2022માં પડકારો છતાં ભારતીય અર્થતંત્રની આગેકૂચ, 2023-24 માટે ઉજળી આશા

Wednesday 04th January 2023 05:11 EST
 

2021-22ના નાણાકીય વર્ષમાં કોરોના મહામારીએ તેમજ યુક્રેન યુદ્ધે ભારતીય અર્થતંત્રને મોટા આંચકા આપ્યા હતા. ફક્ત ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના અર્થતંત્રો મહામારીના મારના કારણે હચમચી ગયાં હતાં પરંતુ મોદી સરકાર અને ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા લેવાયેલાં સચોટ પગલાંને કારણે 2022-23ના નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્ર ન કેવળ મહામારીના મારમાંથી બેઠું થયું પરંતુ યુરોપ અને વિશ્વના દેશો રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે આર્થિક પીછેહઠ વેઠી રહ્યાં છે ત્યારે આપબળે નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી શક્યું છે.
ભારતીય અર્થતંત્ર સામે પણ વિશ્વના અન્ય દેશોની જેમ જિઓપોલિટિકલ ટેન્શન, મજબૂત બનતો ડોલર, ફુગાવાના દરમાં વધારા જેવા પડકારો રહેલાં જ છે તેમ છતાં આગામી ત્રિમાસિકમાં ભારતની આર્થિક આગેકૂચ જારી રહેવાની સંભાવના છે. વિશ્વમાં વાગી રહેલા મંદીના પડઘમના કારણે ભારતની નિકાસોને આગામી મહિનાઓમાં ફટકો પડી શકે છે પરંતુ ભારતીય અર્થતંત્રની ઘરઆંગણાની વૃદ્ધિની સકારાત્મક અસરો આ ફટકાને નહીંવત કરી નાખશે. ભારત સરકાર અને રિઝર્વ બેન્ક સામે નવા વર્ષમાં મોંઘવારીને કાબૂમાં લેવા, ડોલર સામે રૂપિયાના અવમૂલ્યન અને ખાનગી મૂડીરોકાણમાં વધારા જેવા પડકારો મોં ફાડીને ઊભા છે. વિશ્વના સૌથી ઝડપથી વિકાસ કરી રહેલા અર્થતંત્રના બીરૂદને જાળવી રાખવા સરકાર અને રિઝર્વ બેન્કે મહત્વના આર્થિક નિર્ણયો લેવાં પડશે.
2022-23ના પ્રથમ છ માસિકમાં ભારતીય અર્થતંત્રે 9.7 ટકાના દરે વૃદ્ધિ કરી હતી જેની સામે બ્રિટને 3.4 ટકા, ઇન્ડોનેશિયાએ 5.6 ટકા, મેક્સિકોએ 3.3 ટકા, યુરોપના દેશોએ 3.2 ટકા, ચીને 2.2 ટકા, અમેરિકાએ 1.8 ટકા અને જાપાને 1.7 ટકાના દરે વૃદ્ધિ કરી હતી. આંતરારાષ્ટ્રીય નાણા સંસ્થાઓના અંદાજ અનુસાર 2022-23ના નાણાકીય વર્ષનો ભારતનો વૃદ્ધિદર 7 ટકાની આસપાસ રહી શકે છે જે વિશ્વમાં સૌથી ઊંચો વિકાસદર બની રહેશે. જો આગામી કેન્દ્રિય બજેટમાં સરકાર દ્વારા નકારાત્મક પગલાં નહીં લેવાય તો 2023-24ના નાણાકીય વર્ષમાં પણ ભારતનો વિકાસદર 7 ટકા રહી શકે છે. ભારતીય અર્થતંત્ર સામે સૌથી મોટો પડકાર ફુગાવાનો દર અને ડોલર સામે રૂપિયાનું અવમૂલ્યન છે. રિઝર્વ બેન્ક વ્યાજદરોમાં વધારો કરવા છતાં ફુગાવાને નાથવામાં સફળ પૂરવાર થઇ નથી. ડોલર સામે રૂપિયાના સતત અવમૂલ્યનથી આયાતો મોંઘી બનતાં દેશના ચાલુ ખાતાની ખાધ પર ગંભીર અસર પડી રહી છે. આગામી મહિનાઓમાં પણ ડોલર સામે રૂપિયો દબાણમાં રહેવા સંભાવના છે. પશ્ચિમના દેશોમાં વ્યાપ્ત મંદીના કારણે ભારતની નિકાસો પર અસર પડી છે. છતાં ભારતનો જીડીપી ગ્રોથ વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં જળવાઇ રહ્યો છે. સરકારની જીએસટીની આવકમાં સતત વધારો દર્શાવી રહ્યો છે કે ઘરઆંગણે અર્થતંત્ર મંજબૂત રહ્યું છે. કોરોના મહામારી બાદ ભારતીય અર્થતંત્રની ગાડી પાટા પર આવી ગઇ છે. 2023-24ના નાણાકીય વર્ષમાં પણ આવો જ વૃદ્ધિદર જળવાઇ રહે તેવી ઉજળી આશા સેવાઇ રહી છે.


comments powered by Disqus