નવા સંસદ ભવનમાં દેશની ભવ્ય સંસ્કૃતિનાં દર્શન થશે. સેન્ટ્રલ કોરિડોરમાં સ્થાપિત સમુદ્ર મંથનની કલાકૃતિનો મુખ્ય સંદેશ દેશમાં અમૃતકાળમાં વિવિધ વિષય પર વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવે અને તેનું સાર્થક પરિણામ પણ હાંસલ કરવામાં આવે. સંસદમાં સમુદ્ર મંથનથી ભારત નવી નવી ઊંચાઈ હાંસલ કરશે.
પંચધાતુ સાથે બનેલી સમુદ્રમંથનની કલાકૃતિ 75 ફૂટ લાંબી અને 9 ફૂટ ઊંચી છે.
સંસદમાં ચાણક્ય, ડો. ભીમરાવ આંબેડકર અને સરદાર વલ્લભભાઈ પટેલ સહિત અનેક મહાપુરુષોની કૃતિઓ સ્થાપિત કરાઈ છે. મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, જવાહરલાલ નહેરુ સહિત દેશના પીએમની મોટી તસવીરો પણ સ્થાપિત કરાઈ છે.
કલાકૃતિઓની વિશેષતા
સમુદ્ર મંથનની કલાકૃતિને બનાવવામાં આશરે 10 મહિનાનો સમય લાગ્યો છે. આ કલાકૃતિનું વજન 8 ટન છે. આ કલાકૃતિ નવા ભવનના સેન્ટ્રલ કોરિડોરમાં લગાવાઈ છે.
સરદાર પટેલ અને ડો. આંબેડકરની પ્રતિમા
સરદાર વલ્લભભાઈ પટેલ અને ભીમરાવ આંબેડકરની કલાકૃતિનું વજન 2 ટન છે. અશ્વ દ્વાર પર સ્થાપિત આ કલાકૃતિ દેશની એકતાને દર્શાવવાના હેતુથી બનાવાઈ છે.
સંસ્કૃતિઃ મહાન સંતોને પણ સંસદમાં સ્થાન
મહાન સંતોને પણ સંસદમાં સ્થાન અપાયું છે. ઋગ્વેદની રચના ‘એકમ સત વિપ્રા બહુધા વદન્તિ’ લખેલી છે. આનો અર્થ થાય છે, ‘સત્ય એક છે, જેને જ્ઞાની લોકો અનેક નામથી બોલાવે છે.’
સન્માનઃ સંસદમાં શ્રમને સમર્પિત ગેલેરી
મોદી સંસદ ભવનનું નિર્માણ કરનારા શ્રમિકોને મળ્યા હતા અને કહ્યું કે, 60 હજાર શ્રમિકોને રોજગારી મળી છે. અહીં શ્રમને સમર્પિત એક ડિજિટલ ગેલેરી બની છે.
નવી સંસદમાં ક્યાંથી કઈ-કઈ કીમતી વસ્તુઓ ?
• નવી સંસદમાં વપરાયેલું સાગનું લાકડું નાગપુરથી મગાવાયું
• રાજસ્થાનના આરસ અને સેન્ડસ્ટોનનો કરાયો ઉપયોગ
• યુપીના મિરઝાપુરના ગાલીચા લગાવાયા
• અગરતલાથી મગાવાયેલું વાંસનું લાકડું ફ્લોર પર લગાવાયું
• રાજસ્થાનના રાજનગર અને યુપી-નોઇડાથી સ્ટોનની જાળી મગાવાઈ
• મહારાષ્ટ્રના ઔરંગાબાદ અને જયપુરથી અશોક પ્રતીક મગાવાયાં
• મધ્યપ્રદેશના ઇન્દોરથી અશોકચક્ર લવાયું
• કેટલુંક ફર્નિચર મુંબઈથી મગાવવામાં આવ્યું
• પથ્થરની કોતરણીનું કામ આબુ રોડ અને ઉદયપુરથી કરાવાયું
• બ્રાસવર્ક અને પ્રિકાસ્ટ ટ્રેન્ચ અમદાવાદથી ખરીદવામાં આવ્યું
• છતમાં વપરાયેલા એલએસ-આરએસ ફાલ્સ દમણ અને દીવથી ખરીદાયાં

