પાક.માં ખાલિસ્તાની આતંકીઓમાં ભય પ્રસર્યો: સેફ હાઉસમાં છુપાયા

Wednesday 04th October 2023 08:04 EDT
 
 

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં વર્ષો સુધી ખુલ્લેઆમ રહેતા ખાલિસ્તાની આતંકવાદીઓ હવે ભયના ઓથાર તળે આવી ગયા છે. સૂત્રોના કહેવા પ્રમાણે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇએ લગભગ 15 ખાલિસ્તાની આતંકવાદીઓને 12 સેફ હાઉસમાં છુપાવ્યા છે. ખાલિસ્તાની આતંકવાદીઓ માટે પાકિસ્તાની હેન્ડલર્સે ઇસ્લામાબાદ અને ઇરાનને અડીને આવેલી સરહદે આર્મી હેડક્વાર્ટર પાસે બનેલા સેફ હાઉસમાં આશરો આપ્યો છે. ભારતે મંગળવાર ખાલિસ્તાની આતંકવાદી કરણવીરસિંહ વિરુદ્ધ ઇન્ટરપોલ થકી રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે. ગુપ્તચર એજન્સીનાં સૂત્રોના કહેવા પ્રમાણે કરણવીરસિંહ કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં ખાલિસ્તાની આતંકૂઓનો કો-ઓર્ડિનેટર છે. કરણવીરે પાકિસ્તાનને પોતાનું ઇન્ટરનેશનલ બેઝ બનાવ્યું છે.
5 મોસ્ટ વૉન્ટેડનો ખાતમો
ઉલ્લેખનીય છે કે દોઢ જ વર્ષમાં ભારતના 5 મોસ્ટ વોન્ટેડ આતંકીઓનો ખાત્મો થઈ ચૂક્યો છે. જેમાં કંધાર વિમાન હાઇજેકમાં વોન્ટેડ મિસ્ત્રી જાહિદ, અલબદ્રના કમાન્ડર ખાલિદ, ખાલિસ્તાની આતંકી પરમજિતસિંહ પંડવડ, જમાત ઉલ દાવાના આતંકી કાસીમ અને જૈશના કમાન્ડર બશીર અહેમદની ગોળી મારી હત્યા કરી દેવાઈ છે.


comments powered by Disqus