ભારતમાં પુતિનવિરોધી ત્રણ વ્યક્તિનાં શંકાસ્પદ મોત

Wednesday 04th January 2023 05:58 EST
 
 

ઓડિશામાં રશિયન નાગરિકોના મોતનો સિલસલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. વ્લાદિમીર બિડેનોવ અને પાવેલ એન્ટોનોવ બાદ વધુ એક રશિયન નાગરિક મૃત હાલતમાં મળી આવ્યો છે. જગતસિંહપુર જિલ્લાના પારાદીપ બંદરે મંગળવારે એક કાર્ગો જહાજમાંથી રશિયન નાગરિકનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે મૃતકની ઓળખ 51 વર્ષીય સર્ગેઈ મિલ્યાકોવ તરીકે કરી છે.
એસપી અખિલેશ્વર સિંહે આપી માહિતી
આ ઘટના અંગે માહિતી આપતાં જગતસિંહપુરના એસ.પી. અખિલેશ્વર સિંહે કહ્યું કે, અમને જાણવા મળ્યું છે કે મૃતક કાર્ગો જહાજના ક્રૂ મેમ્બર પૈકી એક હતા. પોસ્ટમોર્ટમ બાદ જ મૃત્યુનું સાચું કારણ કારણ જાણી શકાશે. અમારી પ્રાથમિક તપાસ મુજબ સર્ગેઈ મિલ્યાકોવ અચાનક જહાજ પર પડી ગયા હતા. શક્ય છે કે તેમનું મૃત્યુ હાર્ટએટેકથી થયું હોય.
પોસ્ટમોર્ટમની વીડિયોગ્રાફી કરાશેઃ અખિલેશ્વર સિંહ
એસ.પી. અખિલેશ્વર સિંહે વધુમાં જણાવ્યું કે, પોલીસ સર્ગેઈ મિલ્યાકોવના પોસ્ટમોર્ટમની વીડિયોગ્રાફી કરશે અને તેમના આંતરડાના નમૂનાની સાથે-સાથે તેમના શરીરને પણ સુરક્ષિત રાખશે. નોંધનીય છે કે, ઓડિશા પોલીસને પાવેલ એન્ટોનોવનાં આંતરડાના નમૂના ન સાચવવા અને તેના પોસ્ટમોર્ટમની વીડિયોગ્રાફી ન કરવા બદલ ટીકાનો સામનો કરવો પડ્યો હતો.
પાવેલ અને વ્લાદિમીરનું થયું હતું રહસ્યમય મોત
આ પહેલાં બે રશિયન પ્રવાસીઓના દક્ષિણ ઓડિશાના રાયગઢ શહેરમાં રહસ્યમય રીતે મોત થયાં હતાં. આમાંથી એક 65 વર્ષના રશિયન સાંસદ પાવેલ એન્ટોનોવ હતા અને બીજા તેમના મિત્ર વ્લાદિમીર બિડેનોવ હતા. પાવેલનું મોત 24 ડિસેમ્બરે અને બિડેનોવનું 22 ડિસેમ્બરે થયું હતું. પાવેલનું હોટેલના ત્રીજા માળેથી કથિત રીતે પડી જતાં મૃત્યુ થયું હતું, જ્યારે તેમના મિત્ર બિડેનોવ આ હોટેલના પોતાના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. બંને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આલોચક હતા. હાલ ઓડિશા પોલીસ બંને કેસની તપાસ કરી રહી છે. તો એવા પણ સમાચાર છે કે આ કેસની તપાસમાં ઇન્ટરપોલની મદદ લેવાનો વિચાર પણ ચાલી રહ્યો છે.


comments powered by Disqus