નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે રાજધાની દિલ્હીમાં નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ માત્ર એક ભવન નથી, પરંતુ 140 કરોડ ભારતીયોની આકાંક્ષા અને સપનાંનું પ્રતિબિંબ છે. તે વિશ્વને ભારતના દૃઢ સંકલ્પનો સંદેશ આપે છે, જે ભારતને વિકસિત બનાવશે અને તે સાથે જ અન્ય દેશોને પણ પ્રગતિની પ્રેરણા આપશે.
પ્રધાનમંત્રી મોદી પરંપરાગત વેશમાં સવારે 7:30 વાગ્યે સંસદ ભવન પહોંચ્યા હતા અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને નમન કર્યા બાદ ભગવાન ગણેશજીનો હવન કર્યો હતો. તેમણે સંસદમાં સ્વાતંત્ર્યવીર સાવરકરને પણ પુષ્પાંજલિ આપી હતી. યોગાનુયોગ રવિવારે સાવરકર જયંતી હતી. તેમણે સેંગોલને સાષ્ટાંગ પ્રણામ કર્યા હતા, જે બાદ તામિલનાડુથી આવેલા 20 અધિનમ સંતોએ પ્રધાનમંત્રીને સેંગોલ સોંપ્યો હતો. જે સેંગોલ સંસદમાં સ્પીકરની ખુરશીની જમણી તરફ સ્થાપિત કર્યો હતો.
આ શુભ અવસરે પ્રધાનમંત્રીએ સંસદ ભવનનું નિર્માણ કરનારા શ્રમિકોને પણ સન્માનિત કર્યા હતા. સેંગોલની સ્થાપના બાદ પ્રધાનમંત્રી ટ્વીટ કરીને કહ્યું કે, ‘આજનો દિવસ તમામ દેશવાસીઓ માટે અવિસ્મરણીય છે. નવું સંસદ ભવન આપણા સૌ માટે ગર્વ અને આશાથી ભરપૂર બનશે.’
કાર્યક્રમના બીજા સેશનમાં તમામ સાંસદ-અતિથિઓએ સેંગોલ પર બનેલી ફિલ્મ નિહાળી હતી. આ નિમિત્તે પ્રધાનમંત્રીએ કહ્યું કે, ‘નવું સંસદ ભવન બનાવવામાં શ્રમિકોએ પરસેવો પાડ્યો છે. તમામ સાંસદોએ આપણા કાર્ય પ્રત્યે સમર્પણ દ્વારા આ ભવનને દિવ્ય બનાવવાનું છે. 140 કરોડ ભારતીયોનો સંકલ્પ નવી સંસદની પ્રાણપ્રતિષ્ઠા છે.’
મને સંતોષ કે સંસદભવનનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રીના હસ્તેઃ રાષ્ટ્રપતિ
નવી દિલ્હી: નવા સંસદ ભવન પહેલાં વિપક્ષોએ આક્ષેપ કર્યો હતો કે નવા સંસદ ભવનનું વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવનારું ઉદઘાટન યોગ્ય નથી. વડાપ્રધાનને બદલે નવા સંસદ ભવનનું ઉદઘાટન રાષ્ટ્રપતિએ કરવું જોઈએ.
આ મુદ્દાએ આશરે 20 જેટલા વિપક્ષોએ ઉદઘાટન કાર્યક્રમનો વિરોધ કરી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ન હતા, પરંતુ વિપક્ષોનો આ દાવ અવળો પડ્યો છે. રાજ્યસભામાં ઉપસભાપતિ હરિવંશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનો શુભેચ્છા સંદેશ વાંચી સંભળાવ્યો હતો. તેમાં તેઓએ લખ્યું હતું કે મને એ વાતનો સંતોષ છે કે નવા સંસદ ભવનનું ઉદઘાટન વડાપ્રધાન મોદી કરી રહ્યા છે. સંસદનું નવું ભવન નીતિઓ દ્વારા હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો સહિત દરેક દેશવાસીઓનું સમાધાન સુનિશ્ચિત કરશે. આ લોકતંત્રનું પારણું છે.
