જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અભિન્ન અંગઃ દુશ્મન દેશોને યુએનમાં ભારતનો સણસણતો જવાબ

Wednesday 03rd May 2023 07:42 EDT
 
 

ન્યૂયોર્કઃ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશનના કાઉન્સેલર પ્રતીક માથુરે કાશ્મીર-લદ્દાખ પર પાકિસ્તાન અને ચીન પર નિશાન સાધ્યું છે. બુધવારે ભારતે તેના વલણને પુનરાવર્તિત કર્યું કે, જમ્મુ - કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશો ભારતનો અભિન્ન ભાગ છે અને રહેશે. યુએનજીઓ પ્લેનરીઃ યુઝ ઓફ ધ વિટોને સંબોધતાં તેમણે કહ્યું કે, કોઈપણ દેશ ગમે તેટલી ખોટી માહિતી, રેટરિક અને પ્રચાર કરે તે આ હકીકતને નકારી શકે નહીં.
કાઉન્સેલર પ્રતીક માથુરે જણાવ્યું હતું કે યુએનજીઓએ 'વિટો પહેલ' અપનાવ્યાને એક વર્ષ વીતી ગયું છે. UNGAએ 2008માં સંમતિ આપી હતી કે વિટો સહિત UNSC સુધારાનાં તમામ પાંચ પાસાંનો નિર્ણય વ્યાપક રીતે લેવામાં આવશે. યુએનએસસીમાં સુધારા માટે પોતાનું સમર્થન વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, વિટો પર ભારતની સ્થિતિ સ્પષ્ટ છે. તમને જણાવી દઈએ કે, ભારત અને ઘણા આફ્રિકન અને એશિયાઈ દેશો ઘણાં વર્ષોથી સંયુક્ત રાષ્ટ્ર પર વિટો સુધારા માટે દબાણ કરી રહ્યા છે.
વિટો પર ભારતનું વલણ
પ્રતીક માથુરે કહ્યું કે, વિટોનો ઉપયોગ કરવાનો વિશેષાધિકાર માત્ર પાંચ સભ્યોને જ આપવામાં આવ્યો છે. તે સમાનતાના ખ્યાલની વિરુદ્ધ છે. તેમજ બીજા વિશ્વયુદ્ધની માનસિકતા જાળવી રાખે છે. તેમણે કહ્યું કે, તમામ દેશો સાથે મતદાનના અધિકારની બાબતમાં સમાન વ્યવહાર થવો જોઈએ અથવા નવા સ્થાયી સભ્યોને પણ વિટો આપવો જોઈએ. વિટોનો ઉપયોગ નૈતિક જવાબદારીથી નહીં રાજકીય વિચારણાથી પ્રેરિત છે.


comments powered by Disqus