માટી તો મારા દેશની.. પણ, તેનો અવાજ વધુ નરવો બનાવવો હોય તો..

- વિષ્ણુ પંડ્યા Wednesday 01st November 2023 10:04 EDT
 
 

સવાલ મહત્વનો એ છે કે આવા અનોખા કાર્યક્ર્મને ખરેખર ભારતના ઇતિહાસનો અવાજ બનાવવો હોય તો બીજું કૈંક ઉમેરવું જોઈતું હતું, વડાપ્રધાને આ ભવ્ય પર્વની ઘોષણા કરી ત્યારે તેમના મનમાં પણ ખ્યાલ તો એજ હતો કે જ્યાંથી માટી લેવામાં આવે ત્યાં તેનો એક ઇતિહાસ પડ્યો હોય છે, તેનો એહસાસ કરવો. 30મીએ ગુજરાતમાં માટીના કળશ લઈને નાગરિકો અમદાવાદ આવ્યા અને રિવર ફ્રન્ટ પર મોટો કાર્યક્રમ કર્યો, અહીથી આ કાર્યકર્તાઓ દિલ્હી પહોંચ્યા. બીજા પ્રદેશોમાથી પણ આવી કળશ યાત્રા થઈ અને ગઇકાલે 31મીએ દેશભરના લોકો દિલ્હીમાં એકત્રિત થયા, શહીદોને વંદના કરી. સાચે જ આવી ભારત-વંદનાનો સંબંધ ઘણા વર્ષો પહેલાની “જાગૃતિ” ફિલ્મના આદર્શ શિક્ષકે ગાયેલા ગીત “ઇસ મિટ્ટીસે તિલક કરો, યે ધરતી હૈ બલિદાન કી!” સાથે બંધાયેલો છે.
 બીજા પ્રદેશોની ઉજવણી કેવી હશે તેના અહેવાલો આવ્યા નથી અથવા એકાદ બે ફકરામા છ્પાયા હશે. ગુજરાતમાં સાબરમતીના તીરે જે કાર્યક્રમ થયો, તેમાં સ્વાભાવિક રીતે ગુજરાતનાં રાજકીય મોવડીઓએ ભાષણો કર્યા, સાંસ્કૃતિક કાર્યક્ર્મ માત્ર વ્યાવસાયિક બની જાય ત્યારે તેમાથી મનોરંજન તો મળે, પણ સ્પિરિટનો અભાવ જ હોય, તેવું બન્યું. આટલા મોટા ખર્ચે જ્યારે આવો અનોખો અને ઉદ્દાત કાર્યક્ર્મ થતો હોય ત્યારે તેને વધુ સાર્થક બનાવવાની જરૂર રહે તેને માટે ઇતિહાસના શરણે જ્વું જોઈએ. જ્યાંથી માટી એકત્રિત કરવામાં આવી તે માટીની પાછળનો જ્વલંત બલિદાની ઇતિહાસથી તે કાર્યકર્તાઓને પરિચિત બનાવ્યા હતા ખરા?
 ગુજરાતમાં એવા 101 સ્થાનો છે, જ્યાં દેશ માટે પોતાની જિંદગીને સમાપ્ત કરનારા ક્રાંતિકારોની જન્મ-કર્મ ભૂમિ હતી ત્યાંથી માટી એકત્રિત તો થઈ હશે પણ એ ઉત્સાહમાં એહસાસ ઉમેરવા માટે સ્થાનિક કક્ષાએ કોઈ કાર્યક્રમો કર્યા કે તેની જાણ નથી. નરેંદ્ર મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરી, પહેલી મે એમ ટીઆરએન દિવસો ગુજરાતનાં કોઈ પસંદ કરવામાં આવેલા સ્થાને રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવતી. તેની આસપાસનું આખું સપ્તાહ તે સ્થાનોના પ્રજાકીય વિકાસની યોજનાઓના અમલીકરણ અને શરૂઆત કરવા માટે થતી. બિસ્માર રસ્તાઓ નવા બની રહેતા. આની સાથે આ દિવસોની પૂર્વ સંધ્યાએ એક ભવ્ય મેગા ઈવેન્ટ શો થતો, તેમાં સ્થાનિક ઈતિહાસને કેન્દ્રમાં રાખીને ગીત,સંગીત, લોકસાહિત્ય, નૃત્ય, નાટકનો સુમેળ મંચ પર સર્જાતો. તે સમયે સ્વયં મુખ્યમંત્રી અને રાજયપાલની ઉપસ્થિતિ રહેતી અને તે સ્થાનોના વિવિધ ક્ષેત્રોમાં પ્રદાન કરનારાઓનું સન્માન કરવામાં આવતું. મેગા ઈવેન્ટ શો નિહાળવા 20, 25 હજાર નાગરિકો ઉમટતા. આવા 45 જેટલા સ્થાનો પરની ઉજવણીનો અંદાજ કરવામાં આવે તો 18થી 20 લાખ જેટલી પ્રજાએ પોતાના ઈતિહાસને અનુભવ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી અનેક કારણોસર તેવું પ્રેરક આયોજન થતું નથી.