સેંગોલ તમામને પ્રેરણા આપતો રહેશેઃ પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેંગોલ સ્થાપિત કર્યો. તે અંગે તેમણે કહ્યું હતું કે, સંસદમાં પવિત્ર સેંગોલ (રાજદંડ) સ્થાપિત કરાયો, જે મહાન ચૌલ વંશમાં કર્તવ્યપથ, સેવાપથ, રાષ્ટ્રપથનું પ્રતીક હતો. રાજાજી અને અધીનમના સંતોના માર્ગદર્શન હેઠળ સત્તાનાં હસ્તાંતરણનું પ્રતીક બન્યો હતો. આ સેંગોલને ફરી તેની ગરિમા આપવાનું કાર્ય શક્ય બન્યું તે આપણું સૌભાગ્ય છે. તેની માન-મર્યાદા ફરી પરત કરી શક્યા છીએ. જ્યારે પણ અહીં કામગીરી શરૂ થશે ત્યારે સેંગોલ (રાજદંડ) તમામને પ્રેરણા આપતો રહેશે.
પ્રધાનમંત્રી મોદીએ રૂ. 75નો સિક્કો જાહેર કર્યો
સમગ્ર દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે આ અમૃતકાળમાં નવી સંસદના ઉદ્ઘાટનના અવસર પર પ્રધાનમંત્રી મોદી દ્વારા રૂ. 75નો ચલણી સિક્કો જાહેર કરવામાં આવ્યો છે. આ નવા ચલણી સિક્કા પર સંસદ ભવનની તસવીર મૂકવામાં આવી છે. કેન્દ્ર સરકાર તરફથી દેશની આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર અમૃતકાળની ઉજવણી કરવામાં આવી રહી છે.
PMના વક્તવ્યની મહત્ત્વની બાબતો
• નવું સંસદ ભવન યોજનાને વાસ્તવિકતા સાથે, નીતિને નિર્માણ સાથે, સંકલ્પને સિદ્ધિ સાથે જોડતી મહત્ત્વની કડી બનશે.
• નવું સંસદ ભવન સ્વતંત્રતાસેનાનીઓના સપનાને સાકાર કરવાનો આધાર બનશે.
• નવું સંસદ ભવન આત્મનિર્ભર ભારતના નવા સૂર્યનું સાક્ષી બનશે. તે નૂતન અને પુરાતનના સહઅસ્તિત્વનો પણ આદર્શ છે.
• ભારત આગળ વધે છે ત્યારે સમગ્ર વિશ્વ આગળ વધે છે. સંસદનું આ નવું ભવન ભારતના વિકાસની સાથે વિશ્વના વિકાસનું આહવાન કરશે.
• ભારત લોકશાહી દેશ જ નહીં, પરંતુ લોકશાહીની જનેતા છે. વૈશ્વિક લોકતંત્રનો મોટો આધાર છે. લોકતંત્ર આપણા માટે માત્ર વ્યવસ્થા જ નહીં, પરંતુ સંસ્કાર, વિચાર અને પરંપરા છે.
• ચૌલ વંશના ભવ્ય મંદિરોથી લઈને જળાશયો અને ડેમ સુધી ભારતનું કૌશલ્ય વિશ્વભરમાંથી આવતા પ્રવાસીઓને અચંબામાં મૂકી દેતું હતું. પરંતુ અનેક વર્ષોની ગુલામીએ આપણું આ ગૌરવ છીનવી લીધું હતું. એવો સમય પણ આવ્યો જેમાં આપણે બીજા દેશોના નિર્માણને જોઈને મુગ્ધ થવા લાગ્યા. 21મી સદીનું ભારત મજબૂત વિશ્વાસથી ભરેલું ભારત છે.
• આજે ભારત પ્રાચીન કલાની એ ગૌરવશાળી ધારાને વળાંક આપી રહ્યું છે. સંસદની નવી ઈમારત આ પ્રયાસનું જીવંત પ્રતીક બની છે.
આ ભવનમાં વારસો પણ છે અને વાસ્તુ પણ છે. કલા પણ છે અને કૌશલ્ય પણ છે. સંસ્કૃતિ પણ છે અને બંધારણના સૂર પણ છે.

