મેલબર્નઃ મેલબર્નમાં રવિવારે બે ભારતીય જૂથો વચ્ચે હિંસક અથડામણ ફાટી નીકળી હતી. ખાલિસ્તાન તરફી લોકોના અને ખાલિસ્તાન વિરોધી લોકો લાકડીઓ અને તલવારો સાથે એકબીજા પર તૂટી પડ્યા હતા. પોલીસે વચ્ચે પડીને લોકોને છૂટા પાડવાનો પ્રયાસ કરાયો હતો, જેમાં પોલીસકર્મીઓ પણ ઘવાયા હતા. મેલબર્નના ફેડરેશન સ્ક્વેર પર ખાલિસ્તાનના મુદ્દે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ એટલા માટે થઈ કે ત્યાં ભારતમાં પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસના આહવાન પર લોકો કથિત જનમતમાં ભાગ લેવા આવ્યા હતા. પોલીસે આ અંગે કેટલાક લોકોની ધરપકડ પણ કરી હતી.
મેલબર્નમાં કથિત ખાલિસ્તાન રેફરેન્ડમના એલાન બાદ જ હિંસાની આશંકા વ્યક્ત કરાઈ હતી. જાન્યુઆરીમાં વિવિધ સ્થાને ખાલિસ્તાન સમર્થનમાં પોસ્ટર લાગ્યાં ત્યારે જ સોશિયલ મીડિયા પર ટેન્શનની શરૂઆત થઈ ગઈ હતી. કેટલાક હિન્દુ સંગઠનોએ તે ભારત વિરોધી હોવાનું કહી પોસ્ટર્સને હટાવવાની માંગ કરી હતી.