 મેરા દેશ, મેરી માટી જેવા ભાવનાશીલ કાર્યક્ર્મને ગુજરાતમાં આવા ઇતિહાસ સાથે જોડી દેવો જોઈએ. એક આયોજકને મે પુછ્યું હતું કે સાવ નજીક વડોદરાથી માટી આવી જ હશે. અહી વડોદરા રેલ્વે સ્ટેશન પર ભારતમાતા વિષે ઘોષણા કરતું સાહિત્ય “કાલી ધ મધર” અને “ભવાની મંદિર” રચનારા બે તેજસ્વી પાત્રો-શ્રી અરવિંદ ઘોષ અને ભગિની નિવેદિતા -નું મિલન થયું હતું, અને 1857ના સ્વાતંત્ર્ય સમરની ગુજરાતમાં શરૂઆત અહીથી થઈ હતી તેના નિહાલચંદ જેવા ફાંસીએ ચડ્યા હતા. વડોદરાથી અમદાવાદ આવતા આણંદમાં ગરબડદાસ મુખી નામે તાજો પરણેલો યુવાન બ્રિટિશ છાવણીપર તૂટી પડ્યો તેને આંદામાનની કાળકોટડીની સજા થઈ હતી તે ક્યારેય પાછો ફર્યો નહીં. આણંદથી આગળ મહીસાગર નદીના અંતરિયાળ ગમે “ફાંસિયા વડ” પર 250 ગ્રામજનોને અંગ્રેજોએ ડાળી પર લટકાવીને મારી નાખ્યા હતા, કેમકે તે બધાએ તાત્યા ટોપેને પશ્ચિમ ભારતમાં સંગ્રામ જગાવવા મદદ કર્યાની શંકા હતી. વીજાપુર નજીકના સમૌ ગામે મગનલાલ ભૂખણ નામના વણિકે વ્યાવસાયિક સેના ઊભી કરીને સ્વાતંત્ર્ય જંગ આગળ ધપાવ્યો હતો, તેને અને જેઠા માધવજીને અહી ફાંસી આપવામાં આવી તે પ્રાથમિક શાળાના મકાનના મેદાનમાં તેમની ખાંભી ઊભી છે. હમણાં ગૃહમંત્રી અમિત શાહ ત્યાં જઈને વંદન કરી આવ્યા. અહી ત્રણને તોપના ગોળે ઉડાવી દેવામાં આવ્યા. ત્રણને ફાંસી મળી. બીજા બધાને આજીવન સજા.
 1857ના નવ ક્રાંતિકારોને આંદામાનમાં કાળા પાણીની સજા થઈ તે અલગ અલગ સ્થાનના હતા. આમાં ગરબડ દાસ આણંદનો. ટોકરા સ્વામિ દ્વારિકાનો. શંભુ દૌલત ઓખાનો, ગણેશ કૃષ્ણ પણ દ્વારિકાનો. નારાયણ લક્ષ્મીરામ વ્યાસ અમદાવાદનો વિઠ્ઠલ મંદિરનો પૂજારી. મોતી ત્રિકમ જાની કડીનો રહેવાસી.પ્રાણ શંકર હરિનારાયણ વડોદરાનો. રસુલખાન અમદાવાદનો. રામ ભટ્ટ વડોદરાનો. અનોપરામ મિયાગામ કરજણનો. ઢોલકનો હૈદર ખાન… આ બધાને સજા થઈ. નવ વીરો આંદામાંથી ક્યારેય પાછા વળી શક્ય નહિ. વડોદરામાં 29 માર્ચ, 1865ના આ મુક્દ્દ્મો ચાલ્યો હતો. 30 આરોપી હતા, એકાદ બે ને બાદ કરતાં બધાને સજા થઈ. આજના આંદોલન કે ધરણાં જેવી નહીં, પગમાં દંડાબેડી અને સખત મજૂરીની સજા. આ 30 ગામોની માટીનો અવાજ કેવો હશે?
 આવા સ્વાતંત્ર્ય-કર્મની સાથે જોડાયેલા 101 સ્થાનો છે. બીજા 25 સત્યાગ્રહોના છે. જ્યાં એક સત્યાગહમાં ઝવેરચંદ મેઘાણીને સજા થઈ તે ધંધુકાની કોર્ટનો લીમડો હજુ યાદ કરે છે કે પિંજરમાં ઊભા રહીને કવિએ “હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ” ગાયું ત્યારે મેજીસ્ટ્રેટની આંખોમાં પણ આંસુ હતા. થોડેક દૂર રાણપુર છે, જ્યાં અમૃતલાલ શેઠ અને ઝવેરચંદ મેઘાણીનું “સૌરાષ્ટ્ર” સાપ્તાહિક આંધીની જેમ તૈયાર થતું. અરે, ભાવનગર નજીકના ઉમરાળામાં જન્મેલા કૃષ્ણલાલ શ્રીધરાણી છેક અમેરિકા પહોંચીને “વોઇસ ઓફ ઈન્ડિયા” ચલાવતા. આવું જ પોરબંદરના છગન ખેરાજ વર્માનું સાનફ્રાન્સિસ્કોથી “ગદર” અખબાર ચાલતું, 1914માં. આને સિંગાપુરમાં ફાંસી મળી હતી. ગુજરાતનો એકમાત્ર પત્રકાર જેને આઝાદીની લડાઈમાં ફાંસી મળી હોય.
મારી, આપણી માટીની આ અપરિચિત કથાઓથી કળશ લઈને જતાં કાર્યકર્તાઓને પરિચિત બનાવ્યા હોત તો......


comments powered by Disqus