તાજેતરમાં જ અમેરિકી કોંગ્રેસની એક મહત્વની કમિટીએ ભારતનો નાટો પ્લસ સંગઠનમાં સમાવેશ કરવાની ભલામણ કરી છે. ભારત એક ઇકોનોમિક પાવર હાઉસ તરીકે વૈશ્વિક ફલક પર ઉભરી રહ્યો છે ત્યારે તેને પોતાના પાલામાં બેસાડવા દુનિયાનો દરેક દેશ અને સંગઠન પ્રયાસ કરી રહ્યાં છે. આવી સ્થિતિમાં ભારત કેવું વલણ અપનાવશે તેના પર આખી દુનિયાની નજર છે. બીજા વિશ્વયુદ્ધ બાદ રશિયાને નિયંત્રણમાં રાખવા નાટો સંગઠનની રચના કરાઇ હતી. નાટો એક લશ્કરી સંગઠન છે જેના સભ્ય દેશ પર થતો કોઇપણ પ્રકારનો લશ્કરી હુમલો નાટો દેશો પરનો હુમલો ગણાય છે. નાટો સંગઠનમાં એકપણ દેશનો ઉમેરો રશિયા માટે ખતરનાક બની શકે છે. રશિયા અને યુક્રેન વચ્ચે હાલમાં ચાલી રહેલ યુદ્ધ માટે પણ યુક્રેનના નાટોમાં સમાવેશનો પ્રસ્તાવ જ જવાબદાર છે. નાટો પ્લસમાં યુરોપમાં ન હોય તેવા અમેરિકાના અન્ય સાથીદેશોનો સમાવેશ કરાય છે. હાલ નાટો પ્લસમાં ઓસ્ટ્રેલિયા, જાપાન, ન્યૂઝિલેન્ડ, ઇઝરાયેલ અને સાઉથ કોરિયા સામેલ છે. અમેરિકી પેનલે ભલે ભારતનો નાટો પ્લસમાં સમાવેશ કરવાની ભલામણ કરી હોય પરંતુ શું તે માટે ભારત તૈયાર થશે ખરો? આખરે નાટો અને નાટો પ્લસનું મૂળ નિશાન તો રશિયા રહ્યો છે. ભારત અને રશિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો ભારતની આઝાદી સમયથી છે. જેના મૂળિયાં કોઇ ડગાવી શકે તેમ નથી. તેથી જ ભારતે રશિયા પર પશ્ચિમી દેશો દ્વારા લદાયેલા આર્થિક પ્રતિબંધોની ઐસી કી તૈસી કરીને રશિયા સાથેના આર્થિક અને લશ્કરી વ્યવહારો જારી રાખ્યાં છે. ભારતના સત્તાધારીઓ પણ રશિયા સાથેના સંબંધોનું મહત્વ સુપેરે જાણે છે. તેથી નાટો પ્લસમાં ભારતના સામેલ થવાનો છેદ અહીં જ ઊડી જાય છે. બીજીતરફ ચીનની ધમકીઓને પહોંચી વળવા ભારત ક્વાડમાં સામેલ થયો છે. એક રીતે કહીએ તો ક્વાડ ઇન્ડો-પેસિફિક વિસ્તારનું નાટો જેવું જ એક સંગઠન છે જેમાં ભારત ઉપરાંત અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા સામેલ છે. ક્વાડ અંતર્ગત આ દેશો એકબીજાના પ્રાદેશિક અને લશ્કરી હિતોની જાળવણી માટે પ્રતિબદ્ધ છે ત્યારે ભારત નાટો પ્લસમાં સામેલ થઇ રશિયાની નારાજગી વહોરી લેવાનું દુઃસાહસ કદાપિ કરશે નહીં. અમેરિકા કરતાં પણ રશિયા સાથેના સંબંધોમાં ભારતના હિત વધુ સમાયેલા છે ત્યારે આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં મૂકાયેલો આ મમરો ફક્ત એક ગતકડું હોય તેમ લાગી રહ્યું છે.
