બ્રિટનમાં તાજેતરમાં વર્ષ 2024ની સંસદની સામાન્ય ચૂંટણીના લિટમસ ટેસ્ટ સમાન 3 સંસદીય બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ ગઇ. હાલમાં પ્રવર્તમાન સરકાર વિરોધી લાગણીઓનું પ્રતિબિંબ આ ચૂંટણીના પરિણામોમાં જોવા મળ્યું પરંતુ ધારણાથી વિપરિત કન્ઝર્વેટિવ પાર્ટીનો વ્હાઇટ વોશ થતાં બચી ગયો. ટોરી વિરોધી કથિત લહેરનો લાભ ઉઠાવવાના લેબર પાર્ટીના ત્રણે બેઠક પર વિજય પ્રાપ્ત કરવાના ઓરતા અધૂરાં રહ્યાં. એક વર્ષ કરતાં ઓછા સમયથી 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં સત્તારૂઢ થયેલા રિશી સુનાક માટે 2024ની ચૂંટણી કપરાં ચઢાણ પૂરવાર થશે એ વાતમાં કોઇ શંકા નથી પરંતુ તેમણે આગામી સમયમાં પોતાને બ્રિટિશ મતદારો સમક્ષ વધુ પૂરવાર કરવા પડશે. સફળ રાજકીય નેતા પાસે મતદારો માટે નક્કર આયોજનો હોય છે. દેશ સમક્ષ રહેલા પડકારોનો તે કેવી રીતે સામનો કરશે તેની યોજના હોય છે. રિશી સુનાકે પણ પોતાને વિજેતા પૂરવાર કરવા માટે બ્રિટિશ મતદારોમાં વિશ્વાસ જગાવવો પડશે. આ માટે હવે તેમની પાસે નિર્ણાયક તક છે. આજે બ્રિટન કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ, ફુગાવાના ઊંચા દર, રેકોર્ડ સપાટી પર પહોંચેલા મોર્ગેજ અને એનર્જી બિલ, એનએચએસની કથળેલી સ્થિતિ, રેલવેથી માંડીને ડોક્ટર, નર્સ, શિક્ષકોની હડતાળોથી ગ્રસિત છે. આવકવેરાના ઊંચા દર, લંડન જેવા શહેરોમાં ઉલેઝના વિસ્તરણના કારણે પડી રહેલા બોજાથી પરેશાન મતદારોને સમસ્યાઓના નિવારણ માટે નક્કર યોજનાઓ અને પગલાંની જરૂર છે. એવું નથી કે રિશી સુનાક અને તેમની સરકાર હાથ જોડીને બેસી રહી છે. વડાપ્રધાને આ સમસ્યાઓના નિવારણ માટે પાંચ મુદ્દાનો કાર્યક્રમ રજૂ કર્યો હતો અને તેના થોડાં સારા પરિણામ દેખાઇ પણ રહ્યાં છે પરંતુ આ સારા પરિણામ મતદારોમાં વિશ્વાસ જગાવવા પૂરતાં સાબિત થઇ રહ્યાં નથી. કોઇપણ સત્તાધીશ પાસે જાદુઇ છડી હોતી નથી કે તે રાતોરાત સમસ્યાઓનો નિકાલ લાવી દે. સમસ્યાઓ માટે ઘણા પરિબળો જવાબદાર હોય છે. કેટલીક સમસ્યાઓ વારસામાં મળે છે તો અમુક સમસ્યાઓ કુદરત પર આધારિત હોય છે. કેટલીક સમસ્યાઓ આંતરરાષ્ટ્રીય પ્રવાહોના કારણે આવતી રહે છે. તેના ઉકેલ માટે સત્તાધીશ પાસેથી જનતા વિચક્ષણ રાજકીય કુનેહ ઇચ્છતી હોય છે. આગામી સંસદની ચૂંટણી પહેલાં રિશી સુનાકે આ રાજકીય કુનેહની સાથે મતદારોનો વિશ્વાસ જીતવા નક્કર પગલાં અને તેના પરિણામો રજૂ કરવા પડશે. 2024ની સંસદની ચૂંટણી પહેલાનો આ સમયગાળો તેમના માટે અગ્નિપરીક્ષા પૂરવાર થશે.
