ભારત સામે સતત શિંગડા ભેરવતો પાકિસ્તાન તેના રાજકીય અને લશ્કરી શાસકોના પાપે ધરાશાયી થવાના આરે પહોંચી ગયો છે. ઘાસ ખાઇને જીવીશું પરંતુ પરમાણુ બોમ્બ બનાવીને જ જંપીશું તેવી પાકિસ્તાની શાસકોની શેખી આજે વિકરાળ સમસ્યા બનીને પાકિસ્તાની જનતા પર તૂટી પડી છે. પાકિસ્તાનને ખરેખર ઘાસ ખાવાના દિવસો આવી ગયાં છે. 28મી જાન્યુઆરીના રોજ પાકિસ્તાનનું ફોરેક્સ રિઝર્વ 3.1 બિલિયન અમેરિકન ડોલરની ઓલ ટાઇમ લો સપાટી પર પહોંચી ગયું હતું. તેનો અર્થ એ કે પાકિસ્તાન ફક્ત બે કે ત્રણ સપ્તાહ સુધી જ આયાતોના ખર્ચ ઉપાડી શકશે. બીજી તરફ દેશમાં ફુગાવાનો દર 24.5 ટકા પર પહોંચી ગયો છે. ખાદ્યાન્નનો ફુગાવો તો 35 ટકાને પાર કરી ગયો છે. સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાનને વ્યાજદરમાં 100 બેઝિસ પોઇન્ટનો વધારો કરવાની અને પાકિસ્તાની રૂપિયા પરના તમામ નિયંત્રણો હટાવી લેવાની ફરજ પડતાં પાકિસ્તાની રૂપિયાનું એક ડોલર સામેનું મૂલ્ય ગગડીને 262 રૂપિયા પર પહોંચી ગયું છે. આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (આઇએમએફ)ની સહાય મેળવવા માટે પાકિસ્તાનને તેની તમામ શરતો માનવાની ફરજ પડી રહી છે. પાકિસ્તાનની સરકારે એક ઝાટકે ઇંધણ સબસિડી દૂર કરીને પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર રૂપિયા 35નો વધારો કરવાની ફરજ પડી છે. પાકિસ્તાનની અંદાજપત્રીય ખાધ 2004માં 2.25 બિલિયન ડોલર હતી જે હાલ 26 બિલિયન ડોલરને પાર કરી ગઇ છે. એમ લાગી રહ્યું છે કે પાકિસ્તાન શ્રીલંકાના માર્ગે આગળ વધી રહ્યો છે. ભારતના બે પાડોશી દેશો આર્થિક રીતે નાદાર થઇ ગયાં છે. 2022માં શ્રીલંકાને ખાવાના સાંસા પડી ગયાં હતાં. હવે ભારતે શ્રીલંકાની જવાબદારી લેતાં આઇએમએફ અને અન્ય વૈશ્વિક નાણા સંસ્થાઓ શ્રીલંકાને મદદ કરવા તૈયાર થઇ છે. પાકિસ્તાન પણ હવે આર્થિક સહાય માટે ભારત તરફ મીટ માંડી રહ્યો છે. ઘાસ ખાઇને જીવવાના ફાંકા મારતા પાકિસ્તાની શાસકો હવે ભારત સમક્ષ આર્થિક સહકારની ભીખ માગી રહ્યાં છે. જોકે શ્રીલંકા અને પાકિસ્તાન ભારત માટે અલગ અલગ સ્થિતિ છે. પાકિસ્તાનની આર્થિક કંગાલિયત ભારતની મુશ્કેલીઓમાં વધારો કરે તેવી ચિંતા સેવાઇ રહી છે. ખાસ કરીને પાકિસ્તાનની આર્થિક નાદારી ભારતની વ્યૂહાત્મક અને સુરક્ષા અંગેની ચિંતાઓ વધારી રહી છે. જો પાકિસ્તાની અર્થતંત્ર સદંતર ધરાશાયી થઇ જાય તો પાકિસ્તાનમાંથી નિરાશ્રીતોનો ધસારો ભારત તરફ વધી શકે છે. પાકિસ્તાન એક નિષ્ફળ દેશ બને તો ત્યાં રહેલા આતંકવાદી સંગઠનો પાકિસ્તાનમાં પોતાનો પ્રભાવ વધારી શકે છે અને તેની સીધી અસર ભારતના હિતો પર પડી શકે છે. જો આવી સ્થિતિમાં ચીન પાકિસ્તાનનો મસીહા બનીને આગળ આવશે તો ભારત માટે સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. આમ પણ પાકિસ્તાન અને ચીનની ધરી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના હિતોને નુકસાન પહોંચાડવામાં જરાપણ કસર બાકી રાખતી નથી. ભારતે પાકિસ્તાનના મામલે ઘણું સાવધ રહેવું પડશે.
