ભારત-કેનેડા વિવાદ અને અમેરિકી મધ્યસ્થી

Wednesday 27th September 2023 06:11 EDT
 

પાકિસ્તાની અને ખાલિસ્તાની આતંકવાદ ભારત માટે શિરદર્દ બની રહ્યા છે. પાકિસ્તાન જે રીતે ઈસ્લામિક આતંકવાદને ઉછેરી રહ્યું છે તે જ રીતે હવે કેનેડાની ધરતી પરથી આતંકી ખાલિસ્તાનીઓને ઉત્તેજન સાંપડી રહ્યું છે. ભારત સતત ખાલિસ્તાની પ્રવૃત્તિઓનો વિરોધ કરતું આવ્યું છે પરંતુ, કેનેડાની સરકાર તેના તરફ આંખમીંચામણા કરે છે. આ બાબત જ બંને દેશને ગંભીર તણાવ તરફ દોરી ગઈ છે.
જસ્ટિન ટ્રુડો તેમના પિતા પિયરે ટ્રુડોના શીખ તુષ્ટિકરણના પગલે ચાલી રહ્યા છે. જસ્ટિન સરકારને ઉગ્રવાદી શીખોની પાર્ટીનો ટેકો છે અને તેના થકી જ તેમની સરકાર ચાલી રહી છે. સત્તાખુરશી સાચવવામાં શીખ પાર્ટીને નારાજ કરવાનું જસ્ટિન ટ્રુડોને ના પોસાય તે સ્વાભાવિક છે પરંતુ, તેનો અર્થ હરગિજ એવો ન કરી શકાય કે કોઈ ખાલિસ્તાની આતંકી અને ગેંગસ્ટરની હત્યાના દોષનો ટોપલો ભારતના માથે ઓઢાડી દેવો. વિશ્વમાં ભારત શક્તિશાળી રાષ્ટ્ર તરીકે ઉભરી રહ્યું છે ત્યારે ભારત સાથે શત્રુતાપૂર્ણ વલણ કેનેડાને જ ભારે પડશે. ભારત સાથે ચાલતી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ વાટાઘાટો અટકાવી કેનેડાએ આર્થિક યુદ્ધ પણ શરૂ કરી દીધું જણાય છે. રાજદ્વારીઓની હકાલપટ્ટી અને વેપાર વાટાઘાટો અટકાવી દેવાના કેનેડાના નિર્ણયથી બંને દેશોના સંબંધો સામે સવાલ ઉભો થઈ ગયો છે.
આ સમગ્ર ઘટનાક્રમમાં અમેરિકાનો ‘ડબલ ઢોલકીદાવ’ જાહેર થઈ ગયો છે. નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણી બાબતે ફાઈવ આઈઝ ગ્રૂપ દ્વારા ઈન્ટેલિજન્સ ઈનપૂટ મળ્યાના ટ્રુડોના દાવા પછી આવી કહેવાતી ગુપ્ત માહિતી ખુદ અમેરિકાએ આપી હોવાનું બહાર આવી ગયું છે. જગત જમાદાર અમેરિકાની નીતિ ‘શાહુકારને કહે જાગતો રહે અને ચોરને કહે ચોરી કર’ની જ રહી છે. જોકે, ભારત હવે સામાન્ય દેશ રહ્યો નથી. વિશ્વતખતે તેનો ડંકો વાગી રહ્યો છે ત્યારે અમેરિકાએ આ બેવડી રમત રમી છે. હવે અમેરિકા આ વિવાદને સુલઝાવવા પડદા પાછળની મધ્યસ્થી કરવા આગળ વધી રહ્યું છે.
કેનેડાના બ્રિટિશ કોલંબિયાના પ્રીમિયર ડેવિડ એબીએ તો દાવો કર્યો છે કે ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા બાબતે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ઈન્ટેલિજન્સ ઈનપુટના નામે જે પણ માહિતી આપી છે તે બધી જ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. જો ભારત સામે આક્ષેપ કરવાનો હોય તો નક્કર માહિતી રજૂ કરવી જોઈએ. હકીકતે જુલાઈ 2023માં નિજ્જરની હત્યા બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરે શહેરમાં થઈ હોવાથી પ્રીમિયર એબીના દાવાનું મહત્ત્વ વધી જાય છે. આનાથી વિપરીત, ભારતે કેનેડામાં કાર્યરત ખાલિસ્તાની આતંકીઓના જડબેસલાક ડોઝિયેર કેનેડાને પૂરા પાડી તેમની સામે કાર્યવાહી અને તેમનું પ્રત્યર્પણ કરવાની માગણી કરી હતી પરંતુ, કેનેડા સરકારે તેના તરફ સદંતર દુર્લક્ષ જ સેવ્યું છે.
જી20 બેઠકમાં કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ કેટલીક ફરિયાદો ઉચ્ચારી હશે પરંતુ, દાળ ગળ્યાનું નહિ લાગતા કેનેડા જઈને પાર્લામેન્ટ સમક્ષ હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આક્ષેપ કરવા સાથે ભારતીય રાજદ્વારીની હકાલપટ્ટીનું પગલું લીધું ત્યારે તેમને સ્વપ્ને પણ ખ્યાલ નહિ હોય કે ભારત પણ ‘શઠં પ્રતિ શાઠ્યમ’ની નીતિ અપનાવશે. ભારતે કેનેડિયન રાજદ્વારીઓની હકાલપટ્ટી, કેનેડિયન નાગરિકો માટે વિઝા સર્વિસ બંધ કરી દેવા સુધીના પગલાં લેતા ભારત સોફ્ટ સ્ટેટ હોવાની અત્યાર સુધીની પશ્ચિમી માન્યતા ધરમૂળથી હચમચી ગઈ છે. મોદી સરકારે ખાલિસ્તાની આતંકીઓ પર સકંજો કસ્યો છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રિટનસ્થિત ખાલિસ્તાની આતંકીઓ ભારતીય દૂતાવાસો પર હુમલા, ભારતીય મંદિરોને નિશાન બનાવવા સહિત ભારતવિરોધી એજન્ડા આગળ વધારી રહ્યા છે ત્યારે તેમનાં ઓસીઆઈ કાર્ડ રદ કરી ભારતમાં પ્રવેશ પર પ્રતિબંધ તેમજ તેમની સંપત્તિઓ જપ્ત કરવાના આદેશો જારી કરી જ દીધા છે. ખાલિસ્તાની આતંકી અને પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંત પન્નુની સંપત્તિ જપ્ત કરી લેવાઈ તે આ દિશાનો સંકેત આપે છે. ભારતનો વિપક્ષ પણ સાગમટે કેનેડા મુદ્દે કેન્દ્ર સરકારે દાખવેલાં અભિગમની સરાહના કરી રહ્યો છે તે સારી વાત છે.


comments powered by Disqus