પેશાવરઃ પાકિસ્તાનના પેશાવરના પોલીસ લાઈન વિસ્તારની મસ્જિદમાં નમાઝ દરમિયાન બ્લાસ્ટ થયો. જેમાં 100 વ્યક્તિનાં મોત થયાં, તો 150થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયાં. આત્મઘાતી હુમલાખોરે બોમ્બ બ્લાસ્ટ તે સમયે કર્યો, જ્યારે નમાઝીઓ નમાઝ અદા કરી રહ્યા હતા.
બપોરની નમાઝના સમયે આત્મઘાતી હુમલાખોર પ્રથમ હરોળમાં જ બેઠો હતો. બ્લાસ્ટ સમયે ઓછામાં ઓછા 200થી વધુ લોકો મસ્જિદમાં હાજર હતા. નમાઝ અદા કરતા સમયે જ હુમલાખોર દ્વારા બ્લાસ્ટ કરવામાં આવ્યો, જેમાં તેની સાથે 100 લોકોનાં મોત નીપજ્યાં. બ્લાસ્ટ એટલો જબરજસ્ત હતો કે મસ્જિદનો એક તરફનો ભાગ ધરાશાયી થઈ ગયો હતો.
આ આત્મઘાતી હુમલાની જવાબદારી ટીટીપી (તહરિક-એ-તાલિબાન પાકિસ્તાન) દ્વારા લેવામાં આવી છે. જેણે ઉમર ખાલીદ ખુરાસાનીના મોતનો બદલો લીધો છે.
પેશાવરની હોસ્પિટલમાં અન્ય 150થી વધુ ઘાયલોને ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. ઘાયલો પૈકી અનેક લોકોની હાલત હજુપણ નાજુક જણાવવામાં આવી રહી છે. બની શકે કે પેશાવરની મસ્જિદમાં થયેલા બ્લાસ્ટમાં મૃત્યુઆંક વધી શકે.
ઘટના બાદ પાકિસ્તાન પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ પેશાવર પહોંચ્યા હતા. શાહબાઝ શરીફે આ આતંકી હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી અને ઇસ્લામના વિરોધમાં આતંકીઓ દ્વારા કરવામાં આવેલું કૃત્ય ગણાવ્યું. તેમણે કહ્યું કે અલ્લાહની સામે સજદા કરનારા મુસ્લિમોની ક્રૂર હત્યા પવિત્ર કુરાનની શિક્ષાની વિરોધમાં છે.

