૧૪ વર્ષની વયે સમૃધ્ધ ભારતીય વારસાને ગૌરવ અપાવનાર, પર્યાવરણનો પડકાર ઝીલી એમાં બદલાવ લાવવાનો ભેખ ધરનાર આર્યા ચાવડા ૧૯ થી ૨૧ સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલ ઇન્ટરનેશનલ કોનક્લેવ ૨૦૨૩માં સૌથી યુવા પ્રતિનિધિ તરીકે યુ.કે. હાજરી આપવા આવી હતી. બહુમુખી પ્રતિભાધારી આર્યાએ નાની વયમાં જ સિમાચિહ્ન સમી સિધ્ધિ મેળવી છે
અત્રેના એના રોકાણ દરમિયાન ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૩ની સાંજે કેન્ટન મેથોડીસ્ટ ચર્ચ, કેન્ટન ખાતે એક સેમિનારનું આયોજન ડીનર સહિત કરાયું હતું. જેના સ્પોન્સરર શ્રી રવજીભાઇ હિરાણી (અંકલ) અને કાન્તાબહેન (આન્ટી) હતાં. આ કાર્યક્રમનું સંચાલન SKLPC.ના પૂર્વ પ્રમુખ શ્રી વેલજીભાઇ વેકરીયા (હિન્દુ ફોરમ ઓફ બ્રિટનના સક્રિય સભ્ય અને સ્વામિનારાયણ ગૂરૂકૂળ યુ.કે.ના સભ્ય) એ મહેમાનો, યજમાન અને મુખ્ય વક્તાની ઓળખ આપી કર્યું હતું. ગુજરાત સમાચાર અને તંત્રીશ્રી સી.બી.પટેલના સામાજિક અનુદાનને પણ ખાસ યાદ કર્યું હતું. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ અને કાઉન્સિલરો સહિતની વિશાળ હાજરીનું આકર્ષણ હતી આર્યા ચાવડા.
સૌ પ્રથમ તો આર્યાની વાત પરીકથા જેવી લાગે! આટલી નાની ઉમરમાં ૧૦ પુસ્તકોનું સર્જન અને એના પ્રકાશક યુનેસ્કો. એના પુસ્તકોના વેચાણમાંથી મળતી રકમ ગરીબ બાળકોની ચેરિટીમાં દાનમાં આપવાની ઉદારતા. ૯ વર્ષની વયે યુનેસ્કોના ડાયરેક્ટર જનરલ સાથે સ્ટેજ શેર કરવાનું સૌભાગ્ય, ૪૩મા વર્લ્ડ હેરીટેજમાં ૮૦ દેશોના ૨૫૦૦ ડીપ્લોમેટ્સની હાજરીમાં એનું પુસ્તક ‘અમદાવાદ, માય સીટી, માય હેરીટેજ’ બુકમાંથી વાંચન કરવાની તક…વક્તા તરીકે એની છટા દાદ માગી લે તેવી છે.
આ સેમિનારમાં દૂષિત પર્યાવરણને કઇ રીતે શુધ્ધ બનાવી શકાય? આંકડા સહિતની વિગતો, ચાર્ટ અને સ્વ સર્જિત ચિત્રોના નિદર્શન સહ એ માટેના કારણો-ઉપાયોની સુંદર સમજ સ્ક્રીન પર પ્રેઝન્ટેશન કરતા આપી ત્યારે સૌ સભાજનો દંગ બની ગયા.
આટલી નાની ઉંમરમાં આટલું બધું જ્ઞાન! બધું જ એની જીભના ટેરવે, હ્દયમાં અંકિત, આંગળીના ટેરવે!
આ પ્રેઝન્ટેશન બાદ કાઉન્સિલર કૃપેશ હિરાણી અને કાઉન્સિલર સુનિતા હિરાણીએ આર્યાને શાબાશી આપતા જણાવ્યું કે, પર્યાવરણની રક્ષા કરવાની પ્રત્યેક નાગરિકની ફરજ છે અને સૌએ એમાં સાથ આપવો જોઇએ. જ્યોત્સનાબહેને સભાને સંબોધન કરતાં આર્યાને પૂછ્યછયું કે, આ બધું સંશોધન કરવાનો રોજનો કેટલો સમય ફાળવે છે અને આ કામ કરવાની પ્રેરણા ક્યાંથી મેળવે છે? તેણે જણાવ્યું કે, ‘હું કારમાં હોઉં કે ફ્લાઇટમાં…ઓછામાં ઓછો એક કલાક મારા સંશોધનમાં વિતાવું છું. મને મારા પિતા ડો. હિતેશ, જેઓ ગેસ્ટ્રો સર્જન છે અને માતા ઋષિકા આર્કીટેક છે. તેઓ મારા શોખના વિષયમાં આગળ વધવા ખૂબ જ પ્રેરણા આપે છે. સમાજને ઉપયોગી થવાની મારી પેશનનો યશ હું
મારા માતા-પિતાને અપીશ. મારા પિતાશ્રી પણ સ્વામિનારાયણ ગુરૂકૂળના હોસ્પીટલમાં સેવા
આપે છે.’
૧૦ વર્ષની ઉમરે આર્યાના કાર્યથી યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ સેન્ટર પેરીસ પ્રભાવિત થતા એને આપણા હેરીટેજની વિશ્વ વ્યાપી ઝૂંબેશ માટે આમંત્રી.
કોવિદ-૧૯ દરમિયાન પેનેડેમીકના પડકારોના સમયમાં “શેર અવર હેરીટેજ” ઝૂંબેશમાં વિશ્વભરની વિવિધતા સભર સંસ્કૃતિઓની કદર રૂપે અને બાળકોને કાર્યરત રાખવા ‘લીટલ આર્ટીસ્ટ એક્ઝીબીશન’ યોજી જેમાં ૫૫ દેશોના બાળકોએ ભાગ લીધો હતો. આર્યાને ‘આશાનો હકારાત્મક સંદેશ પ્રસારિત કરવાની અને બાળકોમાં વૈશ્વિક સમજ કેળવવાની તક મળિ. ‘એન્વાયર્નમેન્ટ યુથ ફોરમમાં આર્યાએ ૩૫૦ થી વધુ કોલેજો અને ૭૫ થી વધુ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું.. નેશનલ યુથ પાર્લામેન્ટ ૨૦૨૨માં વક્તવ્ય રજૂ કરી ભારતની લોકસભાના સ્પીકરની પ્રશંસા મેળવી. આમ નાની વયમાં સિધ્ધિના શિખર સર કરવા છતાં એનામાં રહેલ નમ્રતા અને આત્મવિશ્વાસ માન ઉપજાવે એવા છે. એનું ભવિષ્ય નિ:શંક ઉજ્જવળ છે. ધન્ય છે આર્યા અને એના માતા-પિતાને.

