‘સિંધુ કેસરી’ સબમરિન પહોંચી ઈન્ડોનેશિયાઃ ચીનને દુઃખાવો

Wednesday 01st March 2023 05:59 EST
 
 

નવી દિલ્હીઃ દક્ષિણ ચીન સમુદ્રમાં ચીન અને ઇન્ડોનેશિયા વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે પહેલીવાર ભારતીય સબમરિન સિંધુ કેસરી ઇન્ડોનેશિયા પહોંચી છે. ઇન્ડોનેશિયા દક્ષિણ ચીન સાગરમાં ચીન સાથે અન્ય આસિયાન દેશોની જેમ વિવાદમાં ફસાયું છે, જેથી ઈન્ડોનેશિયામાં ભારતીય સબમરિન પહોંચ્યાનું જાણી ચીનના પેટમાં ચૂંક ઉપડી છે.
3 હજાર ટન ડીઝલ – ઇલેક્ટ્રિક સબમરિન આઈએનએસ સિંધુ કેસરી બુધવારે સુંડા જલડમરુ મધ્યને પાર કરીને પોતાના પહેલાં પરિચાલન ટર્ન અરાઉન્ડ અંતર્ગત જકાર્તા પહોંચી હતી. નેવી અધિકારીઓના અનુસાર ભારતીય યુદ્ધજહાજો છાશવારે ઈન્ડોનેશિયા અને આસિયાન દેશોની મુલાકાત લે છે. પહેલીવાર ખતરનાક હથિયારોથી સજજ કોઈ ભારતીય સબમરિને દક્ષિણ ચીન સાગરમાં આટલું લાંબું અંતર કાપ્યું છે. નિષ્ણાતો અનુસાર ભારતીય સબમરિન સિંધુ કેસરી ઈન્ડોનેશિયા પહોંચ્યા બાદ ચીન સાથે વિવાદમાં સપડાયેલા અન્ય દેશો તાઇવાન, મલેશિયા, ફિલિપાઇન્સ અને વિયેતનામ સાથે ભારતીય સબમરિન અંગે સોદાના દરવાજા ખૂલશે.
ભારત આફ્રિકી અને ખાડી દેશો સાથે વેપાર સંબંધો વધારી રહ્યું છે. ઉપરાંત સૈન્ય યુદ્ધ અભ્યાસ પણ કરે છે. ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે રણનીતિક અને સૈન્ય સહકાર વધ્યો છે. 2018માં વડાપ્રધાન મોદીએ ઈન્ડોનેશિયાની મુલાકાત લીધી હતી.


comments powered by Disqus