મેલબર્નઃ ખાલિસ્તાની સમર્થકો દ્વારા ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિરોની તોડફોડ બાદ હવે બ્રિસ્બેનમાં આવેલા ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર હુમલો કરી તેના પર ખાલિસ્તાની ઝંડો ફરકાવ્યો હતો. ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરની તાજેતરની ઓસ્ટ્રેલિયાની મુલાકાત દરમિયાન ભારતીય સમુદાયો પર વધતા હુમલા અંગે વ્યક્ત કરાયેલી ચિંતાના ગણતરીના દિવસોમાં ફરીથી ક્ટરવાદીઓએ આ હુમલો કર્યો છે.
સ્થાનિક અહેવાલો અનુસાર બ્રિસ્બેનના તારિંગા પરગણામાં આવેલી ભારતીય ઓનરરી કોન્સ્યુલેટ કચેરી પર ખાલિસ્તાની કટ્ટરવાદી સમર્થકોએ 21 ફેબ્રુઆરીની રાત્રે હુમલો કર્યો હતો. બ્રિસ્બેનમાં ભારતના વાણિજ્ય દૂત અર્ચનાસિંહ 22 ફેબ્રુઆરીએ સવારે દૂતાવાસ પહોંચ્યાં ત્યારે તેમણે તેની પર ખાલિસ્તાની ઝંડા લગાવેલા જોતાં જ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી ઝંડા દૂર કરી આરોપીઓની શોધખોળ આદરી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી સક્રિય બનેલા ખાલિસ્તાની કટ્ટરવાદીઓ દ્વારા કેનેડા, ઓસ્ટ્રેલિયા તથા બ્રિટન સહિતના દેશોમાં ભારતીય સમુદાયને ટાર્ગેટ બનાવીને હુમલા કરાઈ રહ્યા છે. આ ઉપરાંત હિન્દુઓનાં મંદિરો પર હુમલાની ઘટનાઓમાં પણ તાજેતરના સમયમાં ચિંતાજનક હદે વધારો નોંધાયો છે.

