નવી દિલ્હીઃ વૈશ્વિક દૃષ્ટિએ દબદબો કાયમ કરવા ચીન ગમે તે કરી શકે છે, તેનો પુરાવો હાલમાં જ દેશે નિહાળ્યો. 12 ઓક્ટોબર 2020એ મુંબઈમાં અચાનક પાવર કટ થઈ ગયો, જેનાથી અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો, તો હોસ્પિટલોમાં વેન્ટિલેટર ચલાવવા માટે ઇમર્જન્સી જનરેટર ચલાવવાં પડ્યાં. હદ તો ત્યાં થઈ જ્યારે આ પાવર કટથી શેરબજારો બંધ થઈ ગયાં. આ પાવર કટ છેલ્લા કેટલાય દશકાઓમાં સૌથી મોટો પાવર આઉટેજ હતો. વાસ્તવમાં આ કોઈ ખામીને કારણે નહોતું થયું, પરંતુ ચીનના હેકર્સની સેનાએ પાવર ગ્રીડને હેક કર્યું હતું.
હવે ચીન આનાથી પણ બે ડગલાં આગળ વિચારી રહ્યું છે. યુદ્ધ દરમિયાન ચીન ભારત જેવા દુશ્મન દેશોના ઉપગ્રહોને સીઝ કરીને નાશ કરવાની ટેક્નોલોજી પર કામ કરી રહ્યું છે. અમેરિકાના લીક થયેલા ગુપ્તચર દસ્તાવેજમાં આ વાતનો ખુલાસો થયો છે.
અમેરિકાના લીક થયેલા ઈન્ટેલિજન્સ ડોક્યુમેન્ટ મુજબ અમેરિકી સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું છે કે, ચીનને મિલિટરી સ્પેસ ટેક્નોલોજી વિકસાવવામાં ઘણી સફળતા મળી ચૂકી છે. આમાં સેટેલાઇટ કોમ્યુનિકેશન પણ સામેલ છે.

