નવી દિલ્હીઃ કતાર કોર્ટ દ્વારા 8 પૂર્વ ભારતીય નેવી ઓફિસરને મોતની સજા સંભળાવી છે. ઉલ્લેખનીય છે કે ગતવર્ષે ભારતીય નેવીના 8 પૂર્વ ઓફિસરને ઝડપ્યા હતા અને તેમના પર જાસૂસીનો આરોપ લગાવ્યો હતો. આ તમામ લોકો કતારની એક ખાનગી કંપની દહરા ગ્લોબલ ટેક્નોલોજી અને કન્સલ્ટન્સીઝ સર્વિસમાં કામ કરી રહ્યા હતા, જે કતાર એમિરી નેવીને ટ્રેનિંગ અને અન્ય સેવાઓ પૂરી પાડતી હતી.
કતારની કોર્ટ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય અંગે ભારત સરકાર દ્વારા આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવ્યું. ભારત સરકારે 26 ઓક્ટોબરે નિવેદન આપ્યું કે, કતારમાં ફસાયેલા ભારતીય નાગરિકોની મુક્તિને સુનિશ્ચિત કરવા માટે તમામ કાયદાકીય વિકલ્પો અપનાવવામાં આવશે. અમે કોર્ટના નિર્ણયની ડિટેઇલ કોપીની રાહ જોઈ રહ્યા છીએ. અમે પરિવારના સભ્ય અને કાયદાકીય ટીમના પણ સંપર્કમાં છીએ.
પીડિત પરિવારને મદદની ખાતરી
વિદેશમંત્રી એસ. જયશંકરે સોમવારે કતારમાં ફાંસીની સજાનો સામનો કરી રહેલા નૌકાદળના 8 ભૂતપૂર્વ કર્મચારીના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન જયશંકરે જણાવ્યું કે, તેમની સજા રોકવા માટે ભારત સરકાર પ્રયત્નશીલ છે.
વિદેશમંત્રીએ જણાવ્યું કે, નૌકાદળના કર્મચારીઓના પરિવારની ચિંતા અને દર્દનો તેઓ પણ અનુભવ કરી રહ્યા છે. આ સાથે જ ભારત સરકાર તેમની મુક્તિ માટે તમામ પ્રયત્નો કરી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું આ તમામની ગયા વર્ષે ઓગસ્ટમાં જાસૂસીના કથિત કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

