ઓક્ટોબરના અગ્નિદિવસો : સ્મરણ કેટલાક દિવસોનું..

Wednesday 04th October 2023 09:58 EDT
 
 

ચીની ધૂર્તતાના આક્રમક દિવસો યાદ આવે છે? 1962ના ઓકટોબરના આ દિવસોમાં લદાખથી અરુણાચલ સુધીની બરફીલી જમીન મશીનગન, તોપ અને બંદુકોથી ધણધણી ઉઠી હતી. પંચશીલના ચીથરાં ઊડી ગયા અને ચીન-ભારતે સાથે મળીને શાંતિના કબૂતરો આકાશમાં ઉડાડયા તે ક્યાંક જખમી થઈને ચૂપ થઈ ગયા હતા. ભારતીય સંસદ ગુસ્સાથી લાલચોળ હતી. નેહરુજીને પોતાના પક્ષના વરિષ્ઠ સભ્યો પણ પ્રશ્નો કરીને અવગણવા માંડ્યા. કૃપલાણી, અટલબિહારી વાજપેયી, બેરિસ્ટર નાથપાઈ, ડો.રામમનોહર લોહીયા, અશોક મહેતા, મીનુ મસાણી, મહાવીર ત્યાગી… સૌ ચીન સામેના ભારતના જવાબી વલણ માટે તત્પર હતા. નેહરૂ દુવિધાની તસવીર બની ગયા હતા. ટુ બી ઓર નોટ ટુ બી ના હેમલેટને તેઓ જીવી રહ્યા હતા. સ્વર્ગસ્થ સરદાર વલ્લભભાઇ હવે નહોતા, પણ તિબેટ પરના ચીની આક્રમણની ચેતવણી આપી તે સાચી સાબિત થવા માંડી. હિમાચલ પ્રદેશના ધર્મશાળા નગરમાં અસ્થાયી સરકાર બનાવીને તિબેટીઓ દેશભરમાં રોજગારી માટે ઘૂમતા રહ્યા છે, તેની ત્રીજી પેઢી ભારતમાં જીવે છે, અને તિબેટ પોતાના પ્રિય વતનની યાદ સાથે દેખાવો કરે છે, કવિતાઓ લખે છે, તેંજીમ સૂંડું, સેરિંગ વાંગમો જેવા અગ્નિતણખા જેવા તેમના કવિઓ છે. દલાઇ લામા જાણે કે આશા ખોઈ બેઠા છે, મુક્ત તિબેટની, તો બીજા કેટલાક રાહ જોતાં રહેવાની શાંતિને બદલે બીજો રસ્તો શોધવાની મથામણ કરી રહ્યા છે.
તવારીખના પાનાં પર ઓક્ટોબર અને પછીના રક્તરંજિત દિવસો આજે એટલા માટે યાદ રાખવા જેવા છે કે જ્યોર્જ ફરનાન્ડીઝ એક વાર સાફસાફ બોલી ગયા હતા કે ભારતનો શત્રુ નંબર એક ચીન છે. આપણે ત્યાં ધૂર્ત માણસને ચીની શાહુકાર કહેવામા આવે છે.સામ્યવાદી શાસનની ખટપટો અને જમીન હડપી લેવાના સામ્રાજ્યવાદની તેને આદત પડી ગઈ છે. રાજકીય બળવા તો જરૂર થાય છે ત્યાં, પણ તે નેતૃત્વ માટેના.રશિયાને તો સામ્યવાદને ધરાશાયી કરનારો ગોર્બાચેફ મળ્યો હતો, પણ ચીનમાં એવું શક્ય બન્યું નથી. ભારતની સરહદો પરનું તાપણું તેઓ કાયમ ચાલુ રાખશે.
કેવી હતી ઓક્ટોબરની ચીન-ભારત તવારીખ? વર્ષ 1962. વાસ્તવિક આક્રમણ થયું 10 ઓક્ટોબર. 1951માં જ તેને પોતાને અનુકૂળ સીમા-નિર્ધારણ જોઈતું હતું. 1950માં તિબેટ પર લશ્કરી કબ્જો જમાવ્યો. ચીન હવે અકસાઈ ચીન તરફ વળ્યું. 25 ઓગસ્ટ 1959ના તેણે લોંગ-જુ પર હુમલો કર્યો. વીસમીએ ભારતીય સૈનિકોને પકડીને લઈ ગયા અને નવ સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા. નેહરુએ એટલું સ્વીકાર્યું કે હું સમજતો હતો કે સવાલ હલ થઈ જશે, પણ તે મારી ભૂલ છે
