છેલ્લા ઘણા વર્ષોથી ઉગ્રવાદની ચુંગાલમાંથી મુક્ત થયેલા ઉત્તરપૂર્વ ભારતમાં આવેલા સેવન સિસ્ટર્સ રાજ્યો પૈકીના એકમાં ફરી એકવાર અશાંતિએ પગપેસારો કર્યો છે. મૈતી સમુદાયને આદિવાસીનો દરજ્જો આપવાના મામલે છેલ્લા 3 સપ્તાહથી મણિપુર હિંસાની હૂતાસનમાં હોમાઇ રહ્યું છે. મૈતી સમુદાયને આદિવાસીનો દરજ્જો આપવાનો કુકી સહિતના આદિવાસી સમુદાયો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અધૂરામાં પુરું આ વિવાદને કોમી જામો પહેરાવી દેવામાં આવ્યો છે. મૈતી સમુદાયમાં મુખ્યત્વે હિન્દુઓ છે જ્યારે કુકી સહિતના આદિવાસીઓ ખ્રિસ્તી ધર્મ પાળી રહ્યાં છે. એક દરજ્જાના મામલાએ આ સમુદાયો વચ્ચેના વર્ષોના સેતૂબંધને ધરાશાયી કરી દીધો છે. હજારોની સંખ્યામાં સેનાના જવાનો, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પ્રતિબંધાત્મક આદેશો, ઇન્ટરનેટ પર બંધી સહિતના પગલાં છતાં મણિપુરમાં હિંસા અટકવાનું નામ લઇ રહી નથી. 2008માં કેન્દ્ર સરકાર અને સ્થાનિક કુકી અને નાગા ઉગ્રવાદી સંગઠનો સાથે શાંતિ કરાર થયો હતો. હવે આ કરારનો પણ છેદ ઊડી રહ્યો છે. કુકી અને નાગા ઉગ્રવાદીઓ ફરી એકવાર શસ્ત્રો ઉઠાવી રહ્યાં છે જેના કારણે છેલ્લા દોઢ દાયકાથી રાજ્યમાં પ્રવર્તી રહેલી શાંતિ હણાઇ રહી છે. કુકી ઉગ્રવાદીઓ અને સેના વચ્ચેની અથડામણોમાં 40 જેટલા કુકી ઉગ્રવાદી માર્યા ગયાનો દાવો રાજ્ય સરકાર દ્વારા કરાયો છે. સૌથી મહત્વની વાત તો એ છે શાંતિ માટે જરૂરી એવો સમુદાયો વચ્ચેનો પરસ્પરનો વિશ્વાસ ગુમ થઇ ચૂક્યો છે. હથિયારબંધ ટોળાંઓ એકબીજાના લોહીના તરસ્યાં બનીને શેરીઓ ઘમરોળી રહ્યાં છે. આવી સ્થિતિમાં રાજકીય શાંતિ પ્રક્રિયા જ હિંસા અટકાવવામાં મદદરૂપ બની શકે. સૌથી પહેલાં તો સરકારે સમુદાયોને હિંસામુક્ત વાતાવરણ આપીને શાંતિની સ્થાપનાની પહેલ કરવી પડશે. કોઇપણ પ્રકારનો રાજકીય લાભ અને કોમી ધ્રુવીકરણ મણિપુરને ફરી એકવાર હિંસાની ગર્તામાં ધકેલી દેશે એવો ભય અસ્થાને નથી. હથિયાર હેઠે મૂકી ચૂકેલા કુકી અને નાગા ઉગ્રવાદીઓ બેફામ બને તે પહેલાં કેન્દ્ર અને રાજ્ય સરકારે આ સમસ્યાનો ઉકેલ શોધીને ઉત્તરપૂર્વ ભારતને ફરી એકવાર હિંસાની હૂતાશનમાં ધકેલાતાં અટકાવવું પડશે.
