યુકેમાં અભ્યાસ બાદ વિદેશી વિદ્યાર્થીઓને અપાતા બે વર્ષના વર્ક વિઝા પર કાતર ફેરવવાની બ્રેવરમેનની યોજના

Wednesday 01st February 2023 06:53 EST
 
 

લંડન: બ્રિટનના હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેન યુકેમાં અભ્યાસ માટે આવતા વિદેશી વિદ્યાર્થીઓને અભ્યાસ પૂરો થયા બાદ દેશમાં નોકરીની શોધ અને અનુભવ માટે અપાતા બે વર્ષના સમયગાળામાં કાપ મૂકવાની તૈયારી કરી રહ્યા છે તેના કારણે હોમ અને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ વચ્ચે ટકરાવની સ્થિતિનું નિર્માણ થયું છે. હાલ ભારતીય સહિતના વિદ્યાર્થીઓને અભ્યાસ પૂરો કર્યા બાદ યુકેમાં નોકરી અને અનુભવ માટે બે વર્ષનો વિઝા આપવામાં આવે છે. સુએલા બ્રેવરમેન આ સમયને ઘટાડવા તૈયારી કરી રહ્યાં છે.
એક અખબારી અહેવાલ પ્રમાણે સુએલા બ્રેવરમેને તૈયાર કરેલી યોજના અંતર્ગત ગ્રેજ્યુએટ વિઝા રાઉટમાં વિદેશી વિદ્યાર્થીએ સ્કીલ્ડ જોબ પ્રાપ્ત કરીને વર્ક વિઝા મેળવી લેવાનો રહેશે અથવા તો 6 મહિના પછી યુકે છોડીને પોતાના દેશ જતા રહેવું પડશે. જોકે યુકેનો એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ આ પ્રસ્તાવનો વિરોધ કરી રહ્યો છે. એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને ભય છે કે આ પ્રકારની જોગવાઇના કારણે યુકે આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ઘટાડો થશે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ દ્વારા ચીલાચાલુ યુનિવર્સિટીઓમાં ટૂંકાગાળાના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવીને ગ્રેજ્યુએટ વિઝા રાઉટનો દુરુપયોગ કરાય છે. આ યોજનાનો ઉપયોગ પાછલા દરવાજે યુકેમાં ઇમિગ્રેશન પ્રાપ્ત કરવા થાય છે. જોકે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની દલીલ છે કે બે વર્ષનો ગ્રેજ્યુએટ વિઝા પ્રોગ્રામ બ્રિટનના મુખ્ય પ્રતિસ્પર્ધી દેશોને સ્પર્ધા પૂરી પાડે છે. અમેરિકામાં ફક્ત એક વર્ષનો વર્ક વિઝા અપાય છે.
વડાપ્રધાન રિશી સુનાકે યુકેમાં આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સખ્યામાં ઘટાડો કરવા હોમ અને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ પાસેથી સૂચનો આમંત્રિત કર્યા હોવાનું મનાય છે. તે અંતર્ગત બંને વિભાગ દ્વારા પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યાં છે. ગયા સપ્તાહમાં જાહેર કરાયેલા આંકડા અનુસાર યુકેમાં હાલ 6,80,000 વિદેશી વિદ્યાર્થી છે.
બીજો પ્રસ્તાવ એ મૂકાયો છે કે પીએચડી જેવા ઉચ્ચ અભ્યાસક્રમો અથવા તો બે વર્ષ કરતાં વધુના સ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ લેનાર વિદેશી વિદ્યાર્થીઓને જ તેમના પરિવારના આશ્રિતને યુકેમાં આવવાની પરવાનગી આપવામાં આવે.


comments powered by Disqus