કાઠમંડુ: નેપાળમાં નવી સરકાર બનતાં જ ચીન તરફનો ઝુકાવ ફરી વધી રહ્યો છે. નેપાળના નવા વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડે પોખરા ખાતે ચીનની મદદથી તૈયાર થયેલા આંતરરાષ્ટ્રીય વિમાની મથકનું ઉદ્ઘાટન કર્યું હતું. પોખરા તે નેપાળનું મહત્ત્વનું પર્યટક સ્થાન છે. ઉદ્ઘાટન પ્રસંગે નાયબ વડાપ્રધાન અને નાણાપ્રધાન વિષ્ણુ પૌડેલ સહિતના ટોચના નેતા પણ ઉપસ્થિત રહ્યા હતા. ફેબ્રુઆરી મહિના બીજા સપ્તાહમાં અહીંથી આંતરરાષ્ટ્રીય ઉડાનો શરૂ થઈ શકે છે. ચીનના જણાવ્યા મુજબ પોખરા એરપોર્ટ નેપાળ-ચીન બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવનો ભાગ છે. હવે નેપાળે ચીન પાસે વધુ મદદ માટે હાથ લંબાવ્યો છે. નેપાળ ઇચ્છે છે કે, રેલવે પ્રોજેક્ટમાં પણ ચીન તેની મદદ કરે.
ઉલ્લેખનીય છે કે, પુષ્પકમલ દહલ પ્રચંડ સીપીએન- માઓવાદી સેન્ટરના નેતા છે. ચીનની સામ્યવાદી સરકાર તરફ તેઓ હંમેશાં ઝુકેલા રહ્યા છે. પુષ્પકમલ દહલ નેપાળની લોકશાહીના પ્રથમ વડાપ્રધાન માનવામાં આવે છે. હવે તેઓ ત્રીજાવાર નેપાળના વડાપ્રધાન બન્યા છે. હવે નેપાળ-ચીન નજદીકી અને ભારતના વર્તમાન રાજકારણથી અંતર જાળવવાની નીતિ આ સરકારમાં સ્પષ્ટપણે જોવા મળે છે.

