તેલઅવીવઃ ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધના 25મા દિવસ ઇઝરાયલી સેનાએ કહ્યું હતું કે, ઇઝરાયલના હુમલામાં હમાસનો મુખ્ય લીડર નસીમ અબુ અજીના માર્યો ગયો છે. સોમવારે રાત્રે તેમણે હમાસના 300 સ્થળને નિશાન બનાવ્યાં, જેમાં એન્ટિ ટેન્ક મિસાઇલ અને રોકેટ લોન્ચિંગ સાઇટ્સ, મિલિટરી કમ્પાઉન્ડ અને ગ્રાઉન્ડની નીચે બનેલી ટનલોનો સમાવેશ થાય છે.
હમાસે બંધકોનો એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં ઇઝરાયલની મહિલા કહી રહી છે કે, બેન્જામિન નેતન્યાહુ લોકોની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહ્યા છે. તેમણે મુક્તિ માટે પ્રિઝનર સ્વેપના પ્રસ્તાવને સ્વીકારવાની અપીલ કરી છે.
ઈઝરાયલ સ્પોન્જ બોમ્બનો ઉપયોગ કરશે
ઇનોવેટિવ હથિયારો બનાવવા માટે જાણીતા ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં હાજર હમાસના આતંકીઓની સુરંગોને બંધ કરવા માટે એક નવું જ હથિયાર શોધી કાઢ્યું છે. આ એક ખાસ પ્રકારનો સ્પોન્જ બોમ્બ છે, જેના વિસ્ફોટથી કોઈ અગનજ્વાળા નથી ફેલાતી પણ મોટા પ્રમાણમાં કેમિકલ ફીણ નીકળે છે. આ ફીણ પછીથી એક પથ્થરમાં ફેરવાઈ જાય છે.

