કડવું સત્યઃ સંયુક્ત રાષ્ટ્ર મહાસત્તાઓની કઠપૂતળી સિવાય બીજું કશું નથી

Wednesday 01st March 2023 04:58 EST
 

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને એક વર્ષ પુરું થયું પરંતુ હજુ તેનો કોઇ અંત દેખાઇ રહ્યો નથી. આ યુદ્ધે યુક્રેનને બરબાદ કરી નાખ્યો છે તો સામે પક્ષે રશિયાને પણ મોટી ખુવારીનો સામનો કરવો પડ્યો છે. બંને દેશની યુવાપેઢી યુદ્ધની ગર્તામાં ધકેલાઇ ગઇ છે. સાથે સાથે વિશ્વમાં પણ નવી ધરીઓ સર્જાઇ રહી છે જે આગામી દાયકાઓ સુધી વૈશ્વિક રાજકારણ પર અસર કરશે. વિશ્વમાં અવતરતી નવી પેઢીઓને યુદ્ધથી બચાવવાના ઉદ્દેશ્યથી સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરાઇ હતી પરંતુ યુદ્ધોને અટકાવવામાં આ વૈશ્વિક સંસ્થા વામણી પૂરવાર થઇ રહી છે. વિશ્વના શક્તિશાળી દેશો સંયુક્ત રાષ્ટ્રનો કઠપૂતળીની જેમ ઉપયોગ કરી રહ્યાં છે તે એક નિર્વિવાદ બાબત છે. તાજેતરમાં જ સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો અંત લાવવા અને શાંતિ સ્થાપવા માટેનો ઠરાવ પસાર કરાયો પરંતુ આ ઠરાવની હાલમાં જારી યુદ્ધ પર કોઇ અસર થવાની નથી. 1946માં સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર પર હસ્તાક્ષર કરાયા બાદ વિશ્વમાં 250 જેટલા સશસ્ત્ર સંઘર્ષ થઇ ચૂક્યાં છે. ચાર્ટરમાં અલગ અલગ દેશોની પ્રજાઓ વચ્ચે સહઅસ્તિત્વને પ્રોત્સાહિત કરવા તમામ સભ્ય દેશોને અપીલ કરાઇ હતી જેથી શાંતિપૂર્ણ અને ભાઇચારો ધરાવતા સમાજોને ઉત્તેજન આપી શકાય. પરંતુ આ ચાર્ટર અસ્તિત્વમાં આવ્યાના 7 દાયકા પછી પણ વિશ્વમાં યુદ્ધો અટકાવી શકાયાં નથી. ચાર્ટરમાં તમામ પ્રકારની હિંસા અટકાવવાના લક્ષ્યાંક નક્કી કરાયાં હતાં. તેમ છતાં આજે 60 કરોડથી વધુ યુવાઓ હિંસાગ્રસ્ત અને યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં જીવન જીવવા મજબૂર છે. રાજકીય, ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ, આતંકવાદી હુમલા, યુદ્ધ સહિતના હિંસાના વિવિધ પ્રકારોથી પીડિત આ યુવાપેઢી આજે સત્તાધીશોના પાપે સામાજિક અને આર્થિક કિંમત ચૂકવી રહી છે. યુવાપેઢી યુદ્ધ, આતંકવાદ અને અન્ય હિંસામાં ધકેલાઇ રહી છે જેના કારણે સમગ્ર વિશ્વમાં સુરક્ષા અને સ્થિરતા સામે જોખમો સર્જાઇ રહ્યાં છે. વિશ્વમાં તમામ પ્રકારની હિંસા અટકાવવામાં સંયુક્ત રાષ્ટ્ર નિષ્ફળ રહ્યું છે. મહાસત્તાઓ તેમના હિતો સાધવા માટે વીટો પાવરનો ઉપયોગ કરીને પોતાની મરજી પ્રમાણેના નિર્ણયો વિશ્વ પર થોપી રહી છે અને સંયુક્ત રાષ્ટ્ર મોં વકાસીને મહાસત્તાઓના આ ખેલને નિહાળી રહ્યું છે. જ્યારે પણ વિશ્વમાં કોઇ યુદ્ધ લડાય છે ત્યારે સંયુક્ત રાષ્ટ્રમાં શાંતિની સ્થાપનાના ઠરાવ પસાર કરીને સંતોષ માની લેવામાં આવે છે. જો યુદ્ધમાં કોઇ મહાસત્તા સંડોવાયેલી હોય તો સંયુક્ત રાષ્ટ્ર પ્રેક્ષક ગેલેરીમાં બેસીને તમાશો જોયા સિવાય બીજું કશું કરી શક્તુ નથી. રશિયા અને યુક્રેન યુદ્ધ તેનું તાજું ઉદાહરણ છે. ભૂતકાળમાં પણ ખાડી યુદ્ધ, ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વિવાદમાં સંયુક્ત રાષ્ટ્રની નમાલી ભુમિકા આપણે જોઇ ચૂક્યાં છીએ. સંયુક્ત રાષ્ટ્ર મહાસત્તાઓની કઠપૂતળી સિવાય બીજું કશું જ નથી એ એક કડવું સત્ય છે.


comments powered by Disqus