જે કર ઝુલાવે પારણું, તે જગ પર શાસન કરે

Wednesday 27th September 2023 06:13 EDT
 

ભારતના નવા સંસદભવનના આરંભમાં જ મહિલાઓ માટે લોકસભા અને વિધાનસભાઓમાં 33 ટકા બેઠક અનામત રાખવાની જોગવાઈ સાથે ‘નારી શક્તિ વંદન એક્ટ’ લોકસભા અને રાજ્યસભામાં વિના અવરોધે પસાર થઈ જવાની ઐતિહાસિક ઘટના નોંધાઈ છે. આ કાયદાના પરિણામે વધુ પ્રમાણમાં મહિલાઓને દેશના રાજકારણમાં ભૂમિકા ભજવવાની તક પ્રાપ્ત થશે. શાસન અને વહીવટમાં તેમની ભાગીદારી વધશે તે પણ સુનિશ્ચિત છે. એક રીતે લોકસભાના 543 બેઠકોમાંથી 181 બેઠક તેમજ એસસી અને એસટી માટે અનામત રખાયેલી 131 બેઠકોમાંથી 43 બેઠક મહિલાઓ માટે આરક્ષિત રહેશે.
જોકે, ધ્યાનાકર્ષક હકીકત એ પણ છે કે આ અનામત 2024ની સામાન્ય ચૂંટણીથી લાગુ કરાઈ રહી નથી. દેશમાં જ્યાં સુધી વસતી ગણતરી અને સીમાંકન પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી એટલે કે 2029ની ચૂંટણી સુધી ‘નારી શક્તિ વંદન એક્ટ’નો અમલ શક્ય નથી અને આ જ બાબત વિપક્ષ સહિત ઘણા લોકોને ખટકી રહી છે અને સરકારના ઈરાદા પર શંકા ઉઠાવાઈ રહી છે. આ બિલની જોગવાઈમાં જ સ્પષ્ટ કરાયેલું છે કે મહિલા અનામત આધારિત ફેરફારો વસતી ગણતરી પછી જ લાગુ કરાશે અને વસતી ગણતરીના ડેટાના આધારે તમામ મતવિસ્તારોનું ફરી સીમાંકન કરાશે.
વાસ્તવિકતા તો એ છે કે લોકસભા અને વિધાનસભાઓમાં 33 ટકા મહિલા અનામતનું ગાજર છેક 1996થી એટલે કે 27 વર્ષ પહેલાથી લટકાવાતું આવ્યું છે. દેવ ગૌડા સરકારે 81મુ બંધારણીય સુધારા બિલ રજૂ કર્યું તેમાં આવી અનામતની જોગવાઈ હતી પરંતુ, પ્રગતિના અભાવે તે અભરાઈએ ચડી ગયું હતું. મનમોહન સરકારે 2020માં 108મુ બંધારણીય સુધારા બિલ રજૂ કર્યું હતું જે રાજ્યસભામાં પસાર તો થઈ ગયું પરંતુ, લોકસભા બરખાસ્ત થઈ ત્યાં સુધી લોકસભામાં તેના પર કોઈ કાર્યવાહી ન થતાં ખરડો રદ થઈ ગયો હતો. મોદી સરકારે રજૂ કરેલો 128મો બંધારણીય સુધારા ખરડો સર્વસંમતિએ પસાર કરી દેવાયો છે. જે ચર્ચા ચાલી રહી છે કે સત્તાધારી પાર્ટીએ 2024ની ચૂંટણીમાં મહિલાઓના મત હસ્તગત કરવા મહિલા અનામત બિલનો ઉપયોગ કરી રહી ચે. સાચી વાત હોઈ શકે છે કારણકે કોઈ પણ રાજકીય પાર્ટી આખરે તો શાસન હસ્તગત કરવા જ ઘોષણાઓ અને વચનોની વણઝાર લગાવી દેતી હોય છે. આ કિસ્સામાં એક રાજકીય વચનની પૂર્તતા કરવામાં આવી છે.
આપણામાં કહેવાયું છે કે ‘જે કર ઝુલાવે પારણું તે જગ પર શાસન કરે’. પારણા ઝૂલાવતી સ્ત્રીઓને સતત દબાવી રાખવાની માનસિકતા હવે ચાલી શકે તેમ નથી. મહિલા સશક્તિકરણ રાજકીય વિચારધારા અને વહીવટમાં પણ અમલી બને તે આવશ્યક છે. આ માટે પ્રબળ રાજકીય ઈચ્છાશક્તિ હોવી આવશ્યક છે જે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દર્શાવી છે. ‘નારી શક્તિ વંદન એક્ટ’ બિલ પસાર થવા સાથે મહિલાઓનાં અધિકારો સંબંધિત લાંબી લડાઈનો એક અધ્યાય પૂર્ણ થયો છે.


comments powered by Disqus