પાડાના વાંકે પખાલીને ડામ, ન્યાયની સૌથી મોટી કસુવાવડ

Wednesday 03rd May 2023 05:55 EDT
 

પાડાના વાંકે પખાલીને ડામ તે આનું નામ... બ્રિટિશ પોસ્ટ ઓફિસમાં પોતાના જ કર્મચારીઓને વગર વિચારે જે રીતે ડામ અપાયાં તે મામલો બ્રિટિશ ઇતિહાસમાં ન્યાયની સૌથી મોટી કસુવાવડ બની રહ્યો છે. છેલ્લા 15 કરતાં વધુ વર્ષથી સેંકડો સબ પોસ્ટમાસ્ટરો ફ્રોડના ખોટા આરોપોનો સામનો કરતાં રહ્યાં હતાં. હોરાઇઝન કોમ્પ્યુટર સિસ્ટમમાં રહેલી ખામીના ડામ સેંકડો નિર્દોષ કર્મચારીઓને વર્ષો સુધી વેઠવા પડ્યાં. ઘણા કમચારીઓને પોતાની નોકરી ગુમાવવી પડી, ઘણાએ ઘર અને પરિવાર ગુમાવી દીધાં, ઘણાને જેલયાત્રા પણ કરવી પડી. હવે પીડિતોને વળતર આપવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા પીડિતોને વળતર ચૂકવવા માટે 1 બિલિયન પાઉન્ડની ફાળવણી કરાઇ છે પરંતુ કાયદાકિય જટિલતા અને વિલંબને કારણે પીડિતોને તેમના જીવનકાળમાં વળતર ચૂકવી શકાતું નથી. ન્યાય અને વળતર મળે તે પહેલાં જ સંખ્યાબંધ કર્મચારીઓ દુનિયાને અલવિદા કહી ચૂક્યાં છે. અત્યાર સુધીમાં ખોટા આરોપોના કારણે પરેશાન કરાયેલા પોસ્ટ માસ્ટરોને ફક્ત 18 મિલિયન પાઉન્ડ જેટલું જ વળતર ચૂકવાયું છે. તેમાંના મોટાભાગનાને વચગાળાનું જ વળતર મળ્યું છે જ્યારે ફક્ત 4ને પૂરેપૂરું વળતર ચૂકવાયું છે. એક ટેકનિકલ ખામીના કારણે સેંકડો પરિવાર બરબાદ થઇ ગયાં તે માટે જવાબદાર કોણ? બ્રિટિશ પોસ્ટમાં ઉચ્ચ હોદ્દાઓ પર બેઠેલા અધિકારીઓની કોઇ જવાબદારી કેમ નિર્ધારિત કરાતી નથી? આ એવા લોકોની વાત છે જેઓ ઉચ્ચ હોદ્દાઓ પર આરૂઢ તો થઇ ગયાં છે પરંતુ પોતાની ફરજ પ્રમાણિકતા અને જવાબદારીથી નિભાવી રહ્યાં નથી. આ અધિકારીઓ હોરાઇઝન કોમ્પ્યુટર સિસ્ટમમાં ખામી છે કે કેમ તે અંગે વિચારણા કરી શક્યાં હોત. ટેકનોલોજીએ માનવીના કાર્યક્ષેત્રોને ઘણા સરળ બનાવ્યાં છે પરંતુ તેના પર આંધળો વિશ્વાસ કરવો કેટલા અંશે યોગ્ય છે? નેશનલ ઓડિટ ઓફિસ વારંવાર ધ્યાન દોરી ચૂકી છે કે કોઇપણ પ્રકારની વ્યક્તિગત જવાબદારી અથવા તો ડિજિટલ કુશળતા વિના ઉચ્ચ અધિકારીઓ દ્વારા નવી ટેકનોલોજી થોપી દેવાતી હોય છે. બ્રિટિશ પોસ્ટના પીડિત કર્મચારીઓના જીવનો બરબાદ કરી નાખવા માટે હજુ સુધી કોઇ ટોચના અધિકારીઓ સામે પગલાં લેવાઇ રહ્યાં નથી. સાથે સાથે તેમને વળતર ચૂકવવામાં થઇ રહેલો વિલંબ અક્ષમ્ય અપરાધ પૂરવાર થઇ રહ્યો છે.


comments powered by Disqus