ભારત અને ચીન પરસ્પર સંમતિથી લદ્દાખ વિવાદ ઉકેલવા તૈયાર

Wednesday 03rd May 2023 07:36 EDT
 
 

નવી દિલ્હીઃ લદ્દાખ સરહદે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે ભારત અને ચીને પરસ્પર સ્વીકૃત ઉકેલ માટે સંમતિ દર્શાવી છે. રવિવારે લશ્કરી અધિકારીની વાટાઘાટ પછી બંને દેશો વહેલી તકે લદ્દાખ સંબંધી બાકી રહેલા મુદ્દાનો એકબીજાને સ્વીકાર્ય હોય એવો ઉકેલ લાવવા તૈયાર થયા છે. જો કે ત્રણ વર્ષથી ચાલતો સરહદી વિવાદ પૂરો કરવામાં પ્રગતિ અંગે કોઈ સ્પષ્ટ સંકેત અપાયો નથી. ચીનના સંરક્ષણ મંત્રી લિ શંગફુની 27 અને 28 એપ્રિલની ભારત મુલાકાત પહેલાં રવિવારે કોર્પ્સ કમાન્ડર સ્તરની વાટાઘાટનો 18મો રાઉન્ડ યોજાયો હતો. શંગફુ શાંઘાઈ SCOની બેઠકમાં ભાગ લેશે ત્યારે વિદેશ મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે, બંને પક્ષ વચ્ચે પશ્ચિમ સરહદે વાસ્તવિક નિયંત્રણ રેખાના મુદ્દાઓને ઉકેલવા સ્પષ્ટ અને સઘન ચર્ચા થઈ હતી. બંને પક્ષ સઘન સંપર્ક તેમજ લશ્કરી અને રાજદ્વારી માધ્યમો દ્વારા સંવાદ ચાલુ રાખવા સંમત થયા હતા. તેમણે વહેલી તકે બાકી મુદ્દાનો પરસ્પર સ્વીકાર્ય એવો ઉકેલ લાવવા સંમતિ દર્શાવી હતી.
લશ્કરી અધિકારીઓ વચ્ચે ચુશુલ-મોલ્ડો સરહદે પૂર્વ લદ્દાખમાં ચીન તરફથી વાસ્તવિક નિયંત્રણ રેખાના સ્થળે બેઠક થઈ હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, બંને પક્ષ વચ્ચે પશ્ચિમ સરહદે વાસ્તવિક નિયંત્રણ રેખાના મુદ્દાઓને ઉકેલવા ચર્ચા થઈ હતી, જેથી સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા પુન: સ્થાપિત કરી શકાય. બંને દેશના નેતાઓના નિર્દેશ મુજબ અને માર્ચ 2023માં ભારત-ચીનના વિદેશમંત્રી વચ્ચેની બેઠકમાં થયેલી વિચારોની આપ-લેના આધારે મુક્ત મને વાતચીત થઈ હતી. બંને પક્ષ પશ્ચિમ સરહદે સુરક્ષા
અને સ્થિરતા જાળવવા સંમત થયા છે.


comments powered by Disqus