેતરમાં જ ભારતની સરકારે પણ નોન બાસમતી ચોખાની નિકાસ પર સંપુર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. ભારત વિશ્વમાં ચોખાનો સૌથી મોટો નિકાસકાર દેશ છે. સરકારે ઘરઆંગણાની જરૂરીયાતનું કારણ આપીને આ પ્રતિબંધ લાદ્યો છે પરંતુ તેના કારણે ભોજનમાં મુખ્યત્વે ચોખાનો ઉપયોગ કરતાં દેશોમાં ચોખાની તીવ્ર તંગી સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં તો લોકોએ ચોખાની ખરીદી માટે પડાપડી કરી હોવાના અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યાં છે. અમેરિકા જેવા વિકસિત દેશોમાં પણ જો લોકો ચોખાનો સંગ્રહ કરી રહ્યાં હોય તો વિશ્વના ગરીબ દેશોના લોકોની સ્થિતિ કેવા પ્રકારની થશે તે તો કલ્પના જ કરવી રહી. રશિયાના નિર્ણયને કારણે યુક્રેનના ઘઉં જરૂરીયાતમંદ દેશો સુધી પહોંચશે નહીં અને ભારતના નિર્ણયને કારણે વિશ્વમાં ચોખાની તંગી સર્જાશે. આ બે નિર્ણય વિશ્વમાં ગંભીર ખાદ્યાન્ન કટોકટી સર્જશે. એક ગંભીર માનવીય કટોકટી વિશ્વમાં આકાર લઇ રહી છે. જે કદાચને વધુ યુદ્ધો પણ ભડકાવી શકે છે.