.. પણ, અબ પછ્તાયે ક્યા હોત, જબ ચિડિયા ચુગ ગઈ ખેત? અને આ તો ચિડિયા નહોતી, ડ્રેગોન હતો તે સમજવામાં તત્કાલિન સરકારને ઘણો સમય લાગ્યો. 8 સપ્ટેમ્બર, 1959 ના દિવસે ચીને જાહેર કર્યું કે ભારતની ગણવામાં આવતી 50,000 વર્ગ માઈલ જમીન ચીનની છે. તેમાથી 12,000 વર્ગ માઈલ તો તેણે પચાવી પાડી, હવે તેણે લદાખ, અરુણાચલ વગેરે જોઈએ છે. જનરલ કૌલ તેની “અનટોલ્ડ સ્ટોરી”માં લખે છે કે ચીન મેકમોહન રેખાનો સ્વીકાર કરે એ ચીનની જરૂરિયાત સમજીને કેટલીક સુવિધા આપવા તૈયાર હતા. એટ્લે, એ સમયના ચીની વડા ચાઉ-એન-લી ને દિલ્હી આવવા આમંત્રણ આપ્યું. વિપક્ષી નેતાઓ ભારે નારાજ હતા. નેક નેતાએ તો ત્યાં સુધી કહ્યું કે ઈન્સાનને બે વસ્તુ પ્રિય છે-ઔરત અને જમીન. આપે ચીનને 12000 વર્ગ માઈલ જમીન તો આપી દીધી, હવે શું અમારી સ્ત્રીઓ પણ આપી દેવાનો ઇરાદો છે? 19 એપ્રિલ, 1960 ના દિવસે ચાઉ ભારત આવ્યા. તેમણે દાવ ખેલ્યો, “તમે અમને અકસાઈ ચીનનો પ્રદેશ આપી ડો, અમે મેકમોહન રેખાને માન્ય કરીએ. મેક્સવેલના પુસ્તકમાં નેહરૂનો જવાબ નોંધાયો છે. તેમણે ચાઉને કહ્યું કે “પછી હું પ્રધાનમંત્રી નહિ રહી શકું!” સત્તાની ટોચે રહેવાની લાલસા કેવા મહાન પુરૂષોને પણ છોડતી નથી? ખ્યાત પત્રકાર ડી.એન. માંકેકરે એક રસપ્રદ વાત નોંધી છે. 1952-54 સુધી તો આ ભારતીય જમીન પર આપણી સેનાની કોઈ ચોકીઑ જ નહોતી. પછી લેહની ઉત્તર પશ્ચિમે ત્રણ ચોકી અને પેટ્રોલીંગનો નિર્ણય લેવાયો, અને નેહરુજી ચીની ચોકીઓમાં ઘૂસીને પેટ્રોલીંગ કરવા જણાવ્યુ, પણ વિના હથિયારે!
10 ઓકટોબરે મોર્ટાર, બોમ્બ સાથે ધો-ળ તવાંગ પીઆર ચીની આક્રમણ થયું.9 ઓકટોબરે થાંગ-લા પર આક્રમણની ચેતવણી મળી. તેની પશ્ચિમે ભારતીય લશ્કરે 16000 ફૂટ ઊંચા યમતસુ-લા શિખરે પહોંચવા તૈયારી કરી. તસંગ જોંગ, ધો-લા, તવાંગ, લદાખ, અરુણાચલ, ડીરાંગ-જોંગ, બોમડી-લા, સી-લા, નામકા-ચૌ, દોલત બાગ, વાલોંગ, જાંગ,.. આક્રમણ, અને તદ્દન ઓછા સાધનો સાથે ભારતીય જવાનોનો સામનો, શહીદી અને અંતે નવેંબરમાં યુદ્ધવિરામ. કવિ પ્રદીપના શબ્દોમાં “જબ દેશમે થી દીવાળી, વે ખેલ રહે થે હોલી.. ભારતીય સૈનિકોએ એક હાથે દસ દસને માર્યા હતા, ભારતીય યોદ્ધા શીખ, જાટ, મરાઠા, નેપાલી નહિ પણ હિંદુસ્તાની લોહી હતું. સરહદ પર મરનેવાલા હાર ખૂન થા હિન્દુસ્તાની !


comments powered by Disqus