મહિલા પહેલવાનોના આરોપો પર સત્તાધીશોના આંખ આડા કાન

Wednesday 03rd May 2023 05:56 EDT
 

મહિલાઓને સુરક્ષા, સમાનતા, શિક્ષણના અધિકારો શું ફક્ત કાગળ પર જ છે? જે રીતે દિલ્હીના જંતરમંતર પર છેલ્લા એક સપ્તાહથી પોતાની જાતીય સતાવણીના મુદ્દે મહિલા પહેલવાનોની ન્યાયની માગણીઓને સત્તાધીશો દ્વારા અવગણવામાં આવી રહી છે તે જોતાં તો એમ જ લાગી રહ્યું છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ અને ભાજપ સાંસદ બ્રિજ ભુષણ શરણ સિંહ અને અન્ય હોદ્દેદારો પર મહિલા પહેલવાનો દ્વારા જાતીય શોષણના આરોપો સામે કરવામાં આવી રહેલા આંખ આડા કાન સવાલોનો અંબાર સર્જી રહ્યાં છે. આ પહેલાં જાન્યુઆરી મહિનાની કડકડતી ઠંડીમાં ન્યાયની ગુહાર સાથે મહિલા પહેલવાનો મેદાનમાં ઉતરી હતી. તે સમયે મેરી કોમના નેતૃત્વમાં એક તપાસ સમિતિની રચના કરીને ન્યાયના આશ્વાસન અપાયાં પરંતુ તે ઠાલાં પૂરવાર થયાં હતાં. ઉલટાનું મહિલા પહેલવાનોએ સમિતિના તારણો પર જ પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી દીધાં હતાં. નારાજ મહિલા ખેલાડીઓને ઊનાળાની બળબળતી ગરમીમાં ફરી એકવાર ન્યાય માટે જંતરમંતર પર ધરણાની ફરજ પડી હતી. અગાઉના જાહેર હોદ્દા પર બિરાજમાન અગ્રણી પર કોઇ આરોપ મૂકાતો તો તે તાત્કાલિક રાજીનામુ આપી તપાસને આધીન થતો પરંતુ બ્રિજ ભુષણ શરણ સિંહ તો નિર્લજ્જ બનીને સામા પડકારો ફેંકી રહ્યાં છે. સત્તામાં બેઠેલા લોકો મહિલા ખેલાડીઓના આરોપોને વિપક્ષી કાવતરૂં ગણાવી રહ્યાં છે.ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ પી ટી ઊષા મહિલા ખેલાડીઓની પડખે ઊભા રહેવાના બદલે  શિસ્તભંગના આરોપો મૂકી રહ્યાં છે. મહિલા પહેલવાનો પોતાની ગરિમાની લડાઇ લડી રહી છે પરંતુ તેમને સાથ આપવા સત્તાધારીઓમાંથી કોઇ આગળ આવી રહ્યું નથી તે ભારતનું સૌથી મોટું દુર્ભાગ્ય ગણી શકાય. દિલ્હી પોલીસ બ્રિજ ભુષણ શરણ સિંહ સામે વિધિવત એફઆઇઆર નોંધવા પણ તૈયાર નહોતી. એફઆઇઆર માટે પણ મહિલા પહેલવાનોએ સુપ્રીમ કોર્ટનું શરણ લેવાની ફરજ પડી હતી. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યા બાદ સિંહ સામે એફઆઇઆર નોંધવાની કામગીરી દિલ્હી પોલીસે શરૂ કરી હતી. આવી સ્થિતિમાં મહિલા પહેલવાનોને ન્યાય મળશે કે કેમ તે એક મોટો સવાલ છે..... 


comments powered by Disqus