નવી દિલ્હીઃ બ્રિટનના વિદેશપ્રધાન જેમ્સ ક્લેવરલીએ શુક્રવારે ભારતની જોરદાર પ્રશંસા કરી હતી. ક્લેવરલીએ ભારતને મળેલા જી-20 અધ્યક્ષપદ સહિતના મુદ્દે સ્પષ્ટ મંતવ્યો જાહેર કર્યાં હતાં. તેમણે કહ્યું કે, સમગ્ર વિશ્વ રશિયા-યુક્રેન યુદ્ધ, વૈશ્વિક ખાદ્યસામગ્રી સપ્લાયમાં આવેલા અવરોધ અને ચીન દ્વારા થતી રહેતી કાર્યવાહીનો સામનો કરી રહ્યું છે, તેવા સમયે ભારત જી-20નું અધ્યક્ષપદ સંભાળી રહ્યું છે. આવા સમયે જી-20નું અધ્યક્ષપદ હાંસલ કરવું ખૂબ મહત્ત્વપૂર્ણ છે.
ક્લેવરલીએ કહ્યું કે, આગામી સપ્તાહે દિલ્હીમાં યોજાનારી જી-20ના વિદેશપ્રધાનોની બેઠકમાં ભાગ લેવા તેઓ દિલ્હી આવશે. ‘ભારત માત્ર આર્થિક સમૃદ્ધિ જ નહીં પણ રાજદ્વારી પ્રભાવ ધરાવતો મહત્ત્વપૂર્ણ દેશ છે. આ વર્ષમાં વિશ્વ યુક્રેન સંઘર્ષ જ નથી જોઈ રહ્યું, પરંતુ સમગ્ર વિશ્વ ખાદ્યસામગ્રીની અછતનો પણ સામનો કરી રહ્યું છે. ચીન દ્વારા થતી કાર્યવાહીને પણ વિશ્વ જોઈ રહ્યું છે. આવા મહત્ત્વના સમયે ભારત જી-20નું અધ્યક્ષપદ સંભાળી રહ્યું છે.’
દ્વિપક્ષીય ચર્ચા માટે પ્રયાસ કરશે બ્રિટિશ વિદેશ પ્રધાન
ભારત સાથે દ્વિપક્ષીય વાટાઘાટોને મુદ્દે જવાબ આપતાં ક્લેવરલીએ કહ્યું હતું કે, ‘યજમાનના રૂપમાં ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકર હાલમાં ખૂબ વ્યસ્ત છે, પરંતુ હું અમારા સંબંધોનો દુરુપયોગ કરીને તે સુનિશ્ચિત કરવા પ્રયાસ કરીશ કે ભારત-બ્રિટન દ્વિપક્ષીય વાટાઘાટો પણ યોજાય.’ હળવી મજાક કરતાં તેમણે કહ્યું હતું કે, બની શકે છે કે અમને ક્રિકેટ વિશે વાત કરવાની તક પણ મળી જશે.

