વસુધૈવ કુટુંબકમની સંસ્કૃતિ ભારતને વૈશ્વિક નેતૃત્વનો પ્રબળ દાવેદાર બનાવી રહી છે

Wednesday 01st March 2023 04:56 EST
 

સમગ્ર વિશ્વમાં હાલ એક પ્રકારની અંધાધૂંધી પ્રવર્તી રહી છે. વિશ્વ આજે એક ચૌરાહા પર આવીને ઊભું છે અને કઇ દિશામાં જવું તે નક્કી કરી શક્તું નથી. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધે દુનિયાને વધુ એક વિશ્વયુદ્ધના આરે તો લાવી જ દીધી છે તેની સાથે સાથે ભૂખમરો, ખાદ્યાન્નની અછત, મોંઘવારી વિકરાળ બની છે. આવા કપરા સમયમાં વિશ્વના સૌથી અમીર અને ઔદ્યોગિક દેશોના સંગઠન જી-20નું નેતૃત્વ ભારતને સોંપાયું છે. વિકસિત દેશોની આર્થિક સમસ્યાઓએ સમગ્ર વિશ્વમાં ફુગાવાને નિરંકુશ બનાવી દીધો છે. તેમની મધ્યસ્થ બેન્કો ફુગાવા સામે લડવા વ્યાજદરોમાં સતત વધારો કરી રહી છે. પશ્ચિમના અર્થતંત્રો મંદીમાં ધકેલાઇ જવાના જોખમોનો સામનો કરી રહ્યાં છે. રશિયા અને યુક્રેનના યુદ્ધના કારણે વિશ્વભરમાં પ્રવર્તતા તણાવે સપ્લાય ચેઇનો ખોરવી નાખતાં વૈશ્વિક અનિશ્ચિતતાઓમાં વધારો કર્યો છે. આવા સમયમાં વિશ્વની કુલ વસતીના 67 ટકા વસતી ધરાવતા અને વિશ્વના કુલ જીડીપીનો 85 ટકા હિસ્સો ધરાવતા દેશોના સંગઠન જી-20ની અધ્યક્ષતા ભારતના હિસ્સે આવી છે. ભારત આજે કોરોના મહામારી, યુદ્ધ, આતંકવાદ, ગરીબી અને ક્લાઇમેટ ક્રાઇસિસથી ઘેરાયેલા વિશ્વને નેતૃત્વ પુરું પાડવાની ક્ષમતા ધરાવે છે. ભારતીય સંસ્કૃતિની વસુધૈવ કુટુંબકમની ભાવના ભારતને વિશ્વને શાંતિના માર્ગે દોરી જવાનો નૈતિક અધિકાર પણ આપે છે. આંતરરાષ્ટ્રીય સમુદાયના એક શક્તિશાળી સભ્ય તરીકે ભારત આ જવાબદારી સારી રીતે નિભાવી શકે છે. કોરોના મહામારીમાં એક પછી એક આવી રહેલા કોવિડ વેવ સામે લડી રહેલાં દેશોને ભારત દ્વારા મહામૂલી મેડિકલ સહાય પૂરી પાડવામાં આવી. ભારતે ઘરઆંગણે તેની જનતાને વેક્સિન આપવાની સાથે અન્ય દેશોને પણ લાખો કોવિડ ડોઝ ઉપલબ્ધ કરાવ્યાં. ભારત ન કેવળ તેની જનતાને બચાવવામાં સફળ રહ્યો પરંતુ મહામારી સામે બચાવ માટે માનવતાને મોટા આશા પૂરી પાડી હતી. ભારતની ઘરઆંગણાની કોવિડ નીતિ અને વેક્સિન ડિપ્લોમસીની વિશ્વભરમાં પ્રશંસા કરાઇ હતી. ભારતને ફાર્મસી ઓફ વર્લ્ડ તરીકે ઓળખવામાં આવે છે. દવાઓના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે આવે છે અને 200 કરતાં વધુ દેશોમાં દવાની નિકાસ કરે છે. કોરોના મહામારી દરમિયાન ભારતની હકારાત્મક ભુમિકાએ તેની વિશ્વસનિયતા અને પ્રતિષ્ઠામાં ઘણો વધારો કર્યો છે. મેડિકલ અને ફૂડ સપ્લાયના કારણે ભારત વૈશ્વિક નેતૃત્વ કરવા માટે વધુ મજબૂત બનીને ઉભરી આવ્યો છે. 18મી સદીના પ્રારંભે વિશ્વના જીડીપીમાં ભારતનો હિસ્સો 25 ટકા હતો. તે સમયે ભારત વૈશ્વિક અર્થતંત્રનું નેતૃત્વ કરી રહ્યો હતો. ત્યારબાદ ક્યારેય ભારત આ સ્તરે પહોંચી શક્યો નહોતો પરંતુ હવે ભારત તેનું ભૂતકાળનું ગૌરવ પાછું મેળવવાની દિશામાં આગળ વધી રહ્યો છે. આજે મોટાભાગના વિકસિત દેશો મંદીનો સામનો કરી રહ્યાં છે ત્યારે ભારતીય અર્થતંત્ર 2022-23માં 7 ટકાના દરે વિકાસ કરે તેવો અંદાજ છે. ભારતમાં રહેલી કુશળતા અને સરકારની નીતિઓના કારણે આગામી સમયમાં ભારત ઇકોનોમિક જાયન્ટ બની રહ્યો છે. મોર્ગન સ્ટેન્લીના એક અંદાજ પ્રમાણે 2027 સુધીમાં ભારતનો જીડીપી વિશ્વમાં ત્રીજા ક્રમે 8.5 ટ્રિલિયન ડોલર પર પહોંચી જશે. હાલ ભારતનો જીડીપી 3.4 ટ્રિલિયન ડોલર છે. એક અંદાજ પ્રમાણએ આગામી 25 વર્ષમાં ભારતીય અર્થતંત્ર 40 ટ્રિલિયન ડોલરને વટાવી જશે. આમ ભારત વિશ્વને નેતૃત્વ પુરું પાડવામાં સંપુર્ણ સક્ષમ બની ગયો છે. જી-20ની અધ્યક્ષતા ભારતને વિશ્વગુરૂ બનાવવાની દિશામાં મહત્વનું કદમ પૂરવાર થશે.


comments powered by Disqus