રશિયાથી સસ્તું ક્રૂડ ખરીદી રહેલા ભારતને નુકસાન

Wednesday 03rd May 2023 07:44 EDT
 
 

નવી દિલ્હીઃ અમેરિકા સહિત પશ્ચિમી દેશો તરફથી લગાવવામાં આવેલા પ્રતિબંધનો સામનો કરી રહેલું રશિયા ભારતને ઓછી કિંમતે ક્રૂડ નિકાસ કરી રહ્યું છે. જેની સામે ભારતે પણ અમેરિકાના પ્રતિબંધોને અવગણીને મોટા પ્રમાણમાં રશિયન ક્રૂડ આયાત કરી રહ્યું છે. ભારતનું કહેવું છે કે જ્યાંથી પણ તેને ઓછી કિંમતે ક્રૂડ મળશે ત્યાંથી તે ખરીદશે. આંકડાકીય દૃષ્ટિએ જોઈએ તો રશિયા સાથેનો ભારતની વેપાર ખોટ સાત ગણી વધીને 34.79 અરબ ડોલર થઈ ગઈ છે. કોઈપણ દેશ માટે વેપાર સંતુલન ખૂબ જરૂરી છે. એટલે કે તમામ દેશોનો પ્રયત્ન હોય છે કે અન્ય દેશો સાથે તેમની વેપાર ખોટ ઓછામાં ઓછી હોય, કારણ કે વેપારમાં આ ખોટ કોઈપણ દેશની અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરી શકે છે. આ સ્થિતિમાં ભારતે માત્ર રશિયા પાસેથી મોટાપાયે આયાત કરી છે, તો નિકાસમાં ખૂબ ઘટાડો નોંધાયો છે.
રશિયા સાથે ભારતનો રેકોર્ડ ક્રૂડ વેપાર આ વેપાર ખોટનું મુખ્ય કારણ છે. આ વેપાર ખોટનો આંકડો એટલા માટે ભારત માટે ચિંતાજનક છે, કારણ કે ભારતની વેપારી ખોટ હવે 101.02 અરબ ડોલરના રેકોર્ડ સ્તરને પાર કરી ગયો છે. આવું પ્રથમ વખત બન્યું છે કે જ્યારે ભારતની વ્યાપારિક ખોટ 100 અરબ ડોલરને પાર ગઈ છે. જ્યારે કોઈ દેશ નિકાસની તુલનામાં આયાત વધારે કરે છે તો તેને વેપારમાં ખોટ માનવામાં આવે છે. એટલે કે ભારત રશિયાને ઓછો સામાન વેચી રહ્યું છે, જ્યારે તેની પાસેથી મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યું છે.


comments powered by Disqus