કચ્છી સમાજના જાણીતા ઉદ્યોગપતિ, દાનવીર, સમાજરત્ન દામજીભાઈ લાલજી એન્કરવાલા 86 વર્ષની વયે 29 ડિસેમ્બરે રવિવારે રાત્રે 10:30 વાગ્યે મુંબઈમાં અરિહંતશરણ પામ્યા. તેમના નિવાસસ્થાનેથી તેમની અંતિમયાત્રા નીકળી ત્યારે મુંબઈના અનેક ઉદ્યોગપતિઓ અને કચ્છી સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
શિક્ષણપ્રેમી, જીવદયાપ્રેમી, દાનવીર દામજીભાઈ એન્કરવાલાના અવસાનથી કચ્છી સમાજ ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયો છે. કચ્છી જૈન ફાઉન્ડેશનના ફાઉન્ડર ટ્રસ્ટી ચંદ્રકાંત ગોગરીએ દામજી એન્કરવાલાને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે, ‘માનવતાના મસીહાના વિયોગથી કચ્છી સમાજને મોટી ખોટ પડી છે. તેઓ શાહ એન્ડ એન્કર કોલેજના પ્રણેતા અને પ્રાગપર એન્કરવાલા પાંજરાપોળના નિર્માણદાતા હતા. આઠ કોટિ નાની પક્ષ સ્થાનકવાસી કચ્છી વીસા ઓસવાળ સ્થાનકવાસી જૈન મહાજન તેમજ સોનગઢ રત્નાશ્રમ જેવી ઘણી સંસ્થાઓમાં ઉચ્ચપદે રહી વિકાસનાં ઉત્તમોત્તમ કાર્યો કરીને તેમણે સમાજમાં નામના મેળવી હતી.
દામજીભાઈના અવસાનથી કચ્છી વીસા ઓસવાળ સમાજ ઉપરાંત અન્ય સમાજો, શૈક્ષિણક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, સંગઠન તથા અન્ય ક્ષેત્રો જ્યાં તેઓ સંકળાયેલા હતા એમણે એક પથદર્શક, દીર્ઘદૃષ્ટા અને કાબિલેદાદ સારથિ
ગુમાવ્યા છે.
દામજીભાઇએ નાની વયે ઉદ્યોગમાં સફળતા મેળવીને એન્કર ઇન્ડસ્ટ્રીઝને સફળતાના શિખરે પહોંચાડી હતી. કચ્છની આરોગ્ય સેવા અને જીવદયા સંસ્થાઓમાં તેમણે કરોડોનું દાન આપીને કચ્છની સેવા કરી હતી. એટલું જ નહીં નર્મદા યોજના સહિતના કચ્છને સ્પર્શતા પ્રશ્નો માટે આગેવાની લીધી હતી. દામજીભાઈની સાહસિકતા અને દૂરંદેશીએ એન્કર ગ્રૂપને એટલી ઊંચાઈ સર કરાવી હતી કે, વિશ્વપ્રસિદ્ધ પેનાસોનિક ગ્રૂપે એન્કરના વીજ ઉત્પાદન અને બજાર હસ્તગત કર્યા પછી પણ એન્કરનું નામ કાઢીને પોતાની વિશ્વપ્રસિદ્ધ બ્રાન્ડ પેનાસોનિકનો ઉપયોગ કરવાની જરૂર જણાઈ નથી.
1939માં કચ્છના કુંદરોડી ગામમાં જન્મેલા દામજીભાઈ માટે મુંબઈ બીજું વતન હતું. 1962માં કટલરીની દુકાનના વ્યવસાય કરતાં કશુંક નવું અને અનોખું કરવાની ઇચ્છાએ તેમણે નાનું કારખાનું નાખવાનું નક્કી કર્યું હતું. મલાડની બોમ્બે ટોકીઝના પ્રાંગણમાં 700 ફૂટની જગ્યામાં તેમણે વીજ સ્વિચ બનાવવાનું એકમ શરૂ કર્યું હતું. પંદરેક લાખના રોકાણ સાથે તે સમયે કાળી ગોળ ડબ્બા જેવી સ્વિચને બદલે રૂપકડી પિયાનો પ્રકારની સ્વિચનું ઉત્પાદન શરૂ કર્યું. સ્વિચ ઉત્પાદન શરૂ થયા બાદ વિક્ટર નામ ઉપલબ્ધ ન થતાં દામજીભાઈ અને તેમના ભાઈએ એન્કર નામ પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. તે સાથે એન્કર અને એન્કરવાલાની સફળતાની યાત્રા શરૂ થઇ.

