હમઝા યુસુફ માટે ફર્સ્ટ મિનિસ્ટરપદ કાંટાળા તાજ સમાન...

Wednesday 03rd May 2023 05:56 EDT
 

પાકિસ્તાની મૂળના હમઝા યુસુફ સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર બનવાની સિદ્ધી તો હાંસલ કરી ચૂક્યા છે પરંતુ ફર્સ્ટ મિનિસ્ટરની આ જવાબદારી તેમના માટે કાંટાળો તાજ પૂરવાર થઇ રહી છે. તેમની સામે સૌથી મોટો પડકાર સ્કોટલેન્ડની આઝાદીના તેમની પાર્ટીના વચનને આગળ ધપાવવાનો છે. સ્કોટલેન્ડમાં સજાતીય લગ્નોને માન્યતા અંગે પ્રવર્તી રહેલા મતભેદો હમઝા યુસુફની કાબેલિયતની અગ્નિ પરીક્ષા કરી રહ્યાં છે તો બીજીતરફ કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ અને વધી રહેલા એનર્જી બિલ સામે જનતાને રક્ષણ આપવાનો પડકાર પણ વિકરાળ બની રહ્યો છે. હમઝા યુસુફ સામે સરકારી કામકાજના પડકારો તો છે પરંતુ તેમની સત્તાધારી સ્કોટિશ નેશનલ પાર્ટી ઐતિહાસિક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. પાર્ટીમાં થયેલા હિસાબી ગોટાળાઓના કારણે પોલીસ પૂર્વ ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જન, તેમના પતિ પીટર મ્યુર્રેલ અને એસએનપીના ટ્રેઝરર કોલિન બિટ્ટી સામે તપાસ કરી રહી છે. એવી પણ સંભાવના છે કે નિકોલા સ્ટર્જનની પણ આ મામલામાં ધરપકડ થઇ શકે છે. હમઝા યુસુફ અત્યંત પાતળી બહુમતીથી ફર્સ્ટ મિનિસ્ટર તરીકે ચૂંટાયા હતા તેથી પાર્ટીમાં તેમના વિરોધીઓની અછત નથી. તે ઉપરાંત હિસાબી ગેરરિતીઓના આરોપોએ પાર્ટીને હચમચાવી દીધી છે.  હવે હમઝા યુસુફ કેવી રીતે આ પડકારોનો સામનો કરે છે તે જોવાનું રહ્યું. તેમના દ્વારા લેવાનારા નિર્ણયો એસએનપીના ભાવિ પર લાંબા ગાળાની અસરો પાડશે તે વાતમાં કોઇ શંકા નથી. એકતરફ હમઝાને તેમની પાર્ટી દ્વારા મતદારોને અપાયેલા વચનો પૂરાં કરવાના છે તો પાર્ટીમાં સર્જાયેલી અંધાધૂંધી પર પણ કાબુ મેળવવાનો છે. તાજેતરમાં હમઝા યુસુફે સ્કોટલેન્ડ વધુ પડતો શ્વેત માનસિકતા ધરાવતો હોવાની ટિપ્પણી કરી હતી જેના કારણે સ્થાનિક સ્કોટલેન્ડવાસીઓ તેમને પોતાને માટે ધમકીરૂપ માનવા લાગ્યા છે. તેમના પાકિસ્તાની મૂળના કારણે પણ સ્થાનિકોમાં સવાલો સર્જાઇ રહ્યાં છે. દુર્ભાગ્યે હમઝા તેમના પોતાના જ મુસ્લિમ સમુદાયનું પણ પુરતું સમર્થન ધરાવતા નથી. સજાતીય લગ્નો, સજાતીય સંબંધોની તરફેણ અને ગર્ભપાત અંગેના મુક્ત વિચારો તેમને પોતાના જ મુસ્લિમ સમુદાયમાં અણગમતા પૂરવાર કરી રહ્યાં છે. શાસનના મામલે પણ કાબેલ હોવા છતાં સ્કોટલેન્ડની જનતા હમઝાની ક્ષમતાઓ પર શંકા સેવી રહી છે. હમઝા યુસુફ માટે માર્ગ વધુ વિકટ પૂરવાર થઇ રહ્યો છે.


comments powered by Disqus