દિલ્હીઃ આર્થિક સંકળામણનો માર સહન કરી રહેલું પાકિસ્તાન તેની અવળચંડાઈને છોડી શક્યું નથી. નાપાક ઇરાદા સાથે પાકિસ્તાને સિંધુ જળસંધિના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, જેના પગલે ભારત દ્વારા પાકિસ્તાનને નોટિસ બજાવવામાં આવી છે.
ભારતે સિંધુ જળસંધિમાં સંશોધન માટે પાકિસ્તાનને નોટિસ બજાવી છે. આ સંધિ સપ્ટેમ્બર 1960માં કરવામાં આવી હતી, જેમાં ભારત અને પાકિસ્તાનના હસ્તાક્ષરની સાથે વર્લ્ડ બેન્કના હસ્તાક્ષર પણ છે. ભારત સરકારનું કહેવું છે કે ભારત પાકિસ્તાનની સાથે જળસંધિ અક્ષરશઃ લાગુ કરવા માટે સમર્થક અને જવાબદાર ભાગીદાર કરીતે કાયમથી રહ્યું છે, પરંતુ પાકિસ્તાનની કાર્યવાહીએ ભારતને જરૂરી નોટિસ બજાવવા માટે ફરજ પાડી છે.
ભારતે નોટિસમાં શું કહ્યું?
ભારતે નોટિસમાં કહ્યું છે કે, ‘ભારતે હંમેશાં સિંધુ જળ સમજૂતીને જવાબદારી સાથે લાગુ કરી છે, પરંતુ પાકિસ્તાનની કાર્યવાહીએ તેના નિયમો અને તેના અમલ પર પ્રતિકૂળ અસર પાડી છે. જેના કારણે ભારતને જળસંધિના સંશોધન માટે એક જરૂરી નોટિસ બજાવવી પડી છે.’
શું છે સિંધુ જળસંધિ?
ભારત અને પાકિસ્તાન વચ્ચે 19 સપ્ટેમ્બર 1960એ સિંધુ જળસંધિ પર હસ્તાક્ષર થયા હતા, જેમાં વિશ્વ બેન્કના પણ હસ્તાક્ષર છે. આ સમજૂતી હેઠળ બંને દેશ વચ્ચે સિંધુ અને તેની સહાયક નદીઓ દ્વારા પાણીની વહેંચણી કરવામાં આવે છે. આ સમજૂતીના નિયમો હેઠળ પૂર્વ ભાગની નદીઓ જેમ કે સતલુજ, બિયાસ અને રાવીનું લગભગ 33 બિલિયન એકર પાણીને ઉપયોગ માટે ભારતને ફાળવવામાં આવ્યું છે. તો પશ્ચિમી નદીઓ જેમ કે સિંધુ, ઝેલમ અને ચિનાબનું આશરે 135 મિલિયન એકર પાણી પાકિસ્તાનને ફાળવવામાં આવે છે.
હાલનાં વર્ષોમાં ભારતે ઘણી મહત્ત્વાકાંક્ષી સિંચાઈ યોજના અને અનેક અપસ્ટ્રીમ ડેમનું નિર્માણ કરવાની શરૂઆત કરી છે. પાકિસ્તાને 2015માં આ નિર્માણકાર્ય પર વાંધો ઉઠાવ્યો હતો, જેની સામે ભારતનું કહેવું હતું કે આ પ્રકારે પાણીનો ઉપયોગ પૂરી રીતે સંધિને અનુરૂપ જ કરવામાં આવે છે.
પાકિસ્તાનને મળે છે 80 ટકા પાણી
સિંધુ જળસંધી મુજબ ભારતને કેટલીક શરતો સાથે પશ્ચિમી નદીઓ પર ‘રન ઓફ ધ રિવર’ પરિયોજનાના માધ્યમથી વીજળી ઉત્પન્ન કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. સંધિ મુજબ પાકિસ્તાનને અંદાજિત 80 ટકા પાણીનો જથ્થો મળે છે. લગભગ 16 કરોડ એકર ફૂટ પાણીમાંથી આશરે 3.3 કરોડ એકર પાણી ભારતને પ્રાપ્ત થાય છે. તેમાં પણ ભારત માત્ર 90 ટકાથી થોડું વધુ પાણી જ ઉપયોગમાં લે છે.

