એક જ દિવસમાં બે બ્લાસ્ટથી ધ્રૂજી ઊઠ્યું પાકિસ્તાનઃ કુલ 55નાં મોત

Friday 29th September 2023 06:09 EDT
 
 

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના બલુચિસ્તાનમાં એક મસ્જિદ પાસે આત્મઘાતી બ્લાસ્ટ થયો, જેમાં 52 લોકોનાં સ્થળ પર જ મોત નીપજ્યાં છે, તો 30થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં એક પોલીસ કર્મચારીનો પણ સમાવેશ થાય છે. મસ્તુંગ જિલ્લામાં આવેલી મસ્જિદમાં આ બ્લાસ્ટ એવા સમયે થયો જ્યારે લોકો ઇદે મિલાદઉન નબીના આયોજનમાં વ્યસ્ત હતા. આસિસ્ટન્ટ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું કે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો હાજર હોવાથી મૃત્યુઆંક વધ્યો છે. આ સિવાય ખૈબર પખ્તુનખ્વાંના હંગુમાં પણ એક બ્લાસ્ટ થયો, જેમાં 3 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
આ બ્લાસ્ટની પાછળ કોનો હાથ છે તે અંગે હજુસુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. મસ્તુંગ જિલ્લામાં આ મહિનાની શરૂઆતમાં પણ એક બ્લાસ્ટ થયો હતો, જેમાં 11 લોકો ઘાયલ થયા હતા.
બલુચિસ્તાનના ગૃહમંત્રી જાન અચાકજઈએ કહ્યું કે, બચાવ ટીમને મસ્તુંગ મોકલી દેવામાં આવી છે. ગંભીરરૂપે ઘાયલ લોકોને ક્વેટાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સિવાય તમામ હોસ્પિટલમાં ઇમર્જન્સી ઘોષિત કરવામાં આવી છે.


comments powered by Disqus