રિશી સુનાકે વડાપ્રધાન તરીકેના પ્રથમ દિવસે પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ જનતાનો વિશ્વાસ જીતવામાં કોઇ કસર બાકી રાખશે નહીં પરંતુ એમ લાગી રહ્યું છે કે કન્ઝર્વેટિવ પાર્ટીમાં જનતાનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના તેમના પ્રામાણિક પ્રયાસો આડે તેમના જ ટોરી સાથીદારો અવરોધ બની રહ્યાં છે. ટેક્સની ચૂકવણીના મામલામાં સપડાયેલા નદીમ ઝહાવીએ રિશી સુનાકના પ્રયાસોને વધુ એક ફટકો માર્યો છે. રિશી સુનાકે નદીમ ઝહાવીને કન્ઝર્વેટિવ પાર્ટીના અધ્યક્ષપદેથી હટાવીને સ્થિતિને સંભાળવાનો પ્રયાસ તો કર્યો છે પરંતુ ટોરીઝને થવાનું હતું તે નુકસાન થઇ ચૂક્યું છે. નદીમ ઝહાવી એકલા નથી કે જે અડચણરૂપ બની રહ્યાં હતાં. રિશી સુનાકે સત્તાના સૂત્રો સંભાળ્યાના 3 જ મહિનામાં બે ટોરી મંત્રીઓ તપાસનો સામનો કરી રહ્યાં છે. તે ઉપરાંત પૂર્વ ટોરી વડાપ્રધાન બોરિસ જ્હોન્સનના પાર્ટીગેટ જેવા કૌભાંડોની તપાસ ચાલી જ રહી છે. નદીમ ઝહાવીને નહીં ચૂકવેલા ટેક્સના મામલે પેનલ્ટી ચૂકવવાની ફરજ પડી. આ મામલાએ જનતાના ટોરી શાસકો પરના વિશ્વાસને વધુ ડગમગાવી દીધો છે. રિશી સુનાકના ડેપ્યુટી ડોમિનિક રાબ પણ કર્મચારીઓ સાથેના દુર્વ્યવહારની સંખ્યાબંધ ફરિયાદોનો સામનો કરી રહ્યાં છે. ડોમિનિક રાબના જસ્ટિસ સેક્રેટરી, ફોરેન સેક્રેટરી અને બ્રેક્ઝિટ સેક્રેટરી તરીકેના કાર્યકાળમાં થયેલી આ ફરિયાદોની તપાસ હાલ એડમ ટોલી કેસી કરી રહ્યાં છે. બોરિસ જ્હોન્સન ભલે હોદ્દા પરથી દૂર થઇ ગયાં છે પરંતુ તેમના દ્વારા કોરોના લોકડાઉન દરમિયાન કરાયેલા કરતૂતો આજે પણ ટોરી સરકારને મુશ્કેલીમાં મૂકી રહ્યાં છે. આગામી સપ્તાહોમાં બોરિસ જ્હોન્સનને પાર્ટી ગેટ અંગેની તપાસની પૂછપરછમાં હાજર રહેવાનું છે. પ્રિવિલેજ કમિટી દ્વારા ચાલી રહેલી તપાસના પરિણામ કન્ઝર્વેટિવ પાર્ટીની શાખને વધુ ગર્તામાં ધકેલી શકે છે. આ પહેલાં રિશી સુનાકે વડાપ્રધાનપદ સંભાળ્યાના બીજા જ સપ્તાહમાં સર ગેવિન વિલિયમસનને ટોરી સહયોગીઓ અને અધિકારીઓ સાથે દુર્વ્યવહારના મામલે કેબિનેટમાંથી વિદાય લેવાની ફરજ પડી હતી. રિશી સુનાક એકતરફ અર્થતંત્રને પાટા પર લાવીને બ્રિટિશ મતદારોનો વિશ્વાસ સંપાદન કરવાના પ્રયાસો કરી રહ્યાં છે પરંતુ એક પછી એક ટોરી સહયોગીના બહાર આવી રહેલા કરતૂતો બ્રિટિશ જનતાનો રિશી સુનાક અને ટોરીઝમાં રહેલો વિશ્વાસ ડગમગાવી રહ્યાં છે. નદીમ ઝહાવીના ટેક્સ પ્રકરણે ટોરીઝની સાથે સાથે રિશી સુનાકની શાખને પણ દાવ પર મૂકી દીધી છે. આમ પણ કન્ઝર્વેટિવોની વિશ્વસનિયતા તળિયે બેઠી છે. આગામી સંસદની ચૂંટણીમાં ટોરીઝનો સફાયો થઇ શકે છે તેવા સંકેતો ઘણા સરવેના પરિણામોમાં સામે આવી ચૂક્યાં છે. આવી સ્થિતિમાં જનતામાં ટોરીઝની વિશ્વસનિયતામાં વધારો કરવાનો મહાકાય પડકાર રિશી સુનાક સામે મોં ફાડીને ઊભો છે. આગામી મહિનાઓમાં રિશી સુનાકની રાજકીય કુનેહ અને આર્થિક પગલાંની અગ્નિપરીક્ષા થવાની છે એ વાતમાં કોઇ શંકાને સ્થાન નથી.
