2022માં યુકેમાં નેટ માઇગ્રેશન 6,60,000 પર પહોંચી જતાં કાગારોળ મચી છે. વડાપ્રધાન સુનાક અને હોમ સેક્રેટરી બ્રેવરમેન ઇમિગ્રેશનમાં ઘટાડો કરવા નવા આકરા નિયંત્રણોની જાહેરાત કરી ચૂક્યાં છે. કેટલીક છૂટછાટને બાદ કરતા વિદેશી વિદ્યાર્થીઓના આશ્રિતોને યુકેમાં લાવવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. ફેમિલી ઇમિગ્રેશન પર પણ તરાપ મારવાની યોજના તૈયાર થઇ રહી છે. આ નિયંત્રણોની સૌથી વધુ અસર ભારતીય વિદ્યાર્થીઓ પર થવાની છે કારણ કે 2022માં યુકેમાં સૌથી વધુ સ્ટુડન્ટ અને વર્ક વિઝા ભારતીયોને જ જારી કરાયાં હતાં. એ વાતનો ઇનકાર થઇ શકે તેમ નથી કે હાલ વિદેશોમાં સ્થાયી થવું એ ભારતીયોની ટોચની પ્રાથમિકતા બની રહી છે. 2022માં ભારતમાંથી 7 લાખથી વધુ વિદ્યાર્થી વિદેશોમાં અભ્યાસ માટે નીકળ્યાં હતાં. વિદેશમાં અભ્યાસ માટે ગયેલો કોઇ ભારતીય વિદ્યાર્થી અભ્યાસ પૂરો થયા બાદ સ્વદેશ પરત ફરતો નથી. ઉલટાનું વિદ્યાર્થીની પાછળ તેનો પરિવાર પણ વિદેશમાં સ્થળાંતર કરી રહ્યો છે. બીજીતરફ ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓએ ભારતીય વિદ્યાર્થીઓ પર નિયંત્રણો લાદવાનું શરૂ કરી દીધું છે. અમેરિકાએ એચ-વન વિઝાના નિયમો વધુ આકરાં બનાવ્યાં છે અને કેનેડા પણ પીઆર આપવામાં વધુ કડકાઇ વર્તી રહ્યો છે ત્યારે ભારતે હવે પોતાની એજ્યુકેશન સિસ્ટમને વિશ્વ કક્ષાની બનાવવાની તાતી જરૂર સર્જાઇ છે. આજે વિશ્વની ટોચની 500 શિક્ષણ સંસ્થાનોમાં ભારતની આંગળીના વેઢે ગણાય તેટલી જ શિક્ષણ સંસ્થાનોનો સમાવેશ થાય છે. ભારતના શિક્ષણ સંસ્થાનોમાં શિક્ષણની ગુણવત્તા સામે પણ અવારનવાર સવાલો ઉઠાવાય છે. શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી પણ શિક્ષણને અનુલક્ષીને રોજગાર મેળવવામાં ભારતીય વિદ્યાર્થીઓને ઘર આંગણે ઘણો સંઘર્ષ કરવો પડે છે. તેના કારણે જ ભારતમાંથી વિદ્યાર્થીઓ મોટા પાયે પલાયન કરી રહ્યાં પરંતુ હવે ભારતની સરકારોએ આ દિશામાં ગંભીરતાથી વિચારીને બ્રેઇન ડ્રેઇન થતું અટકાવવું પડશે. વિદ્યાર્થીઓને ઘરઆંગણે વિશ્વ સ્તરનું શિક્ષણ આપવાની જોગવાઇઓ કરવી પડશે. ખાડે ગયેલા પ્રાથમિક શિક્ષણથી માંડીને ઉચ્ચ શિક્ષણને સુદ્રઢ બનાવવા ચોક્કસ નીતિઓ અમલમાં મૂકવી પડશે. જો આમ થશે તો જ ભારતીયોને વિદેશોમાં પલાયન કરવું નહીં પડે અને ત્યાંની સરકારોની નીતિઓના આશરે રહેવું નહીં પડે.
