21મી સદીમાં એશિયા અને આફ્રિકામાંથી થઇ રહેલું સ્થળાંતર યુરોપ અને અમેરિકાની વસતીનો ગુણોત્તર બદલી રહ્યું છે. આફ્રિકાના દેશોમાં ગૃહયુદ્ધ અને ભૂખમરો લાખો લોકોને યુરોપ તરફ પલાયન કરી જવા મજબૂર કરી રહ્યો છે. સીરિયા, ઇરાક, અફઘાનિસ્તાન જેવા અસ્થિર દેશોમાંથી પણ લાખો લોકો જીવના જોખમે યુરોપ પહોંચી રહ્યાં છે. ચીન અને ભારત જેવા અઢળક વસતી ધરાવતા દેશોમાંથી સારી કારકિર્દી માટે લાખો યુવાનો યુરોપ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા તરફ પ્રયાણ કરી રહ્યાં છે જેના પગલે એક જમાનામાં શ્વેત બહુલ યુરોપિયન દેશોમાં હવે અશ્વેત અને એશિયનોની વસતી નોંધપાત્ર રીતે વધી રહી છે. બ્રિટનની જ વાત કરીએ તો લંડનમાં હવે શ્વેત લોકો બહુમતીમાં નથી. તેમનું સ્થાન વંશીય લઘુમતી સમુદાયે લીધું છે. બ્રિટનમાં આવતા ઇમિગ્રન્ટ્સની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. 2022માં બ્રિટનમાં નેટ માઇગ્રેશન 6,06,000 રહ્યું. એવું નથી કે યુરોપ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં ઇમિગ્રન્ટ્સ બોજો બનીને આવી રહ્યાં છે. ભારત અને ચીન જેવા દેશોમાંથી આવતા તેજસ્વી યુવાઓ આ દેશોના અર્થતંત્રને મજબૂત બનાવવામાં મહત્વનો ફાળો આપી રહ્યાં છે. યુરોપ અને અમેરિકામાં સતત ઘટતા જન્મદરને કારણે કામદારોની તીવ્ર અછત પ્રવર્તે છે. આવી સ્થિતિમાં આ દેશોને એશિયા અને આફ્રિકાના શ્રમિકોની તાતી જરૂર છે. આ વિકસિત દેશો માટે તેમના ઉદ્યોગ-કારોબાર ધમધમતા રાખવા વિદેશી કામદારો અનિવાર્ય બન્યાં છે. જોકે આ પ્રકારના મહાકાય સ્થળાંતરના કારણે જે તે દેશોમાં ફાર રાઇટ ગણાતા લોકો ઇમિગ્રન્ટ્સનો વિરોધ પણ કરી રહ્યાં છે. બ્રિટનમાં ઇમિગ્રન્ટ્સની સંખ્યા ઘટાડવા માટે સંખ્યાબંધ પગલાં સુનાક સરકાર લઇ રહી છે. આવી જ સ્થિતિ યુરોપ અને અમેરિકાની પણ છે. ઇમિગ્રન્ટ્સની સંખ્યા વધવાના કારણે સ્થાનિકો સાથેનો તેમનો સંઘર્ષ પણ વધી રહ્યો છે. સરકારો અર્થતંત્રની ગાડીને દોડાવવા માટે વિદેશી કામદારોની તરફેણમાં છે પરંતુ વધી રહેલા વિદેશીઓના કારણે સ્થાનિક વસતીના ગુણોત્તરમાં થઇ રહેલો બદલાવ સંઘર્ષ નોતરી રહ્યો છે.
